Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલિદર ગામના અઢી મહિનાના વિવાન નામના બાળકને SMA-1 એટલે કે, સ્પીનલ મસ્ક્યૂલર એટ્રોફી નામની ગંભીર બીમારી થઈ છે. ડોક્ટરનું કહેવું છે કે, વિવાનને 16 કરોડ રૂપિયાનું એક ઈન્જેક્શન આપવાથી તે સ્વસ્થ થઈ શકે તેમ છે. પરંતુ બાળકના પિતા એક કંપનીમાં સામાન્ય પગારે નોકરી કરી રહ્યો હોવાથી આટલી મોટી રકમ એકઠી કરવી તેમના માટે લગભગ અશક્ય છે. ત્યારે વિવાનની મદદે રાજ્યભરની વિવિધ સામાજિક સંસ્થાઓ અને લોકો આવ્યા છે. લોકો પોતાના તરફથી બનતી આર્થિક મદદ કરી રહ્યા છે. ત્યારે વિવાનની મદદે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકના આરેણા ગામના યુવાનોનું એક સંગઠન આવ્યું છે.
માંગરોળના આરેણા ગામના ડો.ભીમરાવ યુવા સંગઠનના યુવાનો વિવિધ સ્થળે ઉભા રહીને વિવાન માટે સહાયની રકમ એકત્રિત કરી રહ્યા છે. વિવાનને SMA-1 નામની બીમારી હોવાની અને તેના માટે 16 કરોડના ઇન્જેક્શનની જરૂરિયાત હોવાની જાણ થતાં જ આરેણા ગામના ડો.ભીમરાવ યુવા સંગઠનના યુવાનો વિવાનની મદદ કરવા માટે આગળ આવ્યા છે.
ધ ચાબુક સાથે ડો.ભીમરાવ યુવા સંગઠનના કાથડ રામભાઈએ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ગત તારીખ 26 જૂનના રોજ અમારી ટીમે અમારા આરેણા ગામના લોકો પાસેથી 36,500 રૂપિયાનો ફાળો એકઠો કર્યો હતો. પરંતુ અમારી ટીમના સભ્યો અલગ અલગ ધંધો અને નોકરી કરતાં હોવાથી આખો દિવસ ફાળો એકત્ર કરવા માટે સમય કાઢવો મુશ્કેલ હતો તેથી અમે અમારી ટીમની એક મિટિંગ બોલાવી હતી અને વિવાનને અમારા તરફથી થતી તમામ મદદ કરવા માટેનું સૌએ નક્કી કર્યું હતું. અમારી ટીમના સભ્યોએ નોકરી અને ધંધો બાજુ પર મૂકીને વિવાન માટે ફાળો એકઠો કરવાનું નક્કી કરીને ફરીથી 1 જુલાઈથી અમે ફાળો એકત્ર કરવામાં લાગી ગયા છીએ.
કાથડ રામભાઈએ આગળ જણાવ્યું હતું કે, માંગરોળ બાયપાસ પાસેથી અમારી ટીમે અલગ અલગ લોકો પાસેથી 1.47 લાખ રૂપિયા જેટલો ફાળો એકત્ર કર્યો હતો. જેમાં અમને માંગરોળ યુવા સંગઠનનો પણ સાથ સહકાર મળેલો. રામભાઈએ જણાવેલું કે, આજે રવિવારે અમારી ટીમના સભ્યો ખોખરડા ફાટક ટોલનાકા પાસે વિવાન માટે ફાળો એકત્ર કરી રહ્યા છીએ.
ડો.ભીમરાવ યુવા સંગઠનના હરેશભાઈ પરમારે ધ ચાબુકને જણાવ્યું હતું કે, અમારી ટીમના સભ્યો સવારના 7 વાગ્યાથી ખોખરડા ફાટક ટોલનાકા પાસે વિવાન માટે ફાળો એકત્ર કરી રહ્યા છીએ અને સાંજના સાત વાગ્યા સુધી અમારું આ સેવાકીય કામ ચાલુ રહેશે.
ધૈર્યરાજની મદદે પણ આવ્યું હતું આ સંગઠન
માંગરોળના આરેણા ગામના ડો.ભીમરાવ યુવા સંગઠનના યુવાને આ પહેલા ધૈર્યરાજની મદદે પણ આવ્યું હતું. ટીમના સભ્યોએ ધૈર્યરાજને આર્થિક મદદ કરવા માટે પણ અલગ અલગ સ્થળેથી લોકો પાસેથી ફાળો ઉઘરાવી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કાથડ રામભાઈ જણાવ્યું કે, તેમની ટીમે આરેણા ગામમાંથી 67 હજાર રૂપિયાની મદદ ધૈર્યરાજના પરિવાર સુધી પહોંચાડી હતી.
બાળકોને ફ્રી શિક્ષણ માટે પણ અગ્રેસર છે આ સંગઠન
ડો.ભીમરાવ યુવા સંગઠનના મકવાણા જયદીપભાઈએ ધ ચાબુક સાથેની વાતચીત દરમિયાન સંગઠનની અન્ય સેવાકીય પ્રવૃત્તિ વિશે વાત કરતાં જણાવ્યું કે, તેમના સંગઠન દ્વારા આરેણા ગામમાં ફ્રીમાં ટ્યુશન ક્લાસ ચલાવવામાં આવી રહ્યા છે. દરેક વર્ગના બાળકોને સંગઠનના યુવાનો દ્વારા ફ્રીમાં શિક્ષણ આપી સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે.
આપ પણ વિવાનને મદદ કરી શકો છો

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત