1973ના વર્ષનો ઉનાળો ચાલતો હતો. સુશીલ સોમાણી નામનો એક યુવા ઉદ્યોગપતિ જેની પાસે જી ગ્લેરિડ નામનું પ્રિન્ટીંગ પ્રેસ હતું. એ સમયે તેને દુનિયાના બેસ્ટ પ્રિન્ટીંગ પ્રેસ તરીકેની ખ્યાતિ મળી હતી. આ સોમાણીએ જ ડેબોનેર લોન્ચ કર્યું. જેના પર પ્લેબોયની નબળી ભારતીય આવૃતિનો સિક્કો લાગી ગયો હતો. મોટા માણસોને પ્લેબોય ખરીદવું જ ભારે પડી જાય ત્યાં પોર્ન ઈન્ડસ્ટ્રીનો ઢોલક તેમની સામે પીટી શું કરવું ? એ વખતે જલતી જવાની અને કાયરા કિ કયામત જેવા ચીલાચાલુ મેગેઝિનો આવતા હતા. આ સામાયિકોમાં દેવર અને ભાભીના ચરમસુખની વાતો મંડાતી. પણ મન અને તનને પરમસુખ કાગળથી આપી શકે તેવા સામાયિકો દેખાતા નહોતા. એમાં ડેબોનેરે કંકુ પગલાં કર્યા.
ડેબોનેર માસિક મેગેઝિન હતું. અરૂણ નંદા અને કેસરી કટાક રેડિયો પર જાહેરખબરનું કામ કરતાં હતાં. તેમના કંઠે જાહેરખબરોના ગુણગાનનાં ડુંગરે ડુંગરે ડંકા વાગતા. આ બંન્ને ભડવીરોએ ભેગા મળીને ડેબોનેર વિશે એવું એવું બોલ્યું કે બે ઘડી તો પરસ્ત્રીઓ તરફ ન જોનારા પણ શુધબુધ ખોઈ બેસે. ડેબોનેરનું માર્કેટિંગ કેમ્પેન ચાલી ગયું. ગાડી દોડવા લાગી. લોકોમાં વાતો થવા લાગી.
સુશીલ સોમાણીનું ડેબોનેર અંગ્રેજીમાં હતું એટલે તેણે બ્રિટનના ભૂરા પત્રકાર કાઉન્ટ એન્થની વાનને રાખ્યો. જે તંત્રીની ખુરશી પર હતો. તેની નીચે ડેપ્યુટી તરીકે અશોક રાઉને હાયર કરવામાં આવ્યા. મોડલો ત્યારે પૈસા દેતા પણ આવતી નહીં. પણ આ બેઉને મોડલો આવે કે નહીં તેની કશી દરકાર નહોતી. છોકરીઓનું એ મેગેઝિન જેને બે હોમોસેક્સ્યુઅલ ચલાવતા હતા !!
ઘણી વાર તો એવું બનતું કે મેગેઝિનમાં છોકરીઓની જગ્યાએ છોકરાઓના શરીર સૌષ્ઠવ દર્શાવતા ફોટોગ્રાફ વધારે હોય. તંત્રી કાઉન્ટનું ચરિત્ર શુદ્ધ ન હતું, અફવાઓનો દોર ચાલવા લાગ્યો હતો, કે આ માણસને એક અમીર વિધવાએ કામે રખાવ્યો છે જે બ્રિચ કેન્ડી ખાતે રહે છે. કાઉન્ટભાઈ તેના ખૂબ જ પ્રીતી પાત્ર છે. બીજી બાજુ અશોકની છબી સાફ હતી.
1973નો અંત આવતા આવતા તો ડેબોનેર હાફવા લાગ્યું. તેનું શટર ડાઉન કરી દેવાની નોબત આવી ગઈ. સોમાણીએ પણ આ વાત પર હામી ભરી દીધી. થોડાં સમયમાં આ વાતની માહિતી વિનોદ મહેતાને કાને પડી. જેમની પાસે થર્ડ ક્લાસ બીએની ડિગ્રી હતી. બ્રિટનમાં વેઈટરનું કામ કર્યું હતું. પરિવાર ખૂબ સમૃદ્ધ હતો. મીના કુમારીની ઓટોબાયોગ્રાફી લખી હતી. જેથી લેખનસૃષ્ટીમાં કંઈક કરી બતાવવાના ધખારા હતા. પ્રારંભિક તબક્કાથી ડેબોનેરનો વિકાસ તેમણે જોયો હતો. હવે તે બંધ થઈ રહી છે, તે ખબર કાને અથડાતા તેમણે કાગળ અને પેન લીધી અને સુશીલ સોમાણીને મરોડદાર અક્ષરે પત્ર લખ્યો. પત્રમાં તેમણે ઉંડાણપૂર્વક એ વાતને સમજાવી હતી, કે મને નોકરી પર રાખો તો હું ડેબોનેરનો જીર્ણોદ્ધાર કરી નાખું અને તમારા ચહેરા પર હાસ્ય લાવી દઉં.
કેટલાક અઠવાડિયાઓ પસાર થયા. વિનોદ મહેતાએ અનુમાન કરી લીધું કે મેં લખેલ લાંબો ભલામણ નિબંધ કચરાપેટીમાં સળતો હોવો જોઈએ. પણ થોડા વખતમાં જ સોમાણી સાહેબનો વિનોદ પર ફોન આવ્યો. તેમણે વિનોદને તાજ મહેલ હોટલ પર વાતચીત કરવા માટે બોલાવ્યો હતો.
વિનોદે તાજમહેલ હોટલ પર ચાની ચુસ્કી લગાવતા સોમાણીને મારવાડીનો અવતાર ધરી સમજાવતો હતો. વિનોદ કહ્યું, ‘મને માત્ર છ મહિના આપો, જો હું નિષ્ફળ જાઉં તો તમારે વધારે કંઈ ગુમાવવાનું નથી. પણ જો હું સફળ જાઉં તો તેના શિર્ષકનો કાયાકલ્પ થઈ જશે.’ સોમાણીએ વિનોદની વાત માની લીધી અને મહેતાના ડેબોનેરનો આરંભ થયો.
2500 રૂપિયા વિનોદનો પગાર હતો. થોડું ભથ્થુ પણ મળવાનું હતું. વિનોદને હવે છ મહિના ખુલ્લા હાથે કામ કરવાનું હતું. તેના કામમાં કોઈ દખલ નહીં આપે તેવો કોન્ટ્રેક્ટ પણ કરવામાં આવેલ. વિનોદે સૌ પ્રથમ મહિલા મોડલને રાખી અને પુરૂષ મોડલને દરવાજો બતાવી દીધો.
પત્રકારત્વના ડાલા મથ્થા કહેવાતા ખુશવંત સિંહ ત્યારે ઈલ્યુસ્ટ્રેટેડ વિકલીમાં હતા, ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના બોમ્બે હેડ ક્વાર્ટરમાં સાહમ લાલ તંત્રી હતા અને ગિરીલાલ જૈન સહ તંત્રી તરીકેની ફરજ બજાવતા હતા, કુલદિપ નાયર સ્ટેટ્સમેનમાં, તો અરૂણ શૌરી એ સમયે પ્લાનિંગ કમિશનના સભ્ય હતા, હિન્દુસ્તાન ટાઈમ્સના બી.જી વર્ગીસ, સ્ટારડસ્ટની શોભા કિલચંદ, ઈન્ડિયન એક્સપ્રેસમાં વી.કે. નરસિંમ્હાન હતા. આ તમામ બાદમાં વિનોદ મહેતાના સમકાલીન ગણાયા.
જોકે વિનોદ મહેતાએ તો ખૂબ પછીથી કારકિર્દીની શરૂઆત કરી. જ્યારે ભારતભરમાં ઉપરોક્ત પત્રકારો નામચીન બની ગયા હતા. વિનોદ મહેતાએ આ બધાને મોટી માછલીઓ સાથે સરખાવ્યા છે. કોઈ નવો સવો પત્રકાર એક અશ્લીલ મગેઝિન દ્રારા આ માથાઓ સામે મુકાબલો કરવાનું વિચારે પણ ખરાં ? વિનોદ મહેતા કહે છે, ‘એ તંત્રી યુગ હતો.’
નોકરીના પહેલા દિવસે વિનોદે કુર્તો અને પાયજામો પહેર્યો. પગમાં કોલ્હાપુરી ચંપલ. શહિદ ભગતસિંહ રોડ પર ડેબોનેરની ઓફિસ આવેલી હતી. સ્ટાફમાં બે છોકરીઓ હતી. જે વાતે વાતે ઝઘડો કર્યા રાખતી. એક તેની યુવાનીમાં પગ મુકી રહી હતી બીજી હજું ટેણકી હતી. ન્યૂડ મેટર પર વિનોદ મહેતા તેમની સલાહ લેતા હતા. વિચારો જરા. તમે ન્યૂડ મેગેઝિન કાઢો છો અને સ્ટાફમાં શું કરવું શું નહીં તે વિશે તમને કહેવા માટે બે છોકરીઓ છે. પુરૂષોને સમજવાની એક મોટી ચાવી !!
એક હતા એમ જી મોઈનુદ્દીન. જેઓ ટાઈપોગ્રાફી વિશે જાણતા હતા. એ વિષય પર તેમણે ખુબ પુસ્તકો વાંચ્યા હતા. વિનોદે તેમને ડેબોનેરને નવા ચહેરાની જરૂર છે તેમ કહ્યું. મોઈનુદ્દીન પણ કામે લાગી ગયા. નવા લુક માટે અમેરિકન લાઈબ્રેરીમાં વિનોદ મહેતા કલાકો ના કલાકો ખર્ચી નાખતા હતા.
1974માં શેમારું નામની એક મોટી લાઈબ્રેરી હતી. જે અત્યારે ખૂબ મોટું નામ છે પણ ત્યારે નહોતું. વિનોદે તેની પાસેથી પ્લેબોય અને પેન્ટાહાઉસની નકલો લીધી. જેની ખૂબ દારૂણ સ્થિતિ હતી. તેનો ચાર્જ કલાક પર હતો. વિનોદે ફોટોકોપી કરાવી લીધી.
સુશીલ સોમાણીએ બે વિદેશી મોડલ ફરજીયાત ઘુસાવી. એ પણ ચાલીસ રૂપિયાના ભાવે. વિનોદ મહેતાએ નક્કી કર્યું હતું કે પ્લેબોયમાં જે રીતે એક મોડલનો સામ સામો વન ટુ વન ઈન્ટરવ્યૂ થાય છે તે જ વિભાવના અહીં પણ અજમાવવી. ફક્ત નગ્ન છોકરીઓ મુકશું તો નહીં ચાલે. જેનું 250 રૂપિયાનું મહેનતાણું નક્કી થયું હતું. વચ્ચે વચ્ચે બૌદ્ધિકતા લાવવી પડશે. સ્ત્રીઓથી ઉપરવટ જઈ વાંચતા કરવા પડશે. આ માટે રિવ્યૂ મુકીશું. જેની ડિઝાઈન વિનોદ મહેતાએ બ્રિટનના સન્ડે પેપરમાંથી ઉઠાવી હતી.
મહેતાના મિત્રોને મહેતાના કામ પ્રત્યે સૂગ ચડવા માંડી હતી. ખાસ તેમના લખનઉનાં મિત્રોને. તેમનો એક મિત્ર જ્યારે તેમના મુંબઈ નિવાસસ્થાને આવ્યો તો આટલી સુલભ અને એકાંતભરી જગ્યામાં વિનોદના ખોળામાં કમનીયકાયા ધરાવતી છોકરીને ન જોઈને હતાશ થઈ ગયેલો. તેને એમ કે વિનોદનું જીવન છોકરીઓની બાહોમાં પસાર થતું હશે.
મોટી મુસીબત તો ત્યારે આવી જ્યારે લેખકોએ પ્રથમ ઈશ્યુ પબ્લિશ થાય એ પહેલાં લખવાની ના પાડી દીધી. વિનોદ મહેતાને અલગ અલગ ઉપનામથી આખું ડેબોનેર લખવા સિવાય છૂટકો નહોતો. તેમની પાસે સહાયક કોપી એડિટર હતો, પણ એ લાંબુ ખેંચે એમ લાગતું ન હતું.
ખૂબ આજીજી કર્યા પછી મનસુર અલી ખાન પટૌડીનો ઈન્ટરવ્યૂ મળી ગયો. જે માટે મહેતાએ ગિકી નામ ધારણ કરેલ. મુખ્ય મુલાકાત પૂર્ણ થયા પછી કંઈ માથાકૂટ જેવું નહોતું રહેતું. આરામથી લખી લખીને વિનોદ મહેતા મેગેઝિન પૂર્ણ કરી દેતા હતા.
પ્રથમ ઈશ્યુ એપ્રિલ 1974માં બહાર પડ્યો. તે ખરાબ નહોતો. લોકોને પસંદ આવ્યો. પન્ના જૈને આ મેગેઝિનને વાંચી પ્રતિભાવ આપેલો, ‘ખૂબ સરસ છે, પણ આ ન્યૂડ મેગેઝિન નથી.’
પ્રથમ ઈશ્યુ બહાર પડ્યા બાદ વિનોદ મહેતા રસ્કિન બોન્ડને લાવ્યા. તેમણે હપ્તાવાર ધ સેનસ્યુઆલિસ્ટ નવલકથા લખી. નવલકથાની કથા અત્યંત અશ્લીલ હતી. રસ્કિન બોન્ડ પોતાના મસૂરી નિવાસસ્થાને સવારની ચા પી રહ્યાં હતા ત્યારે એક પોલીસવાળો તેમના ઘરે આવ્યો. તેમની આગળ કાગળ ધરી દીધો. કાગળ મસૂરીનો નહીં પણ બોમ્બે પોલીસ સ્ટેશનથી હતો. તેમના પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ લાગ્યો હતો. નવલકથામાં છીછરું લખાણ લખવાનો. વિચારો જરા આપણે એ દેશમાં રહીએ છીએ જ્યાં કામસૂત્ર રચાયું હતું.
વિનોદ મહેતાએ નક્કી કરી લીધું કે લડી લેવું છે. તેમણે રસ્કીનની સાથે ટેકા માટે નાટ્યકાર વિજય તેંડુલકર, મુલ્કરાજ આનંદ અને નિસિમનો સહારો લીધો. ડેબોનેર માટે પ્રસિદ્ધિ પામવાની તક હતી. એ તકનો ભરપૂર લાભ ઉઠાવવા માટે જ વિનોદ મહેતા મેદાને પડ્યા હતા અને જોર જોરથી રાડો પાડતા હતા. નવલકથાના કારણે પબ્લિસિટી એવી મળી કે એક ન્યૂડ મેગેઝિન આવું નથી કરી રહ્યું પણ એક સાહિત્યિક ન્યૂડ મેગેઝિન આવા ધંધા કરી રહ્યું છે તેવું તલવારની ધારથી લખાઈ ગયું.
પત્રકારત્વના સિંહો અને સાહિત્યના વાઘો ડેબોનેરમાં લખવા માટે લાંબી લાઈનો લગાવવા માંડ્યા. હવે વિનોદ મહેતા તેમને ભાવ નહોતા આપતા. વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈમાં શોએબના મોંથી બોલાયેલો સંવાદ યાદ કરો, ‘આદમી તભી બડા બનતા હૈ જબ બડે લોગ ઉસકા ઈન્તેજાર કરે.’
વિનોદ મહેતાએ પસંદગી કરી. કાર્ટુનિસ્ટ મારીયો મિરાન્ડા, અનિલ ધરકરની અને અબુ અબ્રાહમની ધારદાર કોલમ, ઈકબાલ મસૂદ જે મનમૌજી ફિલ્મ વિવેચક બન્યા, કે.એ.અબ્બાસ જેણે હું સામ્યવાદી શું કામ બન્યો આ વિશે લખ્યું. સ્પોર્ટ્સમાં પૂર્વ ક્રિકેટર બોબી તલયાર ખાન, વિનોદ મહેતાએ કરી બતાવ્યું. ડેબોનેર ઉપડી ગયું. અર્ધનગ્ન મહિલાના બે પગ વચ્ચે કાર્લ માર્ક્સનું ક્વોટેશન મુકી પુરૂષનું મન સ્ત્રીના શરીર પરથી હટાવી વાંચવામાં પરોવી દીધું. દુનિયાનું સૌથી મુશ્કેલ કામ વિનોદ મહેતા નામના નવ-લહિયા-પત્રકારે કરી બતાવ્યું.
એમની આત્મકથા લખનઉ બોય વાંચી હું પત્રકારત્વમાં આવ્યો. જેની ડેબોનેર વિશે વાજપેયીએ કહેલું, ‘સરસ છે, પણ મારે તેને મારા તકિયા નીચે રાખવી પડે છે.’ જેણે અંગદ બેદી અને તેના ગુંડાઓ સામે જંગ છેડેલી. લખનઉ બોય આત્મકથાનું ડેબોનેર પ્રકરણ મેનેજમેન્ટ, લડી લેવું, તકનો લાભ ઉઠાવવો, લાભ ઉઠાવી સારા લોકોને ભેગા કરવા, એ લોકોને ભેગા કરવા જે બહારના લોકો શું વિચારે છે એવું લખી શકે ! આ પણ પત્રકારત્વનો ભાગ છે. જે ક્યાંય દેખાતો નથી.