ઓરંગઝેબના એક નિર્ણયના કારણે ગવૈયાઓના જીવનમાં મંદી નામનું તોફાન આવી ગયું. નિર્ણય લેવાયો હતો કે ગીત-સંગીતની દિલ્હી સલ્તનતની આવામને કોઈ જરૂર નથી. આવા ભેંકણા તાણનારાઓના ડાચા બંધ કરી દેવામાં આવે. જે હજુ ગીત સંગીતમાં રચ્યા પચ્યા રહેતા તેમને કડક શિક્ષા કરવામાં આવતી હતી. ગળામાંથી નીકળતા સૂર બંધ થયા અને હોજરીની અંદર જતું ભોજન પણ ઠપ્પ થયું.
હેરાન પરેશાન ગવૈયાઓ એક દિવસ દિલ્હીમાં ઠાઠડી લઈને નીકળ્યા. ઠાઠડી જે ઘર પાસેથી પસાર થતી ત્યાંથી લોકો જોડાતા જતા હતા. ધીમે ધીમે ઠાઠડી મોટી થવા લાગી. હવે દિલ્હીની અડધી વસતિ ઘરમાં નહીં પણ ઠાઠડીની સાથે હતી. એ પરથી તાગ મેળવી શકાય કે ઓરંગઝેબ આમ તો સાચો જ હતો. જુમ્મા મસ્જિદ પાસેથી ઠાઠડી નીકળી અને ઓરંગઝેબ ગુસ્સે ભરાયો. લોકો રડતા હતા. છાતી કૂટતા હતા. રોષે ભરાયેલા ઓરંગઝેબે તેના મંત્રીઓને બોલાવીને પૂછ્યું, ‘આ કોણ છે?’
‘જહાંપનાહ તમે સંગીત ઉપર પ્રતિબંધ લાદ્યો એટલે જનતા સંગીતની ઠાઠડી કાઢી તેને સુપુર્દે ખાખ કરવા જઈ રહી છે.’
ઓરંગઝેબે જોરથી અવાજ કર્યો, ‘તો એને કહેજો ખાડો ઊંડો ગાળે.’
ઓરંગઝેબને ખબર નહોતી કે ભવિષ્યમાં તેની જ પેઢીમાંથી એક મૂજરાવીર પાકશે અને સંગીતને પુન: જીવિત કરશે. નામ તો રોશન અખ્તર રાખ્યું હતું. એટલી મોટી ઉપાધી આપી હતી કે યાદ રાખવું એ મોટી ઉપાધી થઈ પડેલી. ‘‘અબુ અલ ફતહ નસીરુદ્દીન રોશન અખ્તર મોહમ્મદ શાહ.’’
આટલું લાંબુ નામ તો તેને પણ પસંદ નહોતું. તેનું બીજું ઉપનામ હતું ‘સદા રંગીલા.’ જેમાંથી રંગીલા શબ્દ તેના જીવન સાથે વણાઈ ગયો. જનતા તેને બોલાવવા લાગી ‘મહોમ્મદ શાહ રંગીલા.’ તેણે દાદાના કટ્ટર ઈસ્લામની નીતિને ઉઠાવી યમુના નદીમાં ફેંકી દીધી. નબળો હતો. જેનો વિરોધીઓએ ખૂબ ફાયદો ઉઠાવ્યો.
બાપ દાદાની ધન દૌલત એટલી કે હુમલાખોરો લૂંટ મચાવી મચાવીને થાકી જતા. લડવામાં એટલો આળસુ હતો કે હુમલાખોર બીજી વખત આક્રમણ કરીને પણ તેને લૂંટતો અને તે પોતાની પાસે વિશાળ ફોજ હોવા છતાં કંઈ કરી ન શકતો.
કલી ખાન નામના એક લેખકે મરક-એ-દિલ્હી નામનું પુસ્તક લખ્યું છે. જેમાં દિલ્હીનું સચોટ અને ઉપસતું વર્ણન છે. એમણે લખ્યું છે કે, ‘રંગીલો આખો દિવસ મોજ કર્યા રાખતો અને જો તેના પર મુસીબત આવી જાય તો ઓલિયાઓનો હાથ પકડી લેતો. જો ઓલિયાઓના હાથ પકડતા પણ મુસીબત તેનો પીછો ન છોડે તો તે પાછો મહેલમાં જઈ, મોજ મજામાં લીન થઈ જતો. હેરાન જનતા થતી હતી.’
સંગીતનો એટલો શોખ કે સદા રંગ નામના ખ્યાતનામ સંગીતકારના વખાણના પુલ બાંધતા તેણે કહેલું, ‘સદા રંગ જ્યારે સાજ પર પોતાના નખ ઘસે છે એ મારા હ્રદયમાંથી પસાર થઈને નીકળે છે. ગળામાંથી અવાજ કાઢે તો એવું લાગે જાણે શરીરમાંથી જીવ નીકળી ગયો હોય.’
તેના વિશે ઈતિહાસકારો એ નોંધ્યું છે કે આ માણસની દોસ્તી કર્યા જેવી નહોતી. તેની મહેફિલનો જેને પણ ચસ્કો લાગતો એનું ઘર-બાર સહિત બધુ બરબાદ થઈ જતું. તેની સાથે દોસ્તી કરનારને તો બગલાની જેમ આટાફેરા મારવાના વારા આવતા હતા.
તેની પ્રિય વેશ્યાનું નામ નૂર બાઈ હતું. તેના કોઠા આગળ અમીરો હાથીઓ લઈને નૃત્ય જોવા આવતા. એ નાચતી ત્યારે તેનું જોબન કપડામાંથી બહાર નીકળવા થનગનતું. આ જોબનને જોવા એટલા બધા અમીરો અધીરા બનીને આવતા કે દૂરથી જુઓ તો હાથીઓનો ટ્રાફિક જામ દેખાય. જો એ વખતે રંગીલાએ ટ્રાફિકની પાવતીઓ ફાડી હોત તો તેની પાસે હતું તેનાં કરતાં પણ વધારે ધન હોત અને એ વધારે ધન પણ નાદીર શાહ લૂંટી જાત.
દિલ્હી લૂંટવાની યોજના એટલે ઘડાયેલી કે એક તો શાસક નબળો હતો અને બીજું દિલ્હી લંડન અને પેરિસ પછી ત્રીજું અમીર શહેર હતું. 1739માં નાદીર શાહ દિલ્હી માટે રવાના થયો. આ વાતની ખબર મહોમ્મદ શાહ રંગીલાને પહેલાથી હતી. તેના સેનાપતિઓ તેને ચેતવણી આપતા ત્યારે તે ખૂબ સરસ વાત કરતો, ‘દિલ્હી અભી દૂર હૈ…’ જેને ઉર્દુમાં કહેવાય ‘હનૂઝ દિલ્હી દૂર અસ્ત…’
નાદીર શાહ હવે દિલ્હીથી સો કિલોમીટર જ દૂર હતો. રંગીલો તૈયાર થયો. પ્રથમ વખત તેને સૈન્યનું નેતૃત્વ કરવાનું હતું. સૈન્યનું નિરીક્ષણ કર્યું તો ખબર પડી કે લાખેક જેટલું છે, જેમાંના મોટાભાગના ગાયકો, નૃત્ય કલાકારો, સંગીતના તજજ્ઞો, સાહિત્યકારો અને અધધ કવિઓ છે. પ્રથમ વખત તેને પોતાની એદી જીવન શૈલી પર વસવસો થયો.
નાદીર શાહ આવ્યો ત્યારે રંગીલા અને તેની વચ્ચે સંધિ થઈ. એવી સંધિ થઈ કે તેણે દિલ્હીને લૂંટવાની નહીં તે સામેથી કેટલીક સંપતિ નાદીર શાહના ખિસ્સામાં સેરવી દેશે. સંધિ ઉપર મહોર લાગી ગઈ પણ કોઈએ નાદીર શાહનાં કાન ભરી દીધા, કે મહોમ્મદ રંગીલા પાસે ખૂબ ધન છે, પણ સાલો કંજૂસ છે. બધું નહીં આપે. ઈરાનથી આપે બીજી વખત થોડો ધક્કો ખવાય ? નાદીર શાહને વાત તો સારી અને સાચી લાગે.
પૈસાની વાત સામે આવતા સંધિનો દિવો ઓલવાઈ ગયો. હવે યુદ્ધ એ જ કલ્યાણ!! યુદ્ધમાં તો જીત મોહમ્મદ શાહ રંગીલાની થવાની હતી, કારણ કે તેની પાસે એક લાખનું સૈન્ય હતું. બીજી બાજુ નાદીર શાહ માત્ર 55 હજાર સૈનિકો લઈને આવ્યો હતો. સાહિત્ય અને સંગીતની વાતો કરતા રંગીલાના સૈનિકો ત્રણ કલાકમાં નાદીર શાહના 55 હજાર સૈનિકો સામે ઘૂંટણીયે પડી ગયા.
જીતી ગયા પછી બીજા દિવસે દિલ્હીની મસ્જિદમાં નાદીર શાહના નામનો ખુત્બો પઢવામાં આવ્યો. તેના નામના સિક્કાઓ ધડાધડ ઘડાવા લાગ્યા. અને કોઈ ન્યૂઝ ચેનલ જેવાએ ખોટી અફવા ફેલાવી દીધી, કે પેલા નાદીરીયાની કોઈ વેશ્યા એ જ હત્યા કરી નાખી છે. આ વાત સાંભળી દિલ્હીના સામાન્ય લોકો જોશમાં આવી ગયા અને નાદીર શાહના ઈરાની સૈનિકો પર તલવાર ચલાવવાની શરૂ કરી દીધી. એમને ખબર નહોતી કે નાદીર શાહ હજુ જીવંત છે.
પછી નાદીર શાહે દિલ્હીવાસીઓનો શું હાલ કર્યો તેની સાહિત્યિક પંક્તિ વાંચો, ‘પૂર્વના આકાશમાંથી ભળભાંખળું થયું હતું. નાદીર શાહ દુર્રાની પોતાના ઘોડા પર સવાર થઈ લાલ કિલ્લાથી નીકળ્યો. તેનું શરીર લોઢાના બખ્તરથી આવૃત થયેલું હતું. માથામાં લોઢાનું કવચ હતું અને કમર પર તલવાર બાંધેલી હતી. તેની સાથે કમાન્ડર અને જનરલ હતા. તે ચાંદની ચોકની આગળ આવેલી રોશનઉદ્દોલા મસ્જિદની તરફ જઈ રહ્યો હતો. મસ્જિદના બુલંદ સહનમાં ઊભા રહીને તેણે તલવાર મ્યાનમાંથી ખેંચી કાઢી. જેનો અર્થ થતો હતો કે નરસંહારનો પ્રારંભ કરવામાં આવે.’ સવારમાં નવ વાગ્યે કત્લે આમ શરુ થઈ અને લોકોને ઘરમાંથી બહાર કાઢી કાઢીને પેટમાં તલવાર પરોવાઈ.’
રસ્તા ઉપર લોહીના કારણે ધૂળ નહોતી ઉડી રહી. લાહૌરી દરવાજો, ફૈઝ બજાર, કાબુલી દરવાજો, અજમેરી દરવાજો, હૌઝ કાઝી અને જોહરી બજારમાં લાશો ડુંગળી બટેટાની જેમ વેરાયેલી પડી હતી.
લોકો એટલા ડરેલા હતા કે ઘરમાં રહેલી છોકરી, તેની મા કે કોઈ સ્ત્રી, ઈરાની સૈનિકોના હાથે ન ચડી જાય અને તેઓ દુર્વ્યવહાર ન કરે આ માટે પોતે જ કત્લ કરવા માંડ્યા. જે સ્ત્રીઓ હાથમાં આવી જતી તેના પર બળાત્કાર થતા હતા. તલવારથી કપાયેલા લોકોની સંખ્યા ત્રીસ હજાર હતી.
ત્રીસ હજાર લોકો મૃત્યુ પામ્યા પછી રંગીલાએ પોતાના પ્રધાનમંત્રીને નાદીર શાહ પાસે મોકલ્યો. તેના પગમાં કંઈ ન હતું અને માથું પણ ખાલી હતું. નાદીર શાહની સામે હાજર થઈ તેણે એક શેર વાંચ્યો. જે કંઈક આ રીતે હતો.
‘दीगर नमाज़दा कसी ता बा तेग़ नाज़ कशी… मगर कह ज़िंदा कनी मुर्दा रा व बाज़ क़शी’
અર્થ થાય છે તારી તલવારથી મરનારું હવે કોઈ નથી બચ્યું. એક કામ કર મરેલાને પાછા જીવંત કર અને માર.
મહોમ્મદ શાહ રંગીલાએ પોતાની તિજોરી નાદીરશાહ સામે ખુલ્લી મૂકી દીધી. છપ્પન દિવસ સુધી દિલ્હીનો સમ્રાટ નાદીર શાહ રહ્યો.
નાદીર શાહ મહોમ્મદ રંગીલાની પ્રિય વેશ્યા નૂર બાઈ સાથે પણ પથારીમાં સૂતો હતો. પથારીમાં સૂતો ત્યારે જ નૂરે તેને વાત કહી કે, ‘આખુ દિલ્હી લૂંટ્યા પછી પણ તું કિંમતી વસ્તુ નહીં લઈ જઈ શકીશ.’ એ કિંમતી વસ્તુનું નામ કોહીનૂર હિરો હતું.
બીજા દિવસે યુદ્ધ પર પૂર્ણવિરામ મૂકાવાનું હતું. નાદીર શાહ રંગીલાને ફરી દિલ્હીની ગાદી આપવાનો હતો. બીજી સંધિ માટે રંગીલા અને નાદીર શાહ સામ સામે બેઠા અને નાદીર શાહે રાજનીતિની ઈરાની પદ્ધતિ અપનાવી. તેણે રંગીલાને કહ્યું, ‘અમારા ઈરાનમાં એક રસ્મ હોય છે, કે ભાઈ-ભાઈ ખુશીના સમયે પોત પોતાની પાઘડી બદલી નાખે.’ પાઘડી બદલી ગઈ અને પાઘડીની વચ્ચે રહેલો કોહિનૂર હિરો નાદીર શાહની સાથે ઈરાન ચાલ્યો ગયો.
યુદ્ધ બાદ નાદીર શાહે વિશ્વ ઈતિહાસની સૌથી મોટી લૂંટ કરી હતી. એ સમયે લોકો રડતા કકડતા હતાં, કારણ કે લાલ કિલ્લો ખાલી થઈ ગયો હતો. 70 કરોડ રૂપિયા જેને આજે 156 અરબ ડોલર કહેવાય તેટલું ધન લઈ નાદીર શાહ પરત ફર્યો.
બીજી બાજુ આપણા રંગીલાને વધારે પડતો ગુસ્સો કરવાના કારણે હુમલો આવી ગયો. વૈદ્ય પાસે લઈ ગયા જ્યાં તે બેભાન રહ્યો અને બીજા દિવસે મૃત્યુ પામ્યો. તેના વિશે તમામ ઈતિહાસકારો એમ જ કહે છે કે, સારું થયું તે મરી ગયો, કારણ કે નાદીર શાહનો એક કમાન્ડર દિલ્હી પર હુમલા કરવા માંડ્યો હતો. જેનું નામ હતું અહમદશાહ અબ્દાલી. પાણીપતનું ત્રીજું યુદ્ધ.
એક જ યુદ્ધ લડી પેઢીઓએ ભેગી કરેલી શોહરતને શૂન્ય કરી નાખનારો રંગીલો કવ્વાલી, સંગીત, નૃત્ય, કવિતા સિવાય ચિત્રોનો પણ શોખીન હતો. લડતા હાથીથી લઈને બેગમ સાથે સંભોગ કરતી તસવીર પણ તેણે બે દાસીઓની ઉપસ્થિતિમાં બનાવી હતી. એ તસવીર ન્યૂયોર્કના પ્રદર્શનમાં દર્શાવાય ત્યારે કેટલાક લોકો વખાણ કરતા હતા તો કેટલાક લોકો મશ્કરી કરતા હતા કે, ‘ચિત્રકાર તો ઠીક પણ રંગીલો આ પોઝિશનમાં કેટલા સમય સુધી રહ્યો હશે ? મચક ન આપી.’
નીચે ધ દિલ્હીવાલા વેબસાઈટમાંથી લીધેલી તસવીર મુકીએ છીએ. શૂફી શીરિન હઝરત નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ પાસે મહોમ્મદ શાહ રંગીલાની કબર આવેલી છે. એ કબર ખૂબ ખરાબ સ્થિતિમાં છે. જોઈ લો. ઘણાને ખબર પણ નથી.
