સ્ટેચ્યુ ઓફ યુનિટી 214 દિવસ બાદ પ્રવાસીઓ માટે ફરી ખૂલી ગયું છે. કોરોના મહામારીના કારણે 17 માર્ચે બંધ થયેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે આજથી ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. નવરાત્રિના પ્રથમ દિવસથી સહેલાણીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી મન ભરીને માણી શકશે. અનલોકની પ્રક્રિયા જેમ-જેમ આગળ વધી રહી છે તેમ-તેમ દેશભરમાં જાહેર સ્થળોને છૂટછાટ આપવામાં આવી રહી છે ત્યારે સરકારે નફો રળી આપતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ ખુલ્લું મૂકવા અંગે વિચારણા કરી હતી. જો,કે પ્રશાસન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકો માટે ખુલ્લું મૂકતા પહેલાં તેની આસપાસ આવેલા જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, એકતા મોલ સહિતના સ્થળોને પ્રવાસીઓ માટે ખુલ્લા મૂક્યા હતા. જેનો પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આથી પ્રથમ નોરતાથી પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને ખોલી નાખવા નક્કી કરાયું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલતા જ દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના દિદાર કરવા પ્રવાસીઓ પહોંચી ગયા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી જતાં પહેલા નીચેના નિયમો જાણી લેજો
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ લોકડાઉન પહેલા આવતાં હતા. પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. જેને લઈને પ્રવાસીઓના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાને લઈને કેટલાક નવા નિયમો ઘડવામાં આવ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઈ શકે તે માટે સંખ્યા પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે દરરોજ 2500 પ્રવાસીઓને જ પ્રવેશ અપાશે. જેમાંથી માત્ર 500 પ્રવાસીઓને જ 193 મીટરના લેવલ પર આવેલી વ્યુઇંગ ગેલેરીમાં પ્રવેશ અપાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટો દર બે કલાકના સ્લોટમાં ઓનલાઈન ધોરણે જ અધિકૃત ટિકિટીંગ વેબસાઈટ WWW.SOUTICKETS.IN પરથી મળી શકશે. પ્રવાસીઓએ જે બે કલાકના સ્લોટની ટિકિટ ખરીદી હશે તે જ સ્લોટમાં પ્રવેશ મળશે. પ્રવાસીઓને કેવડીયા ખાતે કોઈપણ ટિકિટ બારી પરથી રૂબરૂમાં ટિકિટ આપવામાં આવશે નહીં.
આ ઉપરાંત કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન માટે દરેક પ્રવાસીએ ફરજિયાત માસ્ક પહેરેલું રાખવું પડશે. તેમજ સ્ટેચ્યુ પરિસરમાં વ્યક્તિઓને ઉભા રહેવા માટે નિર્દિષ્ટ જગ્યાઓ પર જ અનુશાસિત રીતે ઉભા રહેવાનું રહેશે. પ્રવેશ વખતે થર્મલ સ્ક્રિનિંગ અને સેનિટાઈઝેશનની વ્યવસ્થા પણ હશે. સ્ટેચ્યુ પરિસરમાં પણ અલગ અલગ જગ્યાએ સેનિટાઈઝર મશીન મૂકવામાં આવ્યા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેવાથી આટલી ખોટ ગઈ
ગુજરાતમાં ફરવા માટેના હોટસ્પોટ બની ગયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેતા સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટની આવક બંધ થઈ ગઈ હતી. લોકડાઉન પહેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા દરરોજ સરેરાશ 10 હજાર જેટલા મુલાકાતીઓ આવતા હતા જેના થકી ટ્રસ્ટને 2 લાખ 20 હજારની દૈનિક આવક થતી હતી. પરંતુ 214 દિવસમાંથી સોમવારની રજા બાદ કરતાં 188 દિવસ સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેતાં અંદાજે 4 કરોડથી વધુની આવક બંધ થઈ ગઈ હતી. મહત્વની વાત એ છે કે આવક બંધ હોવા છતાં લોકડાઉનમાં તમામ કર્મચારીઓને નોકરીએ રાખી દોઢ કરોડથી વધુનો પગાર ચૂકવવામાં આવ્યો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે આ સ્થળો પણ ખુલ્યા
પ્રથમ નોરતાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે આસપાસના આ પણ જોવા અને માણવા લાયક સ્થળો ખુલી ગયા છે. જેમાં કેક્ટસ ગાર્ડન અને બટરફ્લાય ગાર્ડન જેમાં 8 સ્લોટમાં સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી પ્રવેશ અપાઈ રહ્યો છે. પ્રત્યેક સ્લોટમાં 50 મુલાકાતી દીઠ આખા દિવસમાં 400 મુલાકાતીઓને પ્રવેશ અપાઈ રહ્યો છે. વિશ્વવનમાં 12 સ્લોટમાં સવારે 8 થી સાંજના 7 વાગ્યા સુધી એક સ્લોટમાં 50 પ્રવાસી એમ કુલ દિવસ દરમિયાન 600 પ્રવાસીને પ્રવેશ અપાઈ રહ્યો છે. એકતા નર્સરી પ્રવાસીઓ માટે સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લી રહેશે જમાં 10 સ્લોટમાં એક સ્ટોલ દીઠ 50 મળી કુલ આખા દિવસમાં 500 પ્રવાસીને પ્રવેશ મળી રહ્યો છે. અને રિવર રાફ્ટિંગમાં કુલ 3 સ્લોટમાં પ્રવેશ અપાઈ રહ્યો છે જમાં પ્રથમ સ્લોટ સવારે 10 વાગ્યાથી શરૂ થશે. પ્રત્યેક સ્લોટમાં 25 પ્રવાસીઓને પ્રવાશ અપાશે. આમ રીતે કોવિડ-19ને લઈને સરકારની ગાઈડલાઈન મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોકોને પ્રવેશ અપાઈ રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવશે
31 ઓક્ટોબરે સરદાર પટેલ જયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી રહ્યા છે. જેને લઈને પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ આરંભી દેવાઈ છે. વડાપ્રધાનની મુલાકાત પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કામ કરતાં તમામ કર્મચારીઓના કોરોના રિપોર્ટ પણ કરી લેવામાં આવ્યા છે.