Homeગુર્જર નગરીઅમદાવાદઃ 17 વર્ષના સગીરે 60 જેટલા પોલીસ જવાનને દોડતા કરી દીધા

અમદાવાદઃ 17 વર્ષના સગીરે 60 જેટલા પોલીસ જવાનને દોડતા કરી દીધા

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં એક 17 વર્ષના સગીરે જલદી રૂપિયાવાળુ બની જવાની આશાએ એવું કામ કર્યું જેના કારણે હવે તેને જેલમાં જવાનો વારો આવ્યો છે. ઘટના અમદાવાદના કણભાની છે. મંગળવારે સાંજે પાંચ વાગ્યા આસપાસ બાળકનું અપહરણ થઈ જાય છે. 9 વાગ્યા આસપાસ મામલો પોલીસ સ્ટેશને પહોંચે છે. ત્યારબાદ DySP કે.ટી કામરિયા, વિવેકાનંદનગર PI વાય. બી. ગોહિલ સહિત પોલીસના 60 જવાનોનો કાફલો રાતભર બાળકની શોધખોળ કરે છે અને બાળકને સહીસલામત તેના માતા-પિતાને સોંપે છે. બાળક પરત મળી જતાં માતા પિતા રાહતનો શ્વાસ લે છે. સાથે જ તેમની ખુશીનો પણ પાર નથી રહેતો.

શા માટે કર્યું અપહરણ ?

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, અપહરણના ગુનામાં ઝડપાયેલો સગીર હિમાચલ પ્રદેશના નૈનિતાલનો છે. જે તેના માસાને ત્યાં અમદાવાદ આવ્યો હતો. એક મહિનાથી તે અમદાવાદની એક ફેક્ટરીમાં કામ કરી રહ્યો હતો. જો કે, તેને જલદી રૂપિયાવાળુ બની જવુ હતું જેથી સમગ્ર અપહરણનો પ્લાન ઘડ્યો. આરોપીએ ટીવીમાં પ્રોગ્રામ જોઈને બાળકનું અપહરણ કર્યું હતું. આરોપી નાનો પણ એટલો સાતીર છે કે, તેણે બાળકના પિતાને એવું જણાવ્યું હતું કે તેનું પણ અપહરણ થયું છે. પોલીસ પણ પહેલાં એ દિશામાં તપાસ કરી રહી હતી જો કે, અવાજ પરથી પોલીસને શંકા ગઈ હતી કે, સગીરે જ બાળકનું અપહરણ કર્યું છે. સગીર અવાજ બદલીને કોલ પર પણ વાત કરતો હતો. કોલ પર ઓછી વાત કરતો હોવાથી તેનું લોકેશન ટ્રેશ કરવું પણ મુશ્કેલ બની રહ્યું હતું.

કેવી રીતે અપહરણ કર્યું ?

સગીરને લાગ્યુ કે તેના પાડોશી બહુ પૈસાદાર છે. જેથી તેના બાળકનું અપહરણ કરવાનું નક્કી કરે છે. મંગળવારે સાંજે પાંચ વાગ્યા પછી તે મોપેડ પર બાળકને લઈને જતો રહે છે. જો કે, સગીરને એક્ટીવા પણ સારી રીતે ચલાવતા ન આવડતું હોવાથી દહેગામ નજીક સામાન્ય અકસ્માત સર્જાયો. ત્યારબાદ ત્યાંથી બાળકને તે રિક્ષામાં લઈ ગયો હતો. આરોપી બાળકને પહેલાં મણીનગર, મણીનગરથી વટવા અને વટવાથી રેલવે ટ્રેક પર ચાલતો ચાલતો લઈ ગેરેજપુર બાજુ લઈ ગયો હતો.

30 લાખની ખંડણીની માગણી કરી

આરોપી સગીરે પહેલાં વોઈસ કોલ અને મેસેજથી 30 લાખ રૂપિયાની ખંડણી માગી હતી. જો કે, ત્યારબાદ વાત 7 લાખ રૂપિયા સુધી પહોંચી અને અંતે 5 લાખ રૂપિયામાં તેણે ડીલ ફાઈનલ કરી હતી. ખંડણી માગવા માટે તે ઈમોશનલ કાર્ડ પણ રમી રહ્યો હતો. બાળક સાથે મારઝૂડ કરી બાળકને વાત કરાવતો હતો અને રૂપિયા આપી દેવા કહેવડાવતો હતો. આરોપી સગીરે બાળકના પિતાને બેંક એકાઉન્ટમાં રૂપિયા નાખવાનું કહ્યું હતું. જો કે, તેનું આ કામ પાર પડે તે પહેલાં જ તે પોલીસના સકંજામાં આવી ગયો છે. પોલીસે લોકેશનના આધારે તેને ઝડપી લીધો હતો.

બાળકને કેવી રીતે છોડાવ્યું ?

રાત્રે 9 વાગ્યા બાદ 60 જેટલા પોલીસ જવાનો અલગ અલગ વિસ્તારમાં ફરતા થયા હતા. લોકેશનના આધારે પોલીસની ટીમ સવારે 7 વાગ્યા આસપાસ આરોપી સુધી પહોંચી ગઈ હતી. આરોપીએ રેલવે ટ્રેક પર જ બાળકને રાખ્યો હતો. પોલીસના આવવાની જાણ થતાં તે આરોપી ગેરેજપુર નજીક એક ખાલી તળાવમાં કુદી ગયો હતો. ચારે તરફથી ઘેરાયેલો હોવા છતાં પોલીસની સમગ્ર ટીમને તેણે એક કિલોમીટર સુધી દોડાવી હતી. આમ, 10 કલાક કરતા વધુ સમયના સંઘર્ષ બાદ પોલીસે અપહ્યત બાળકને સહીસલામત છોડાવી લીધો હતો.

બાળકના પિતાએ પોલીસનો આભાર માન્યો

અપહ્યત બાળકના પિતાએ કહ્યું કે, મારા પડોશીને વોટ્સએપ મેસેજ આવ્યો. એના પરથી અમને ખબર પડી. પછી અમે એના મેસેજ જોયા ત્યાં ત્રીસ લાખ રૂપિયાની એણે ડિમાન્ડ કરી. ત્રીસ લાખ રૂપિયા સાંભળીને જ મારા હોશ ઉડી ગયા. પછી અમે પોલીસની મદદ લીધી. બાળકને આખી રાત શોધ્યો. સવારે આરોપીને ઝડપી લીધો. હું પોલીસનો ખુબ ખુબ આભાર માનું છુ. પોલીસે જે કાર્ય કર્યું છે તે બદલ હું જેટલો આભાર માનું એટલો ઓછો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments