કૃષિ પત્રકાર અશોક સરિયા: જરૂરીયાત એ સંશોધનની જનની છે. આ ઉક્તિને સાર્થક કરી છે ગીર સોમનાથ જિલ્લાનાં તાલાળાના રહેવાસી રાજેશભાઇ ગોપાલભાઇ લક્કડે. મહેનતુ, બુદ્ધિશાળી અને સચોટ કોઠાસુઝ ધરાવતા આ ખેડૂતે ખેતીમાં ઉદભવતો સામાન્ય પ્રશ્ન મજુરોનો, તેના ઉકેલ માટે પોતાની સર્જનાત્મકતાનાં જોરે એક એવું સાંતી બનાવ્યું છે કે જે માત્ર 150 રૂપિયાના ખર્ચે તેમની 7 વિઘા જેટલી જમીનમાં બે વાર સાંતી ચલાવી શકે છે.
રાજુભાઇનો અભ્યાસ 12 ધોરણ સુધીનો છે. તેમની પાસે નવ વિઘા જેટલી જમીન છે. એટલે ખેતીની સાથે સાથે તેઓ ટ્રેક્ટર અને ટ્રેક્ટર સંચાલીત થ્રેશર વસાવી તેને ભાડાથી ચલાવે છે. તેમની પાસે બે ટ્રેક્ટર, એક થ્રેશર અને એક ઓપનર છે. જે અન્ય ખેડૂતોને જરૂરી સુવિધા ભાડાથી પુરી પાડે છે. આ સાથે સાથે તેઓ પોતે ક્રિએટીવ માઇન્ડ ધરાવે છે એટલે ખેતીમાં ઉપયોગી થાય અને મજુરોનો વિકલ્પ આપી શકે એવા મશીનોના ઇનોવેટીવ આઇડીયાઝને એપ્લાય કરીને નવા સંશોધનો કરતા રહે છે.
રાજુભાઇ પાસે ઓછી જમીન છે એટલે બળદ રાખવા પોસાઇ નહીં એટલે તેઓ બીજા પાસે ખેતી કરાવતાં હતાં. પરંતુ લોકડાઉન દરમિયાન તેમને ખેતીમાં કોઇ કારણ સર મોડું થયું એટલે તેમને આવું ઇનોવેટીવ સાંતી બનાવવાનો વિચાર આવ્યો અને તેમણે ટુ વ્હિલરના એન્જીનથી ચાલી શકે એવું પોતાની જાતે જ પોતાની કોઠાસુઝથી અલગ જ પ્રકારનું સાંતી બનાવી કાઢ્યું. જેના કારણે આજે ખુબ જ સરળતાથી ખેતીના કાર્યો કરી શકાય છે.
આ યંત્ર બનાવવા માટે તેમની પાસે થોડા ઘણાં સાધનો હતાં. અને જરૂર પૂરતા અન્ય સાધનો કબાડીમાંથી જૂના શોધીને તો કેટલાક નવા લઇ આવીને તેને પોતાના વિચાર પ્રમાણે ગોઠવીને આ યંત્ર તૈયાર કર્યું. અને તેમાં તેમને સફળતા પણ મળી. આ યંત્ર બનાવતા તેમને લગભગ બે મહિના જેટલો સમય લાગ્યો પરંતુ હવે જો કોઇને આવું સાંતી બનાવવું હોય તો લગભગ પંદરેક દિવસમાં આવું સાંતી મજૂરીથી તૈયાર કરી આપે છે. રાજુભાઇ પાસે કેટલાક સાધનો પોતાની પાસે હતા એટલે થોડાં જ સાધનો ખરીદવા પડ્યા છતાં પણ તેમને આ યંત્ર તૈયાર કરતા લગભગ 15,000 જેટલો ખર્ચ કરવો પડ્યો. જો કોઇ અન્ય કોઇ ખેડૂત આવું યંત્ર બનાવવા માગતા હોય તો તેઓ તેમને જરૂરી સાધનો લાવી આપે તો તેઓ ફક્ત પોતાની મજૂરીથી આવું યંત્ર બનાવી આપે છે. અને જો કોઇ એ યંત્રને જોઇને પોતાની જાતે બનાવવા માગતા હોય તો તેમને યંત્ર જોવા અને માર્ગદર્શન પૂરું પાડે છે.
આ યંત્રને ચલાવવા માટે તેમણે વ્હીલ પણ પોતાની જાતે જ બનાવ્યા છે. તેમાં કોઇ ટાયર લગાવ્યા નથી. જેથી કરીને તે જમીનમાં પણ અનુકૂળતાથી ચાલી શકે છે. જમીનમાં ટોર ન બેસે અને જમીન કૂણી અને કપાયેલી રહે એવી રીતે વ્હીલને ડિઝાઇન કર્યા છે.
રાજુભાઇ કહે છે કે, મેં તો ફક્ત મારી જમીનમાં ચલાવવા માટે આ યંત્ર બનાવ્યું છે. પરંતુ જો તેને કોઇ અન્ય જગ્યાએ લઇ જવું હોય તો તેમાં તેમણે બનાવેલા વ્હીલની જગ્યાએ માત્ર બે બોલ્ટ ખોલીને ટાયર પણ લગાવી શકાય એવી વ્યવસ્થા પણ રહે છે.
તેઓ ઓર્ગેનિક ખેતી કરે છે. આ માટે એક ગાય રાખી છે. તેમના ખેતરમાં તૈયાર થતો માલ તેઓના ખેતરેથી જ પોતાના ગ્રાહક દ્વારા વેચાઇ જાય છે. તેમની પાસેથી કોઇ ગ્રાહક એક વખત માલ ખરીદે અને તેમને સારું લાગે એટલે દર વર્ષે તેમની પાસેથી લેવાનો આગ્રહ રાખે છે. આમ આ રીતે તેમનું ગ્રાહક નેટવર્ક તૈયાર થયું છે. અને તેનાં દ્વારા જ તેમના ખેતરનો બધો માલ વેચાય જાય છે. ચોમાસું માંડવી અને સોયાબી, શીયાળું ધાણા અને ઘઉં, ઉનાળું અડદ અને તલ જેવા પાકોનું વાવેતર કરે છે.
રાજુભાઇએ પોતાની કોઠાસુઝથી દવા છાંટવાનો પંપ પણ બનાવ્યો છે. જેમાં મોટર અને વાહન સર્વિસનો પંપ લગાવી તેને પ્રેશર અનુસાર ધીમો અને ઝડપી ચાલી શકે એવી ગોઠવણ પણ કરી છે. જેથી કરીને અનુકૂળતા અનુસાર ખેતરમાં દવાનો છંટકાવ કરી શકાય છે.
આ માટે પણ તેમણે મજુરોની સમસ્યાના ઉપાય તરીકે જ આ પંપ વિકસાવ્યો છે. તો નાળીયેરી ઉપરથી નાળીયેર તોડવા માટે નાળીયેરી ઉપર ચડવામાં પડતી મુશ્કેલીના ઉપાય તરીકે હાથ અને પગથી ઉપર અને નીચે સરળતાથી સરકી શકે એ પ્રકારનો માંચડો તૈયાર કર્યો છે. જેથી નાળીયેરી ઉપર ચડવા ઉતરવામાં ખુબ જ સરળતા થઇ રહે છે. તો પશુઓને ચારા માટે ઘાસચારાના બારીક ટુકડા કરવા માટેનું ચાફકટર પણ પોતાની કોઠાસુઝથી બનાવ્યું છે. જે એક મોટર સંચાલીત છે અને એકદમ વ્યવસ્થિત રીતે ટૂકડા કરી આપે છે. રાજુભાઇએ ફેબ્રિકેશનવર્કથી એક શાંતિરથ પણ બનાવ્યો છે. આ સાથે સાથે તેઓ પોતાની આવડતથી પાઇપ ફીટીંગ, લાઇટ ફીટીંગ, વગેરે જેવા કામો પણ પોતે કરી શકે છે.
વર્તમાનમાં ખડૂતો ખેતી છોડી રહ્યા છે અને અન્ય ધંધાઓ તરફ વળી રહ્યા છે એ પાછળનું કારણ દર્શાવતા રાજુભાઇ કહે છે કે ખેતીમાં કામ કરવા માટે માણસો મળતા નથી. એટલે ખેતીના કામો સમયસર થઇ શકતા નથી. ખેતી માટે મજુરોને ઉચ્ચતમ મહેનતાણું આપવા છતાં પણ મજુરોની તંગી અને મજુરોની સવારે મોડા કામે ચડવાની અને સાંજે વહેલા કામ ઉપરથી જતા રહેવાના કારણે ખેતી કાર્યો ખોરંભાતા રહે છે. પરિણામે તેની અસર ખેત ઉત્પાદન અને તેની ગુણવત્તા પર પડે છે. જેથી કરીને ખેડૂતોને નફાનો દર ઘટી જાય છે અને એટલું વળતર ઓછું થાય છે. એટલે આ બધી ભાજંગડને લીધે ખેડૂતો ખેતી છોડીને બીજા ધંધાઓ તરફ આકર્ષાયા છે અને ખેતીથી દૂર થઇ રહ્યા છે.
જો ખેતીકાર્યો માટે મજુરોની જગ્યાએ યંત્રોથી કામો થઇ શકે એમ હોય તો ઘણી સરળતા બની રહે છે. અને એટલે જ રાજુભાઇ લક્કડ (મો. 99254 92208) જેવા પ્રગતિશીલ ખેડૂતો ખેતીકાર્યોને સરળ કરવા માટે પોતાની આગવી કોઠા સુઝથી આવા અવનવા અને ઉપયોગી યંત્રો બનાવીને પોતાની આવડતને આગવી રીતે રજુ કરતા હોય છે. આ રીતે કહી શકાય કે જરૂરત સંશોધનની જનની છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત