Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં દિવાળીના તહેવારને લઈ ઉત્સુકતા પ્રવર્તેલી છે. પણ ઉત્સાહ માતમમાં ન ફેરવાઈ જાય તેનું ધ્યાન રાખવું રહ્યું. દિવાળીનો તહેવાર નજીક આવતા બાળકો ગમે ત્યાં ફટાકડો મૂકી ફોડતા હોય છે. સુરતના યોગીચોક વિસ્તારની તુલસી દર્શન સોસાયટીમાં ફડાકડો ફોડવા જવાના આનંદમાં પાંચ બાળકો દાઝી ગયા હતા. મકાનની પાસે આવેલા ગટરના ઢાંકણાની ઉપર ફટાકડો રાખી બાળકો જેવા ફોડવા ગયા કે આગ ભભૂકી ઉઠી હતી. જેમાં પાંચ બાળકો દાઝ્યા હતા.

આ ઘટનાના દૃશ્યો સીસીટીવીમાં કેદ થયા છે અને સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયા છે. આગ લાગવા પાછળનું કારણ એ છે કે, સોસાયટીની આજુબાજુ ખોદકામ ચાલી રહ્યું હતું, એ દરમ્યાન ગુજરાત ગેસની લાઈન લીક થઈ હતી. આ ગેસ ગટરલાઈનમાં પ્રસરી ગયો હતો અને બાળકોના ફટાકડાની આગે તેને મોટું સ્વરૂપ આપ્યું હતું.

વીડિયોમાં દેખાય છે તે મુજબ સુરતના યોગીચોક વિસ્તારની તુલસી દર્શન સોસાયટીમાં આવેલ એક મકાનની બહાર ગટરનું ઢાંકણ છે. અહીં પાંચ બાળકો ફટાકડો ફોડવા માટે એકઠા થયા હતા. પાંચે બાળકોનું માથું નીચું હતું. ફટાકડો ફોડવાનો પ્રયાસ કર્યો અને એકાએક આગની લપેટો ઉઠવા લાગી. આગ લાગી હોવાના કારણે આસપાસના લોકો હતભ્રત થઈ ગયા હતા. પહેલા તો જેમનું મકાન નજીક છે, તેમણે પાણી નાખી આગ ઠારવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર એન્જીન પહોંચે અને આગ ઓલવાઈ એ પહેલા સ્થાનિક લોકોએ જહેમત ઉઠાવી આગને ઠારી નાખી હતી.

આ દુર્ઘટનામાં પાંચે બાળકોને મોઢાના ભાગે સામાન્ય ઈજા પહોંચી છે. જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના ઉપર પ્રકાશ પાડતા ફાયર ઓફિસર જગદીશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘યોગીચોક વિસ્તારની તુલસી દર્શન સોસાયટીની આસપાસ ખોદકામનું કામ ચાલતું હતું. તે દરમિયાન ગેસ લીકેજ જ થયો હતો અને તે ગેસ વરસાદી પાણીની લાઈનની અંદર પ્રવેશી ગયો. બાળકો ત્યાં ફટાકડા ફોડવા એકઠા થયા હતા પરંતુ તેમને ગેસ લીકેજને ગંધ આવી નહોતી અને તેમણે જેવો સળગાવવાનો પ્રયાસ કર્યો અને એકાએક જ આગ ઉત્પન્ન થઈ ગઈ હતી.’

સુરતમાં આગની બનેલી દુર્ઘટનાનો કિસ્સો માતા પિતાની આંખ ઉઘાડનારો છે, કારણ કે બાળકો દિવાળીના તહેવારમાં ગમે ત્યાં ફટાકડા ફોડવા માટે તલપાપડ થતા હોય છે. એવામાં એમને કાં તો તેમની આંખોની સામે રાખવા અથવા તો કોઈ ચોક્કસ જગ્યાએ ફટાકડા ફોડવા દેવા જોઈએ. સદનસીબે સુરતની ઘટનામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ નહોતું કર્યું, અને બાળકોને સામાન્ય ઈજા જ પહોંચી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત