Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના મેંદરડાના ઈટાળી ગામે એક ચોંકાવનારી અને આંખ ઉઘાડનારી ઘટના બની છે. ઈટાળી ગામે એક પાંચ વર્ષના બાળકનું જંતુનાશક દવાની અસરથી મોત થયું છે. પિતા ખેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરીને ઘરે આવીને પુત્રને રમાડતાં હતા ત્યારે કપડામાંથી ઝેરી દવાની અસર થતાં પાંચ વર્ષનો બાળક બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તેને સારવાર અર્થે જૂનાગઢ લઈ જવામાં આવ્યો હતો. જો કે સારવાર મળે તે પહેલાં જ આ બાળક મોતને ભેટ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ઈટાળી ગામમાં રહેતા ગોવિંદભાઈ પુનાભાઈ ખેતરે પાકમાં જંતુનાશક દવા છાંટીને ઘરે આવ્યા હતા. ઘરે આવીને ગોવિંદભાઈ પોતાના પાંચ વર્ષના પુત્ર અજયને રમાડી રહ્યા હતા તે દરમિયાન તેઓના કપડામાંથી જંતુનાશક દવાની અસર પુત્ર અજયને થઈ હતી અને પુત્ર અજય બેભાન થઈ ગયો હતો. પુત્ર બેભાન થઈ જતાં પરિવાર ચિંતામાં મૂકાયો હતો અને તેને તાત્કાલિક જૂનાગઢ સારવાર માટે લઈ ગયા હતા. પરંતુ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ પાંચ વર્ષના પુત્રએ જીવ છોડી દીધો હતો. આમ માસુમ બાળકનો જીવનદીપ બુઝાઈ જતાં પરિવાર પર આફતનું આભ તૂટી પડ્યું છે. આ અંગે મેંદરડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મેંદરડાના ઈટાળી ગામે બનેલા આ કિસ્સાથી આસપાસના પંથકમાં પણ સોપો પડી ગયો છે. જંતુનાશક દવાની ઘાતકતાને લઈને લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

દવા છાંટતી વખતે અને ત્યારબાદ શું ધ્યાન રાખવું ?
- દવા છાંટતી વખતે જો બરાબર ધ્યાન રાખવામાં ન આવે તો જાનહાનિ થાય છે. માટે આ અંગે પુરતી તકેદારી રાખવી હિતાવહ છે.
- દવા છાંટવાના સ્થળે ચોખ્ખા પાણી, સાબુ અને ટુવાલની સગવડતા રાખવી અને ઉપયોગ કરવો.
- સૂચના મુજબનું પ્રમાણ જાળવવું હિતાવહ છે.
- શ્વાસોશ્વાસમાં દવા લેવાઇ ન જાય તે અંગે સાવચેતી રાખવી.
- દવાનું પેકીંગ તોડતી વખતે દવાની અસર ન થાય તે રીતે યોગ્ય સાધન વડે પેકીંગ તોડવું અને કોઇપણ સંજોગોમાં મોઢાનો ઉપયોગ કરવો નહીં.
- દવા છાંટતી વખતે દવાવાળા હાથે કંઈ ખાવું-પીવું નહીં, બીડી, તમાકુ કે મસાલો ખાવો નહીં. સાબુથી હાથ ધોઈ પછી જ આ વસ્તુ લેવી છે.
- પવનની વિરુદ્ધ દિશામાં દવાનો છંટકાવ ન કરવો.
- બિમાર, અશક્ત કે દવાની એલર્જીવાળા માણસે દવા છંટકાવ કરવો નહીં.
- દવા છાંટતી વખતે તેની ઝેરી અસરથી બચવા હંમેશા સંરક્ષણાત્મક કપડા પહેરવા, આાંખે ચરમા, હાથ મોજા, પગમાં બુટ, નાકે ગેસમાસ્ક પહેરી રાખવા અને કામ પૂરું થયે આ સાધનો પણ ધોઈ નાખવા.
- કોઇપણ સંજોગોમાં સુતરાઉ કાપડની ટોપી માથા ઉપર પહેરવી નહીં. કારણકે સુતરાઉ કપડુ દવા વધારે રોષતું હોવાથી મુશ્કેલી ઉભી થઈ શકે છે.
- દવાનો પંપ લીકેજ ન થાય તે માટે તપાસ કરતી રહેવી અને લીકેજ પંપથી દવા છાંટવી નહીં. ખાસ પંપનું ઉપરનું ઢાંકણ બરાબર બંધ કરવું જરૂરી બને છે.
- દવા ભરેલા પંપનો સંગ્રહ કરવો નહીં. છંટકાવ કાર્ય પૂરું થયે પંપ બરાબર સાફ કરીને જ મૂકવો.
- હમેશા વહેલી સવારે અથવા સાંજના સમયે જ દવાનો છંટકાવ કરવાનો આગ્રહ રાખવો.
- ગંધયુક્ત દવાનો છંટકાવ ગરમીના સમયમાં પાકની પાનની ડાળી ઉપર કરવો નહીં.
- દવા છાંટતી વખતે દવા છાંટનારો અમક સમય સુધી દવા છંટકાવ કર્યા બાદ વિરામ લેવો અને આ સમયમાં ચોખી અને ખુલ્લી તાજી હવા મળે તેમ કરવું.
- દવાનો છંટકાવ પિયત પાણીમાં ન ભળી જાય તે જોવું.
- નિંદામણનાશક દવા જે અન્ય જગ્યાએ છાંટવામાં આવે તો પાક બળી જાય છે અથવા વિકૃતિ પેદા કરતી હોય તો નિંદામણનાશક દવા છંટકાવનો પંપ શકય હોય તો અલગ રાખવો અથવા તો સારી રીતે પંપ સાફ કર્યા બાદ ઉપયોગમાં લેવો.
- દવા છાંટયા પછી સાબુથી બરાબર સ્નાન કરી અને શરીર સ્વચ્છ કરવું.
- તળાવ, નદી કે સંગ્રહ કરેલા પાણીનાં ટાંકામાં નાહવું નહીં.
- સ્નાન કર્યા બાદ સ્વચ્છ કપડાં પહેરવા.
- દવાનો છંટકાવ કર્યા બાદ ખેતરમાં નકકી કરેલા સમય સુધી કોઈ મનુષ્ય કે પ્રાણી ન જાય તેની કાળજી રાખવી જોઇએ.
- ફળ-ફૂલ અને શાકભાજીમાં દવા છાંટયા બાદ અઠવાડિયા સુધી તેને ઉતારવા નહીં. દવા છાંટયા બાદ તરત જ શાકભાજી કે ફળ-ફૂલ ઉતારી ઉપયોગમાં લેવા નહીં કે વેચવા નહીં.
- હંમેશા દવા છાંટનારે ફેમીલી ડોક્ટર પાસે નિયમિત ચેકઅપ કરાવતા રહેવું અને પોતાના લોહીની તપાસ કરાવતા રહેવી. વધારે દવા છંટકાવ થતો હોય તેવા સમયે એક કરતાં વધારે વખત ચેકઅપ કરાવવું.
- દવાની ઝેરી અસરથી બચવા પ્રાથમિક સારવાર સાધનોની પેટી વસાવવી અને તેની જાણકારી રાખવી.
ઝેરી અસર સામે પ્રાથમિક સારવાર
- પ્રતિકૂળ સંજોગોમાં દવાની ઝેરી અસર થાય અને ડોકટર આવે કે દવાખાને પહોંચીએ તે પહેલાં દર્દીને પ્રાથમિક સારવાર આપવી ખાસ જરૂરી બની રહે છે. જેથી જાનહાનિ નિવારી શકાય છે. આવા સમયે વધારે અસર હોય તો ૧૦૮ નંબર પર કોલ કરી શકાય છે.
- ચામડી ઉપર ઝેરી અસર થઈ હોય તો તાત્કાલીક દર્દીના દવાવાળા કપડી બદલી નાખવા અથવા ધોઇને ફરીથી પહેરાવવા.
- આાંખમાં ઝેરની અસર જણાય તો ૧૦-૧૫ મિનિટ પાણીનો છંટકાવ કરી આાંખ બરાબર સાફ કરવી અને આવી પરિસ્થિતિમાં ડોકટરની સલાહ વગર કોઈપણ રસાયણ કે દવા આાંખમાં નાખવી નહીં.
- શ્વાસોશ્વાસમાં ઝેરની અસર જણાય તો દર્દીને તાજી અને ખૂલ્લી હવા મળી રહે તેવી જગ્યાએ રાખવો. દર્દીને તાત્કાલીક આરામ આપવો. શક્ય હોય ત્યાં સુધી ચલાવવો નહીં.
- દર્દીના કપડા ઢીલા કરી નાખવા. શ્વાસોશ્વાસમાં તકલીફ ઉભી થાય તો કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવા, દર્દીને શાંત રાખવો, માદક પીણા આપવા નહીં.
- આાંતરિક ઝેરી અસર જણાય તો દર્દીને તાત્કાલીક મીઠાનું ગરમ પાણી પાઇ ઉલ્ટી કરાવવી. એક ચમચી મીઠું એક પ્યાલો ગરમ પાણીમાં ઓગાળીને આપવું. જયાં સુધી ઉલ્ટીમાં ચોખ્યું પાણી ન નીકળે ત્યાં સુધી આમ કરવું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
