એસ.હુસૈન.ઝૈદી. અંડરવર્લ્ડના ડોન દાઉદ ઈબ્રાહીમનો છેલ્લો ઈન્ટરવ્યૂ આ પત્રકારે લીધો હતો. ઝૈદી માટે એવું કહેવાય છે કે તે જે છાપામાં કૂદકો મારે, મુંબઈની જનતા એ છાપાનું લગવું બાંધી લે. આ હુસૈનભાઈની ડોંગરી ટુ દુબઈ બુક વાંચનારાઓને ખ્યાલ હશે કે દાઉદનો તેમણે લીધેલો ફિલોસોફીકલ ઈન્ટરવ્યૂ એ ચોપડીમાં પણ છપાયો છે. ભાઈખલા ટુ બેંગકોક, માય નેમ ઈઝ અબુ સાલેમ જેવી અંડરવર્લ્ડ અંગેનું જ્ઞાનોપાર્જન કરાવતી ચોપડીઓ તેઓ લખી ચૂક્યા છે અને તેમની જ ગુનાવિશેષજ્ઞકલમથી ક્લાસ ઓફ 83 જેવી ચોપડી પણ પ્રકાશિત થઈ છે. આલિયા ભટ્ટના દુશ્મનોએ જે રીતે સડકના હાલ કર્યા એ જોતા ઝૈદી અને ભણશાળી બંન્ને ડરતાં હશે ! આગામી ગંગુબાઈ કાઠિયાવાડીમાં પણ આલિયા જ છે અને એ પણ ઝૈદીની મુંબઈ માફિયા કિ હસીનાએ ચોપડીના એક પ્રકરણ પર આધારિત.
ફિલ્મના રિવ્યૂ બે રીતે લખાય. એક જુઓ અને તાત્કાલિક અભિપ્રાય આપો તો ફિલ્મના નબળાં પાસાને પણ ગુણવત્તાની દ્રષ્ટીએ સબળામાં ખપાવી દો. બે દિવસ રહેવા દો અને લખો તો એ જ ફિલ્મને ઢીબેડી નાખવાનું મન થાય. રિવ્યૂ લખવાની એક ત્રીજી પણ ટેકનિક છે. જે પતા સભી કો હૈ પર બતાતા કોઈ નહીં !! હિન્દી અને અંગ્રેજી વેબસાઈટો સિવાય રાજીવ મસદ અને અનુપમા ચોપરાના વિવેચનનું શ્રવણ કરવું. પણ ચાબુકનો આ રિવ્યૂ એવો નથી.
બોબી દેઓલની દરેક ફિલ્મ આપણને કમબેક ફિલ્મ લાગે છે. ક્લાસ ઓફ 83માં તેનો ચહેરો ઈસ્ત્રી કરેલો છે. તેના મુખમાં ગાંભીર્ય ભારોભાર છલકાય છે. રોડ પર ક્યાંક વધારાનો એક ખાડો ન પડી જાય તેની તકેદારી રાખી વરસાદ ગુજરાતની ધરતી પર પડે, તેવી જ રીતે એક પણ ઓવર એક્સપ્રેશન ન થઈ જાય તે વાતનું બરાબર ધ્યાન રાખી બોબી દેઓલ અભિનય કરી રહ્યો છે. લાંબા સમય બાદ એક અનુભવી આઈપીએસ ઓફિસરના દર્શન થયા છે. સિંઘમ અને દબંગની જેમ તેની હિરોગીરી ફાટફાટ નથી થતી. તે એક આઈપીએસની જેમ જ વર્તી રહ્યો છે અને તેને આવો દર્શાવવા બદલ ડાયરેક્ટર અતુલ સબ્રવાલનો ખૂબ ખૂબ આભાર.
વાર્તા છે પાંચ ઓફિસરોની. જે ક્લાસરૂમના તોફાની બારકસો જેવા છે. ટ્રેનિંગ ઓફિસરની કડક ટ્રેનિંગથી કંટાળી તેની ધોલાઈ કરવા માટે જાય છે. પણ એ ટ્રેનિંગ તમને પડદા પર એટલી પણ હાર્ડ નથી લાગતી. જેથી મારવા શા માટે ગયા આ પ્રશ્નના અવશેષો ફિલ્મ પૂર્ણ થયા પછી મગજમાં રહી જાય છે. મારવા જતા સમયે વિજય સિંહની એન્ટ્રી થાય છે. તેના ચશ્મા શાહરૂખ ખાનની રઈસ ફિલ્મની યાદ અપાવે છે. તેની મૂછો અને કપડાં ગુજરાતના અંતરિયાળ વિસ્તારનાં પ્રાથમિક શાળાના માસ્તર જેવા છે. જે કામ બોબી નથી કરી શક્યો તે કામ હવે આ પાંચે પાસે કરાવે છે અને કથા આગળ વધે છે.
વેબ સિરીઝ બની શકતી હતી પણ ન બનાવીને ઔચિત્યસભર કાર્ય કર્યું. એક કલાક પાંત્રીસ મિનિટ આસપાસની આ ફિલ્મ એક એવા વ્યક્તિને મારવા માટે બનાવવામાં આવી છે જે માત્ર બે સીનમાં દેખાય છે. તેનાથી વધારે તો ફિલ્મમાં તેની સિગરેટનો રોલ છે. વિલન એટલો ખૂંખાર પણ નથી લાગતો. મોબાઈલ સ્ક્રિન પર તેની ગેરહાજરી અને તેના કરતૂતો એવા ટ્રાફિક સિગ્નલ જેવા છે, જ્યાં વાહનોની અવર-જવર વધારે હોય પણ પાવતી ફાડનારો કોઈ ન હોય. પોલીસ દ્રારા કરાતા એન્કાઉન્ટર ઠીક ઠાક છે. ઉત્તર પ્રદેશની પોલીસ પ્રેરણા લઈ શકે બાકી સિનેમાની દ્રષ્ટીએ તે પ્રેરણા મેળવવાને લાયક બિલકુલ નથી. નવ્ય સિનેમાનું સર્જન કરવા ઊભા થનારા સર્જકોએ આવા દ્રશ્યોથી દૂર રહેવું કરતાં ચેતતા રહેવું એ વધારે હિતાવહ છે. થીએટરમાં કોઈ ફિલ્મ રિલીઝ થાય તેમાં સિગરેટની સાથે ક્લાસ 83ની પણ ચેતવણી આપી શકાય.
બોબીના ભૂતકાળના દ્રશ્યોને ખસેડી દેવામાં આવે તો ફિલ્મ અગિયાર મિનિટ ટૂંકી થઈ જાય છે. એ દ્રશ્યોથી ફિલ્મમાં લાગણીના સેતુનું સર્જન કરવાનો ડોક્ટર કમ ડાયરેક્ટર અતુલ સાહેબે ભરપૂર પ્રયાસ કર્યો છે. પણ એવું થઈ નથી રહ્યું. બોબીનું ગુંડાને મારવા જવું અને પત્નીનું હોસ્પિટલમાં મૃત્યું પામવું એ એક અકસ્માત છે. છેલ્લે સુધી એ વાતનો જીવનમાં અજંપો ઘેરી વળે કે હું તેની દુખાંત સ્થિતિમાં તેની સાથે રહી ન શક્યો. પણ તેના કારણે આટલા વર્ષ સુધી ખૂદને ખીલા ઠોક્યા રાખવા તો બરાબર નથી ને ?
પાંચે પોલીસ ઓફિસરો ઠીક ઠાક અભિનય કરે છે. પણ કોઈનું મૃત્યુ જ તમારી અંદર બદલાની ભાવનાને પુન:પ્રજવલ્લિત કરે એ વાત તો ખોટી થઈને યાર ! ઉપર મેં વાત ન કરી કે ડોક્ટર કમ ડાયરેક્ટર. આ ફકરાની વાતને તમે શૂટ આઉટ એટ વડાલાના પરિપ્રેક્ષ્યથી પણ જોઈ શકો.
વલ્ગારિટી માટે હસ્તમૈથૂનનો પ્રવેશ કરાવવો એ બરાબર નથી લાગતું. ઓનલાઈન પ્લેટફોર્મ છે તો સેક્સ સીન બતાવીને પણ ઓડિયન્સને ખેંચી શકાય હોત, કારણ કે ઓનલાઈન પ્લેટફોર્મમાં તો આ બધું સહજ થતું જઈ રહ્યું છે. આ તો મંગળવારની પૂર્તિનો રસદાયક વિષય ફિલ્મમાં ખેંચી લીધો. તેમના માટે કશું તો રહેવા દો શાહરૂખ ભાઈ.
ફિલ્મની કોઈ સારી વાત હોય તો તેનું લોકેશન છે. ફિલ્મને કેમેરાવર્કથી ડાર્ક બનાવવાની ભૂરપૂર કોશિષ કરી છે. જે માટે કેમેરામેન મારીઓ પોલ્જીકને લાખ લાખ વંદન. મોબાઈલની સ્ક્રિન પર તેની મહેનત દેખાય પણ છે. દેખાવા કરતાં સારો શબ્દ એ રહેશે કે ફલિભૂત થાય છે. એન્કાઉન્ટર માટે બધા પોલીસ ઓફિસરો મળેલાં હતા સિવાય કે નેતાગીરી કરતો અનુપ સોની, એ વાત દિગ્દર્શકે મગજમાં ઠુસાવવાનો પ્રયત્ન પણ સોઈ દોરાની જેમ કર્યો છે. સંવાદે સંવાદે અને હાવભાવે હાવભાવે એ દેખાશે.
તમારી આંખો ફિલ્મમાં બોબીને જ શોધશે. જે છે તે બોબી જ છે. ખાસ્સા સમય પછી બોબી અભિનય કરતો જોવા મળી રહ્યો છે. ચાલો આગળ જે વાત કરી તેને રમૂજમાં ખપાવી દઈએ. મૂળ તો જે લોકો વર્ષોથી પૂછતા હતા, કે 85ની બેન્ચના આઈપીએસ ઓફિસર છે, 89ની બેન્ચના આઈપીએસ ઓફિસર છે, તેમનું જનરલ નોલેજ આ ફિલ્મ જોઈ વધી જશે.