Homeગામનાં ચોરેપ્રેમિકાએ પ્રેમીને પ્રપોઝ કર્યું અને પછી કોલેજે તો તોબા તોબા કરી નાખ્યું

પ્રેમિકાએ પ્રેમીને પ્રપોઝ કર્યું અને પછી કોલેજે તો તોબા તોબા કરી નાખ્યું

Team Chabuk-International Desk: પાકિસ્તાનની લાહોર યુનિવર્સિટીમાં પ્રેમના ફાગ ખેલાવવા બે કોલેજીયન જોડાઓને મોંઘા પડી ગયા છે. આ ઘટના છે પાકિસ્તાનની લાહોર ખાતે આવેલી કોલેજની. શહરયાર અહમદ નામનો યુવક અને હાદિકા જાવેદ નામની યુવતી એકબીજાના ગળાડૂબ પ્રેમમાં પડ્યા. મોટા ભાગે પ્રપોઝ કરવાની પેરવી તો છોકરો કરતો હોય છે પણ પાકિસ્તાનમાં ઉલટું થયું. વડાપ્રધાનની જગ્યાએ આર્મી દેશ ચલાવે એવું કંઈક!! છોકરાની જગ્યાએ છોકરીએ ઘૂંટણે પડી છોકરાને પ્રપોઝ કર્યું અને પ્રેમની વ્યાખ્યાઓને બદલી નાખી. પુરુષના ઈજારાને ચૂરચૂર કરી નાખ્યો.

પીળા કલરના કૂર્તા અને સફેદ કલરના ટ્રાઉઝરમાં હાદિકા નામની છોકરી હાથમાં ફુલના ગુલદસ્તા સાથે પ્રેમીની સામે ઈશ્કનો ઈજહાર કરવા માટે આવી પહોંચી. પ્રેમી શહરયારને તો આની બિલકુલ ખબર નહોતી. એ પાછળ વળીને ઊભો હતો. જ્યારે તે ફર્યો ત્યારે હાદિકા ઘૂંટણે નમેલી હતી અને તેની આંખોમાં શહરયાર માટે અથાગ પ્રેમ છલકતો હતો. શહરયારે પોતાની પ્રેમિકાને ઊભી કરી અને ગળે લગાવી દીધી. ફિલ્મી સીન ક્રિએટ થઈ ગયો. પાછળ ઊભેલું વિદ્યાર્થીઓનું ટોળું ચીચયારીઓ પાડવા લાગ્યું અને એમણે પણ બેઉંના પ્રેમને સ્વીકાર કરી લીધો. જબ મીંયા બીબી રાઝી તો ક્યા કરે કાઝી. જો કે આ બેઉંનું પ્રેમમાં પડવું પ્રશાસનને જ ન ગમ્યું.

આ વીડિયો જ્યારે વાઈરલ થયો ત્યારે સોશિયલ મીડિયાના જવાનિયાઓ ઠેરઠેર હાદિકાની પ્રશંસાના પુલ બાંધતા થાકતાં નહોતાં. બેઉંના પ્રેમને કાયમ રાખાવની દુવાઓ કરી રહ્યાં હતાં. પણ આ બંનેના પ્રેમની વચ્ચે વિલન બનીને ઉભરી છે યુનિવર્સિટી. જેમાં આ બંને અભ્યાસ કરે છે. જ્યાં આ બંનેએ પ્રેમનો કેસૂડો ખીલવ્યો છે.

પાકિસ્તાનના સ્થાનિક અખબારો દ્વારા મળતી માહિતી પ્રમાણે વીડિયો વાઈરલ થયા બાદ યુનિવર્સિટીની ડિસિપ્લિનરી તપાસ બેસાડવામાં આવી અને આપણી યુનિવર્સિટીમાં ઈશ્ક છી છી છી છી… આવી વાતો કરી. હાદિકા અને શહરયારને સમન્સ મોકલવામાં આવ્યું. બંને સુનાવણીમાં ન પહોંચ્યા. 12 માર્ચનાં રોજ યુનિવર્સિટીની ડિસિપ્લિનરી બેઠક બેઠી અને આ બેઉં પ્રેમીઓને યુનિવર્સિટીમાં પ્રેમ અને પ્રપોઝ કરવાની સજા આપતા કાઢી મૂકવામાં આવ્યા.

બહાર કાઢી મૂક્યા તેનાથી મોટી વાત એ છે કે નિર્ણય એવો લેવામાં આવ્યો છે, કે કોઈ પણ કોલેજ કેમ્પસમાં આ જોડાને પ્રવેશ નહીં મળે. યુનિવર્સિટી તરફથી જાહેર કરવામાં આવેલી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે બંનેએ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

જેની વાત વાતમાં વાતો થાય છે તેવા પાકિસ્તાની અખબાર ડોનની રિપોર્ટ પ્રમાણે પ્રેમલા-પ્રેમલી વિરૂદ્ધ થયેલી કાર્યવાહીમાં યુનિવર્સિટીએ કોડ ઓફ કન્ડેક્ટના નિયમ નમ્બર 9ને આગળ કર્યો છે. જો કે આ નિયમની ઉત્પતિ ક્યારે થઈ અને કોલેજમાં પ્રપોઝ કરો તો કાઢી મૂકવામાં આવે તેવો નિયમ ક્યારે બની ગયો તે વિશે કોઈને પણ જાણકારી નથી મળી.

યુનિવર્સિટીએ લીધેલા આ કડક નિર્ણયની ચારે તરફથી આલોચના થઈ રહી છે. પ્રેમી અને પ્રેમીકા તરફથી દરેક વ્યક્તિ અવાજ ઉઠાવી રહ્યો છે. વાતો થાય છે કે શું પ્રેમ કરવાનો ગુનો છે ? શું પ્રપોઝ કરવું એ ગુનો છે ?

પાકિસ્તાનના વકિલ જિબ્રાન નાસિરે આ વિશે કહ્યું છે કે – એક એવો દેશ જ્યાં બાળકોનું યૌન શોષણ કરનારાઓને બાળ વિવાહના નામે બચાવવામાં આવે છે. જ્યાં નાની બાળકીઓનું ધર્મ પરિવર્તન કરવામાં આવે છે. ત્યાં લોકો એ વાતથી અસહજ થઈ ગયા કે બે વયસ્ક એક બીજા પ્રત્યે પોતાનો પ્રેમ દેખાડી રહ્યા છે. આપણે આપણા તથાકથિત નૈતિક મૂલ્યોને દિનપ્રતિદિન મજાકમાં ખપાવી રહ્યા છીએ.

આ અંગે વસીમ અક્રમની પત્ની શાનૈરા અક્રમે ખૂબ મોટી વાત કરી. તેમણે લખ્યું છે કે – જેટલા પણ નિયમો લાગુ કરવા હોય કરી લો. પણ પ્રેમને બરખાસ્ત નહીં કરી શકાય. આ અમારા હ્રદયમાં છે અને એ જ આ જીવનને જીવવા લાયક બનાવે છે.

આ વાતથી આપણને એક નવી વાત પણ જાણવા મળી કે પાકિસ્તામાં આતંકીઓનાં ભડાકા થઈ શકે પ્રેમના ભડાકા ન થઈ શકે!!

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments