Homeગુર્જર નગરીગુજરાતમાં ફરી કોરોનાનું તાંડવ, 33માંથી માત્ર આ પાંચ જિલ્લામાં ન નોંધાયો એક...

ગુજરાતમાં ફરી કોરોનાનું તાંડવ, 33માંથી માત્ર આ પાંચ જિલ્લામાં ન નોંધાયો એક પણ કેસ

Team Chabuk Gujarat desk: ગુજરાતમાં કોરોના વાયરસે ફરી ગિયર બદલ્યો છે. છેલ્લા કેટલાક સમયથી કાબૂમાં આવેલો કોરોના ફરી બેકાબૂ બન્યો છે. મંગળવારે એક જ દિવસમાં રાજ્યમાં 890 લોકો કોરોના સંક્રમિત થયાં છે. સુરત અને અમદાવાદની સ્થિતિ ફરી પહેલાં જેવી થઈ રહી છે. કોરોનાના કેસ વધતાં રિકવરી રેટ ઘટ્યો છે. કોરોનાના નવા કેસની સામે સાજા થનારા દર્દીની સંખ્યા ઘટી છે. 890 કેસ સામે માત્ર 594 દર્દીઓ સાજા થયા છે. જેથી રિકવરી રેટ ઘટનીને 96.72 ટકા થયો છે. તો કોરોનાના કારણે સુરતમાં વધુ એક દર્દીના મોતના કારણે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4 હજાર 425એ પહોંચી ગયો છે.

કોરોનાના કેસ વધતા રાજ્યમાં એક્ટીવ કેસ પણ વધ્યા છે. એક્ટીવ કેસનો આંકડો 4 હજાર 717 પર પહોંચી ગયો છે. જેમાંથી 56 દર્દીઓની હાલત ગંભીર છે. જ્યારે બાકીના દર્દીઓની હાલત સ્થિર છે.

પાંચ જિલ્લામાં ન નોંધાયો કેસ

ગુજરાતના 33 જિલ્લામાંથી માત્ર 5 જિલ્લામાં જ કેસ નોંધાયા નથી. બાકીના તમામ જિલ્લામાં કોરોનાએ હાજરી પુરાવી હતી. જે જિલ્લામાં એક પણ કેસ નથી નોંધાયો તેમાં બનાસકાંઠા, છોટાઉદેપુર, વલસાડ, ડાંગ અને બોટાદનો સમાવેશ થાય છે.

સુરત, અમદાવદમાં કોરોના વકર્યો

સુરત અને અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોનાએ ગતિ પકડી છે. ચૂંટણી પહેલાં આ બંને મહાનગરોમાં 100થી પણ નીચે કેસ નોંધાઈ રહ્યા હતા પરંતુ હવે ફરીથી કેસ 200ને પાર પહોંચી રહ્યા છે. સોમવારે સુરતમાં કોરોનાના કુલ 240 નવા કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં 205 લોકો સંક્રમિત થયા હતા. સુરતમાં એક દિવમસાં 123 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી જ્યારે અમદાવાદ 148 દર્દી કોરોના મુક્ત થયા હતા. આ ઉપરાંત રાજકોટમાં 79, વડોદરામાં 76 કેસ નોંધાયા હતા. બાકીના જિલ્લામાં 50થી ઓછા કેસ નોંધાયા હતા.

ફરી તંત્ર દોડતું થયું

ગુજરાતમાં કોરોનાના કેસ વધે નહીં તે માટે તંત્ર ફરી સતર્ક બન્યું છે. ફરી કોરોનાની ગાઈડલાઈનનું કડક પાલન કરાવાઈ રહ્યું છે. અમદાવાદ અને સુરતમાં ફરી માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા વધી છે. સુરતમાં કેટલાક વિસ્તારને હાઈરિસ્ક એરિયા પણ જાહેર કરી દેવાયા છે.

રસીકરણ અભિયાન

કોરોનાના વધી રહેલા કેસ સામે રાજ્યમાં રસીકરણ અભિયાન પણ તેજ બનાવાયું છે. હાલ રાજ્યમાં 60 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ તેમજ ગંભીર બીમારી ધરાવતા વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. સોમવારે કુલ 1 લાખ 7 હજાર 323 લોકોનું રસીકરણ થયું હતું.  રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 20 69 હજાર 918 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. જ્યારે 5 લાખ 15 હજાર 842 લોકોને કોરોના વેક્સિનના બંને ડોઝ આપી દેવાયા છે. અત્યાર સુધીમાં કોરોના વેક્સિનના કારણે એક પણ વ્યક્તિને આડઅસર નથી થઈ. કેટલાક લોકોએ રસી લીધા બાદ તાવ અને ચક્કર આવવા જેવી સામાન્ય ફરિયાદો નોંધાવી છે.

બેદરકારી નહીં ચાલે

એક તરફ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે બીજી તરફ લોકો બેદરકાર બની રહ્યા છે. અમદાવાદ રિવરફ્રન્ટ, કાલુપુર શાકમાર્કેટ, ગીતા મંદિર બસ સ્ટેન્ડ તેમજ સવારે વોકિંગ માટે ગાર્ડનમાં આવતા લોકો માસ્ક વગર નજરે પડ્યા હતા.

ભારતમાં વધ્યા કોરોનાના કેસ

રાજ્યની સાથે દેશમાં પણ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. સોમવારે દેશમાં કુલ 24 હજાર 437 કેસ નોંધાયા છે. જ્યારે 20 હજાર 186 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં સૌથી વધુ ખરાબ હાલત મહારાષ્ટ્ર, પંજાબ અને કેરળની ખરાબ છે. આ રાજ્યોમાં દૈનિક એક હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં સોમવારે એક દિવસમાં કુલ 15 હજાર 51 કેસ નોંધાયા છે. તો કેરળમાં 1054 અને પંજાબમાં 1 હજાર 818 કેસ નોંધાયા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments