Team Chabuk-Gujarat Desk: લોકોથી ધમધમતા રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી ધનરજની બિલ્ડિંગમાં બાલ્કનીનો ભાગ તૂટી પડ્યો છે. હાઈરાઈસ બિલ્ડિંગનો બાલ્કનીનો ભાગ તૂટીને નીચે પડતાં કેટલાક લોકો ફસાયા હતા અને વાહનનોનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. બિલ્ડિંગના બાલ્કનીનો ભાગ તૂટ્યો હોવાથી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને કામગીરી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે 7થી વધુ વાહનો પણ નુકસાન પામ્યા છે. હાલ ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને લોકોને રેસ્ક્યુ કરવાનું કામગીરી કરવામાં આવી રહી છે. યાજ્ઞિક રોડ પર બનેલી આ મોટી દુર્ઘટનાને પગલે ખરીદી કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે. અને બિલ્ડીંગનો પ્રથમ માળ બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે રાજકોટ શહેરના મેટર ડો. પ્રદિપ ડવે નિવેદન આપતાં કહ્યું છે કે, ઘટનામાં જવાબદારો સામે ચોક્કસ પગલાં ભરવામાં આવશે.
ધનરજની બિલ્ડિંગમાં દુકાન ધરાવતા એક દુકાનદારે કહ્યું કે, હું દુકાનની અંદર હતો ત્યારે ધડાકાભેર અવાર આવ્યો હતો એટલે હું દોડીને દુકાનની બહાર નીકળ્યો અને જોયું તો આખો ઉપલો માળ જ નીચે આવી ગયો હતો. આ દુર્ઘટનામાં અંદાજે 10 થી 15 જેટલા દુકાનદારોને નુકસાન થયું છે. આ દુકાનદારે કહ્યું કે અમે જનરલ સ્ટોરમાંથી 8 થી 10 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
દુર્ઘટના સ્થળે ખરીદી કરવા આવેલી એક મહિલાએ ઘટનાનું વિવરણ કરતાં જણાવ્યું કે, હું ખરીદી કરતી હતી અને બહારથી બધું સામાન્ય હતું પરંતુ અચાનક મોટો અવાજ આવ્યો અને જોયું તો આખી છત નીચે પડી ગઈ હતી. હું જે દુકાનમાં ખરીદી કરી રહી હતી તેને દરવાજો લોક થઈ ગયો હતો. તેથી અમે ધીમે ધીમે દુકાનની બહાર નીકળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ છત પડતા ત્યાં પાર્ક કરેલા 7 જેટલા વાહનોને મોટું નુકસાની પહોંચ્યું છે. આ બનાવની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો ઉમટી પડ્યા હતા. જોકે, સદનસીબે છત એવા સમયે પડી કે જ્યારે રાહદારી કે વાહન ચાલકોની ચહલ પહલ ન હોય બચી જવા પામ્યા હતા.હાલ ધનરજની બિલ્ડીંગમા જે વેપારીની દુકાન ધરાશાયી થઈ હતી. એમના પત્ની ગભરાઈ ગયા અને રડવા માંડ્યા હતા. તેમના પતિકાટમાળ પડ્યો એ સમયે દુકાનમાં હતા પરંતુ તેમને સામાન્ય ઇજાઓ પહોંચી છે. કોઈ મોટી જાનહાનિ થઈ નથી.
રાજકોટ શહેરના ધમધમતા યાજ્ઞિક રોડ પર આ પ્રકારની દુર્ઘટના સર્જાતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. દુર્ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા. પાંચ વર્ષથી આ જર્જરિત ઈમારતને નોટિસ આપવા આવી છે, છતા તેને ખાલી કરાવવાની કોઈ તસ્દી તંત્ર દ્વારા લેવામાં આવી ન હતી. આશરે 9 માળથી પણ ઉંચી આ ઈમારતમાં અનેક ઓફિસો અને દુકાનો આવેલી છે. આ ઓફિસો અને દુકાનોમાં મોટી સંખ્યામાં લોકો કામ કરી રહ્યા છે. ત્યારે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જાનહાની પણ થઈ હોત.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત