Homeગુર્જર નગરીહોળી અને ધૂળેટીમાં તમારે શું શું કરવાનું છે એ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈએ...

હોળી અને ધૂળેટીમાં તમારે શું શું કરવાનું છે એ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈએ કહી દીધું છે

Team Chabuk- Gujarat Desk: ગુજરાતભરમાં વધતા કોરોનાના દૈત્યને ડામવા સરકારે તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેથી હવે ગુજરાતીઓ હોળી-ધૂળેટીની ઉજવણી પોતાના ધાર્યા પ્રમાણે નહીં કરી શકે. હોળી અને ધૂળેટીના તહેવારની ઉજવણી કેવી રીતે કરવી તે સરકારે જણાવી દીધું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રવિવારે બપોરના સમયે પ્રેસ કોન્ફરન્સ કરીને હોળી અને ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ લગાવતા પ્રજાની મજા બગડી ગઈ છે. સરકારે માત્ર હોલિકા દહન કરવાની જ મંજૂરી આપી છે.

આગામી 28 અને 29 માર્ચના રોજ હોળી-ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે તહેવારની ઉજવણીને લઈને રાજ્ય સરકારે કેટલાક નિર્ણયો લીધા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરી હતી કે હોળી અને ધૂળેટીની ઉજવણી અંગે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નિર્ણય લઈને નિયમો ઘડવામાં આવ્યા છે. નીતિન પટેલે કહ્યું કે હોળી અને ધૂળેટીની ઉજવણી માટે માત્ર ધાર્મિક રીતે હોળી પ્રગટાવવાની જ મંજૂરી આપવામાં આવશે. હોળીમાં ભીડ એકઠી કરવાની સરકારે પરવાનગી નથી આપી જ્યારે ધૂળેટીની ઉજવણીમાં પણ પાણી અને રંગથી રમવાની સરકારે મંજૂરી નથી આપી. માત્ર ને માત્ર ધાર્મિક રીત-રિવાજોથી જ હોલિકા દહન જ કરવા સરકારે જનતાને કહ્યું છે.

હોળીના પ્રગટાવવા સમયે પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે તેમ નીતિન પટેલે જણાવ્યું છે. શેરી મહોલ્લામાં પણ નિયમોનું પાલન કરીને હોળી પ્રગટાવવા સરકારે નિર્દેશ કર્યો છે. હોળી દહનમાં મર્યાદિત સંખ્યામાં જ લોકો એકઠાં થાય તેમ પણ નીતિન પટેલે જણાવ્યું હતું.

રાજ્યમાં શેરી મહોલ્લામાં પણ કોઈ વ્યક્તિ પાણી કે રંગથી નહીં રમી શકે. નીતિન પટેલે જણાવ્યું કે, કોરોનાને અટકાવવા માટે ગુજરાતના યુવાનો જાગૃત છે. તેથી સરકારે જે ગાઈડલાઈન બહાર પાડી છે તેને અનુસરશે.

ગઈકાલે શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં હોળી-ધૂળેટીની ઉજવણી માટેની ગાઈડલાઈન બહાર પાડવાનો નિર્ણય લેવાયો હતો. આ અંગેનું વિધિવત રીતે જાહેરનામું હવે બહાર પાડવામાં આવશે. પરંતુ હાલ નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ મારફતે હોળી-ધૂળેટીની ઉજવણી માટેના નિયમો જનતા સમક્ષ રાખી દીધા છે. ત્યારે ગત વર્ષે પણ હોળી-ધૂળેટીની ઉજવણી નહતી કરી શકાય અને આ વર્ષે પણ ઉજવણી પર પ્રતિબંધ આવી જતાં લોકોમાં પણ એક પ્રકારે નારાજગી જોવા મળી રહી છે.

કર્ફ્યૂ અંગે નીતિન પટેલે કહ્યું કે, જ્યાં જરૂર જણાઈ હતી ત્યાં રાત્રિ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. ખરીદી માટે લોકો માર્કેટમાં શનિ-રવિવારે આવતા હોવાથી કેટલાક બજારો શનિ-રવિવારે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. નાના માણસની રોજગારી કે વેપાર ધંધા પર અસર ન થાય તેનું ધ્યાન રાખી રહ્યા છીએ. નીતિન પટેલે એમ પણ કહ્યું હાલ 4 થી 5 પ્રકારના કોરોનાના નવા સ્ટ્રેઈન કેટલાક શહેરના દર્દીઓમાં જોવા મળી રહ્યા છે. પરંતુ જે ચિંતાજનક સ્ટ્રેઈનની માહિતી હતી તેવા કોઈ સ્ટ્રેઈન જોવા મળ્યા નથી.

સરકારની તમામ હોસ્પિટલમાં 70 ટકા કરતાં વધુ પ્રમાણમાં બેડ ખાલી હોવાનું નીતિન પટેલે જણાવ્યું હતું.

ચૂંટણી અને ક્રિકેટના કારણે કોરોના નથી ફેલાયો

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે ચૂંટણીમાં ભીડ ભેગી થઈ અને અમદાવાદમાં સ્ટેડિયમમાં લોકો મેચ જોવા માટે એકઠાં થયા તેના કારણે કેસ વધ્યા છે તેવું તારણ ખોટું છે. મહારાષ્ટ્રની પરિસ્થિતિનું ઉદાહરણ આપતા નીતિન પટેલે કહ્યું કે મહારાષ્ટ્રમાં કોઈ ચૂંટણી નથી, મેચ પણ નથી રમાતી તેમ છતાં દેશના 50 ટકા કેસ મહારાષ્ટ્રમાંથી આવી રહ્યા છે. રાજ્યમાં ચૂંટણી અને મેચના કારણે કેસ વધતા હોવાના આરોપ વચ્ચે નીતિન પટેલ પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ વાતને નકારી કાઢી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments