શિક્ષક જયેશ મઢવી: એક વિશાળ અને ગાઢ જંગલ હતું. આ જંગલમાંથી બે યુવકો પસાર થઈ રહ્યાં હતાં. અચાનક તેમની સામે એક ઘુરકતું રીંછ આવે છે. બંને યુવકો ગભરાઈને રીંછની વિરુદ્ધ દિશામાં દોડવા લાગે છે. અચાનક એક યુવક ઊભો રહી જાય છે અને તેના થેલામાંથી ટેનિસ શૂઝ કાઢીને પહેરે છે અને શૂઝની લેસ બાંધવા લાગે છે.
બીજો યુવક તેને પૂછે છે, ‘અરે! આ તું શું કરી રહ્યો છે? આ શૂઝથી તને કોઈ ફેર નહી પડે. તું રીંછથી વધુ ઝડપથી નહીં દોડી શકે.’ પહેલો યુવક બીજા યુવકને જવાબ આપે છે, ‘મારે રીંછથી વધુ ઝડપથી દોડવાની જરૂર નથી, મારે તો માત્ર તારાથી વધુ ઝડપે દોડવાની જરૂર છે.’
‘पढें और अमीर बनें’ પુસ્તકના લેખક બર્ક હેજેસ કહે છે કે આ વાર્તા અમીર અને ગરીબ લોકો વચ્ચેની સ્પર્ધાની નીતિકથા છે. ઘુરકતું રીંછ એ વધતી જતી સ્પર્ધા છે, બંને યુવકો આ સૂચના યુગના કર્મચારીઓ છે. ટેનિસ શૂઝ એ ‘વાંચનમાં કરેલ નાનકડું રોકાણ’ છે. જેનાથી વ્યક્તિ ઉતરોતર આત્મવિકાસ કરે છે અને જીવનમાં વધારે સફળતા મેળવી અમીર બને છે. અમીર મતલબ જીવનનાં બધા ક્ષેત્રોમાં સમૃદ્ધ. જ્યારે ટેનિસ શૂઝ વગરનો યુવક એટલે એવા લોકો કે જે ‘વાંચન ની શક્તિ’ નો ઉપયોગ કરતા નથી તેઓ ઘુરકતા રીંછ જેવી સ્પર્ધાનો શિકાર બની જાય છે અને ગરીબ રહે છે.
વર્ષ 1986માં બર્ક હેજેસ હોડી બનાવવાનું કામ કરતા. તેમની આવક ઓછી હતી. તેઓ એક બેડરૂમવાળા એપાર્ટમેન્ટમાં તેમની ગર્ભવતી પત્ની અને એક વર્ષના બાળક સાથે રહેતાં હતાં. એક જૂની કટાઈ ગયેલી કાર ચલાવતાં હતાં. તેમને પોતાની સ્થિતિ, નોકરી અને જીવનથી અફસોસ થતો હતો અને ચીઢ થતી હતી. તેમને સમજાતું ન હતું કે જીવનને વધુ સારું કેમ બનાવવું. એવામાં તેમનો એક મિત્ર તેમને એક પુસ્તક આપે છે અને આ પુસ્તક વાંચી બર્ક હેજેસ ખૂબ જ પ્રેરિત થાય છે અને પોતાની નોકરી છોડી સેલ્સમેન બને છે. જેમાં તે ટોચ પર પહોંચે છે અને ટૂંક સમયમાં જ પોતાનો બિઝનેસ શરૂ કરે છે અને ઘણી કમ્પનીઓના માલિક બને છે.
પોતાના પુસ્તક ‘पढें और अमीर बनें’માં લેખક પુસ્તકોની જીવનનું કાયાકલ્પ કરવાની શક્તિ વિશે વર્ણન કરે છે કે જેમાં ઝૂંપડીઓમાં રહેનારા સાવ ગરીબ બાળકો કે જેઓ સફળતાનાં શિખરો સર કરે છે, એક ગરીબ બાળક કે જેનો પુસ્તકો વાંચવાનો પ્રેમ તેને ખૂબ જ્ઞાની બનાવે છે અને એક દિવસ તે અમેરિકાનો રાષ્ટ્રપતિ બને છે, એક અશ્વેત ગુલામ બાળક કે જે ચોરી છુપેથી વાંચતા શીખે છે અને એક દિવસ ગુલામી ની સાંકળો તોડી નાખે છે અને એવાં કેટલાયે કિસ્સાઓ કે જેમાં વ્યક્તિ વાંચન દ્વારા પોતાના જીવનનું સંપૂર્ણ કાયાકલ્પ કરે છે.
આ પુસ્તકમાં લેખક એવા ત્રણ પગલાં જણાવે છે કે જેની મદદ થી કોઈ પણ પુસ્તક પ્રભાવી રીતે વાંચી શકાય છે અને મહત્તમ લાભ મેળવી શકાય છે. તેમ જ લેખક જણાવે છે કે રોજ માત્ર 15 મિનિટ વાંચવાથી પણ એક મહિનામાં એક, એક વર્ષમાં બાર અને દસ વર્ષમાં 120 પુસ્તકો વાંચી શકાય છે તેમજ તેના દ્વારા જીવનને ખૂબ જ સમૃદ્ધ બનાવી શકાય છે. રોજ માત્ર 15 મિનિટના રોકાણ થી આટલો મોટો ફાયદો.
આ પુસ્તકમાં 10 એવા પુસ્તકોની વાતો છે કે જેમણે દુનિયાને ખૂબ જ પ્રભાવિત કરી છે અને આજે પણ પ્રભાવિત કરી રહ્યાં છે. લેખકના મતે એક પુસ્તક એક વ્યક્તિનું નહીં પણ આખા દેશનું પણ કાયાકલ્પ કરી શકે છે. જેમ કે અમેરિકાનું સંવિધાન અને ચીનના મહાન વિચારકો ના જ્ઞાનથી લખાયેલા પુસ્તકો.
જો કોઈ વ્યક્તિ કોઈ એક દેશને બદલે બીજા કોઈ દેશમાં જન્મ્યો હોય તો તે સંપૂર્ણ અલગ જ વ્યક્તિ હોય, કારણ કે તે દેશના લોકો પર કોઈ ને કોઈ પુસ્તકનો પ્રભાવ હોય જ છે અને તેથી જુદા જુદા દેશના લોકો જુદી જુદી રીતે જીવે છે. આમ જો કોઈ પુસ્તક સમગ્ર દેશનો વિકાસ કરી શકતું હોય તો એક સારું પુસ્તક એક વ્યક્તિનો વિકાસ તો કરી જ શકે.
આ પુસ્તક માં લેખક જણાવે છે કે કોઈ પણ વ્યક્તિ વાંચીને અમીર બની શકે છે. તેમ જ જેલના કેદીઓ પર કરવામાં આવેલ પ્રયોગની વાત કરે છે કે જેમાં તેમને વાંચવા માટે પ્રેરિત કરવામાં આવ્યા અને તેમનામાં સુધારાઓ જોવા મળ્યા.
આ પુસ્તકમાં લેખક કહે છે કે માણસ કઈ રીતે એવો જ બની જાય છે જેવું એ વાંચે છે. તેમજ અંતમાં 13 વ્યક્તિગત વિકાસના પુસ્તકોની યાદી છે કે જેમણે ઘણા લોકોને જીવનમાં સફળતા મેળવવા પ્રેરિત કરીને મદદરૂપ થયા છે.
તેમજ મારી નોંધ અનુસાર આ પુસ્તકમાં લગભગ 50 જેટલા પુસ્તકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે કોઈને કોઈ રીતે જીવન ને વધારે સારું બનાવવામાં મદદરૂપ થાય છે અને વાંચવા લાયક છે.
પુસ્તક ‘पढें और अमीर बनें’માં ખૂબ પ્રેરણાદાયી એવા 12 ટોપિક છે અને 177 પેજ છે. મારા મતે દરેક વ્યક્તિએ આ પુસ્તક વાંચવું જ જોઈએ. જો તમને પુસ્તક વાંચનનો શોખ નથી તો આ પુસ્તક તમને પુસ્તકો વાંચવા માટે પ્રેરિત કરશે. જો તમને પુસ્તકો વાંચનનો શોખ છે તો આ પુસ્તકમાં તમને વાંચન ઉપયોગી મહત્વની જાણકારી મળશે. તો આ પુસ્તક જરૂર થી વાંચો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત