Team Chabuk- Gujarat Desk: અત્યાર સુધી તમે એવા ઘણા કિસ્સા સાંભળ્યા હશે જેમાં આરોપીએ નકલી પોલીસ બનીને કોઈને છેતર્યા હોય અથવા તો તેમની પાસેથી રૂપિયા પડાવ્યા હોય. પરંતું ક્યારેય એવું સાંભળ્યું છે કે, કોઈ મહિલા પોલીસની ઓળખ આપીને રૂપિયાનો તોડ કરતી હોય.
ઘટના ચોંકાવનારી છે પરંતુ સત્ય છે. સામાન્ય રીતે ગુજરાતમાં આવી ઘટના ન બને. પરંતુ આપણા વિચાર કરતાં આ મહિલાએ બે ડગલાં આગળ વિચારી લીધુ અને કેટલાય લોકો પાસેથી તોડ પણ કર્યો. જોકે, હવે આ મહિલાના કરતૂત પરથી પડદો ઉંચકાઈ ગયો છે અને તેનો ભેટો અસલી પોલીસ સાથે થઈ ગયો છે. આ મહિલા ક્યારેક SP ક્યારેક DSP તો ક્યારેક પોતે કલેક્ટર પણ બની જતી.
જે પોતાને SP, DSP અને કલેક્ટર ગણાવતી હતી તે મહિલાનું નામ છે નેહા. નેહા ધર્મેશ પટેલ. મૂળ સુરતના બારડોલીમાં રહે છે અને હાલ તો લોકોને છેતરવાનું જ કામ કરે છે. આ નેહાએ નર્મદાના ડેડિયાપાડાના બેન્ક કર્મચારીના પુત્રને નોકરી આપવાના બહાને 13 લાખ રૂપિયાનો ચૂનો લગાવી દીધો છે.
નેહાનો સંપર્ક કેવી રીતે થયો ?
ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે, તેમના કોઈ કૌટુંબિક ભાઈ જે સુરતમાં રહે છે તેમનો ફોન આવ્યો હતો અને DSP મેડમ ડેડિયાપાડામાં તપાસ માટે આવે છે તેની તમારા ઘરે રહેવા માટે વ્યવસ્થા કરવાની છે. આમ, બેન્ક કર્મચારીનો પરિવાર નેહાના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ નેહા તેમના ઘરે બે દિવસ સુધી તપાસના બહાને રોકાઈ હતી. આ દરમિયાન મીઠી મીઠી વાતો કરીને પરિવારને વિશ્વાસમાં પણ લઈ લીધો હતો.
નેહા પટેલે બેન્ક કર્મચારીના પરિવારને પોતાની ઓળખ નેહા ચૌધરી તરીકે આપી હતી. તે તપાસના નામે ખોટા ડિંડક કરતી. મોંઘીદાટ કારમાં ફરતી જેથી બેન્ક કર્મચારીના પરિવારને એવું જ લાગ્યું કે મેડમ તો DSP છે.
કેવી રીતે કરી છેતરપિંડી ?
નેહા અને બેન્ક કર્મચારીનો પરિવાર સાથે બેઠો હતો ત્યારે વાત શરૂ કરી હતી. નેહાએ ફરિયાદીને કહ્યું હતું કે, તમારો પુત્ર ભણેલો ગણેલો છે હાલ શું કરે છે ? જવાબમાં બેન્ક કર્મચારીએ કહ્યું હતું કે હાલ તે RFOની તૈયારી કરે છે. આમ, નેહાને મોકો મળી ગયો હતો અને વાત આગળ વધારી હતી. નેહાએ કહ્યું હતું કે, હું તમારા પુત્રને પરીક્ષામાં પાસ કરાવી દઈશ. મારી ઓળખાણ ગાંધીનગર સુધી છે. અરે..અંજલિબેન રૂપાણી સાથે તો મારે ઘર જેવા સંબંધ છે. ત્યારબાદ વાતોવાતોમાં જ તણે કહી દીધું હતું કે નોકરી તો મળી જશે પરંતુ તેના માટે 13 લાખ રૂપિયા થશે. બેન્ક કર્મચારીએ પુત્રની નોકરી માટે આ 13 લાખ રૂપિયા આપી પણ દીધા હતા. થોડા સમય પછી તેમને છેતરાયાનો અહેસાસ થતાં તેઓ પોલીસ સ્ટેશને પહોંચ્ચા હતા જ્યાં નેહા ચૌધરીનો ભાંડો ફૂટી ગયો હતો.
પોલીસે નેહા પાસેથી એક મોંઘીદાટ કાર, પોલીસનો ડ્રેસ અને ગાડીમાંથી પોલીસનું બોર્ડ જપ્ત કર્યું છે. સાથે જ બેન્કકર્મચારી પાસેથી લીધેલા નાણા રિકવર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી નેહા પટેલે સુરતમાં પણ કોઈ બિલ્ડર સાથે આવી રીતે છેતરપિંડી કરી છે. જેનો ગુનો પણ તેની સામે નોંધાયેલો છે. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. નેહાની પૂછપરછમાં વધુ કેટલાક ખુલાસા થઈ શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત