Team Chabuk-National Desk: ગુજરાતમાં કોરોનાના કેસ તો સતત વધી જ રહ્યાં છે પણ સૌથી મોટી ચિંતા અમદાવાદની થઈ રહી છે. અમદાવાદ કોરોનાના કેસમાં ‘પ્રગતિના પંથે’ છે. અહીં રોજના બે હજાર કેસ સામે આવી રહ્યા છે. સત્તાધીશોને જ્યારે રોજના બે હજાર કેસથી કાંઈ ફર્ક ન પડતો હોય તેવું લાગી રહ્યું છે. 2020માં કોરોનાનું આગમન થયું હતું ત્યારે જે કામગીરી વિજય નેહરાએ કરી હતી એની રત્તીભર કામગીરી નવા તંત્ર દ્વારા તો કરવામાં જ નથી આવતી. અગાઉ વિજય નેહરા ટકોર કરી ચૂક્યા હતા કે એક સમયે કેસ વધશે પણ ત્યારે કોઈએ ધ્યાને નહોતું લીધું. આજે વિજય નેહરાની અમદાવાદને ખોટ સાલી રહી છે.
અમદાવાદની માઠી બેઠી છે, કારણ કે એમ્બ્યુલન્સો ક્યાંય સુધી લાઈનમાં ઊભેલી દેખાય છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં તમે જોયું હશે તો ખ્યાલ હશે કે એમ્બ્યુલન્સો એસટી બસ સ્ટેન્ડની ગરજ સારે છે. સ્મશાનોમાં લાંબી કતારો લાગી છે. ટેસ્ટ કરવામાં પણ લાંબી લાઈનો લાગી છે. અણઘડ વહિવટ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રાત્રિ કરફ્યૂ ઈલાજ હોય તેમ કરી દેવામાં આવ્યો છે. સરકારે 10 વાગ્યાથી રાખેલો. અમદાવાદના તંત્રએ બાહોશી બતાવતા 9 વાગ્યાથી રાખ્યો. હાઈકોર્ટે ટકોર કરતા સરકારે 8 વાગ્યાનો ટાઇમ રાખી દીધો.
કોરોનાના આરંભમાં લોકડાઉનથી લઈને છેલ્લે સુધી વિજય નેહરાએ પોતાની ઉત્તમ કામગીરીનો પરચો આપ્યો હતો. આજે અમદાવાદમાં વ્યક્તિ એ વ્યક્તિ વિજયભાઈની વાત કરી રહ્યા છે. એમના વખતે જે પણ વિસ્તારમાં કોરોનાના કેસ વધતા દેખાય ત્યાં બફર ઝોન અને ક્લસ્ટર ઝોન કરી દેવામાં આવતો હતો. આ સિવાય જે તે કોરોના સંક્રમિત વ્યક્તિને સુવિધા પણ પૂર્ણ પાડવામાં આવતી હતી. થૂંકવાથી કોરોના ફેલાય એટલે તેમણે સૌ પ્રથમ પાનનાં ગલ્લા બંધ કરાવી દીધા હતા. જે કોઈ પણ વ્યક્તિ નિયમોનો ભંગ કરી બહાર નીકળે તેમના વિરૂદ્ધ પગલાં લેવામાં આવતા હતા. અમદાવાદમાં જે વ્યક્તિ કોરોના પોઝિટિવ હોય તેના ઘરની બહાર સ્ટીકર લગાડવામાં આવતા હતા. જો કોઈ વ્યક્તિ બહારથી આવે છે અને સામેથી ક્વોરન્ટાઈન થવા ઈચ્છુક છે તો મ્યુનિસિપલ કોર્પોરેશન તેની જવાબદારી લેતું હતું. તેની સાર સંભાળ રાખતું હતું. વિજય નેહરા ખૂદ એક એક વિસ્તારમાં આટો મારવા માટે નીકળતા હતા અને એમના ડરના કારણે અન્ય લોકો પણ એક્ટિવ રહેતા હતા. કારણ કે એ ગમે ત્યારે ગમે તે કોરોના સંક્રમિત વિસ્તારની મુલાકાત લેતા હતા.
આ બધી કામગીરીના કારણે જ લોકો પણ સામેથી ક્વોરન્ટાઈન થતાં હતા. આજે આમાંથી કાંઈ દૂર દૂર સુધી દેખાતું નથી. અમદાવાદ માટે તો ડુંગરા દૂરથી રળિયામણા જેવી સ્થિતિ થઈ ગઈ છે. એટલે કે વિજય નેહરા છે જ નહીં. હવે તો સોશિયલ મીડિયા પર પણ કેમ્પેઈન ચાલ્યા છે કે વિજય નેહારને પાછા લઈ આવો.
અત્યારે તો અમદાવાદની સ્થિતિ ભગવાન ભરોસે છે. આ માટે સમગ્ર દોષનો ટોપલો મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર અને સ્પેશિયલ ડ્યૂટી તરીકે મૂકેલા રાજીવ ગુપ્તા પર ઢોળાયો છે. જે વખતે અમદાવાદમાં ક્રિકેટ મેચ અને ચૂંટણી બાદ રોજના 200 જેટલા કેસ આવી રહ્યા હતા, ત્યારે જ એમને સક્રિય થઈ જવાની જરૂર હતી. પણ સક્રિય ન થતાં હવે કોરોના સક્રિય થઈ ગયો છે.
કોણ છે વિજય નેહરા?
1996 બેન્ચના વિજય નેહરા IAS અધિકારી છે. અમદાવાદમાં તેમણે બે વર્ષ સુધી કામગીરી કરી હતી. અમદાવાદમાં કોરોનાની સામે તેઓ કામગીરી નિભાવી રહ્યા હતા ત્યારે તારીખ 18 મે 2020ના રોજ પેનેડેમિકની સ્થિતિ વચ્ચે તેમની બદલી કરી દેવામાં આવી હતી. વિજય નેહરાએ એક સમયે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, ‘જો પરિસ્થિતિ કાબુમાં ન રાખી તો મે મહિનામાં 8 લાખ કેસ થઈ જશે.’ આ નિવેદને એ વખતે કોઈ સમજ્યું નહોતું પણ આજે આ નિવેદન ઘણાને સમજાય ગયું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત