Homeગુર્જર નગરીઅમદાવાદ: ત્રણ મહિલાને પ્રેમનાં કુંડાળામાં ઉતારી, પૈસા લઈ ‘લુંટેરો દુલ્હો’ નો દો...

અમદાવાદ: ત્રણ મહિલાને પ્રેમનાં કુંડાળામાં ઉતારી, પૈસા લઈ ‘લુંટેરો દુલ્હો’ નો દો ગ્યારાહ થઈ ગયો

Team Chabuk-Gujarat Desk: ‘લુંટેરી’ આ શબ્દ કાને પડતા સૌથી પહેલા દુલ્હનનું નામ સામે આવે. લુંટેરી દુલ્હનનાં તો અઢળક કિસ્સાઓ અખબારોમાં ચમક્યા છે અને પોલીસ ચોપડે નોંધાયા પણ છે. જોકે હવે લુંટેરા દુલ્હાએ અમદાવાદની એક મહિલાની ઊંઘ હરામ કરી દીધી છે. આ દુલ્હાએ એક મહિલા સાથે પ્રેમ કપટ રચ્યું અને બાદમાં પૈસા લઈ રફુચક્કર થઈ ગયો.

આ અંગેની સમગ્ર ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મહિલાનાં અગાઉ લગ્ન થયા હતા પણ છૂટાછેડા લીધા બાદ તેણી 2008થી પીજીમાં રહેવા માટે આવી હતી. આ દરમ્યાન તેનો સંપર્ક પ્રભજોત સિંઘની સાથે થયો હતો. ત્રણેક મહિના સુધી તો ઔપચારિક વાત થઈ અને પછી બંને પ્રેમના તાંતણે બંધાઈ ગયા. પ્રભજોતે મહિલાને કહ્યું કે, તે કુંવારો છે અને લગ્ન કરવા માગે છે. આમ દુલ્હો પ્રેમ બાદ લગ્નનાં તાંતણે બંધાવાવની વાત પર આવી ગયો હતો. જેથી મહિલાને પણ બીજી વખત સંસાર સુખ મળવાની એષણા જાગી હતી.

મહિલાએ પણ ભાવિ પતિની આગળ પોતાના ભૂતકાળની તિજોરીને ખુલ્લી મૂકી દીધી હતી. આમ છતાં પ્રભજોતે સહમતી દર્શાવી હતી અને લગ્ન માટે તૈયાર થઈ ગયો હતો, કારણ કે પ્રભજોત તો લગ્ન કાંઈક બીજી વસ્તુ માટે જ કરતો હતો. 2015ની સાલમાં આ બેઉં લગ્નનાં બંધનમાં બંધાયાં હતાં. જોકે મહિલાને લગ્ન બાદ ઘરે લઈ જવાને બદલે તે પીજીમાં રાખતો હતો. મહિલા વારંવાર ઘરે લઈ જવાની વાત ઉચ્ચારતી હતી. જેના જવાબમાં આ દુલ્હાએ કહ્યું હતું કે, મારી પાસે પૈસા નથી.

મહિલાએ પોતાની કમાણીમાંથી પાંત્રીસ હજારની રકમ કાઢી પતિને આપી હતી. એ પછી બંને ભાડે રહેવા લાગ્યા હતા. જોકે આ પતિનું અસલી સ્વરૂપ પ્રગટ થવાનું બાકી હતું. બંને ભાડેનાં મકાનમાં દોઢ મહિનો રહ્યા હતા. પ્રભજોત મહિલાને ઘર ખર્ચનાં પૈસા નહોતો આપતો, કમાવા માટે નહોતો જતો, ઉપરથી મહિલાનાં પૈસે જ તાગડધિન્નાં કરતો હતો. મહિલાની સાથે મારામારી કરતો હતો.

પ્રભજોત સિંહે મહિલાને કહ્યું હતું કે, તેને તેના વતન પંજાબમાં રૂપિયાની જરૂર છે. મહિલા આ વાત ઉપર પણ પીગળી ગઈ હતી અને પોતાના દાગીના ગિરવે રાખી ચાર લાખ રૂપિયાનો બંદોબસ્ત કરી દીધો હતો. એ પછી દુલ્હો ગયો તે ગયો. મહિલાએ પ્રભજોત પરત ન આવતા સેટેલાઈટ વિસ્તારનાં પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી.

આ મહિલા અગાઉ પ્રભજોતની શોધખોળ માટે પંજાબ સુધી લાંબી થઈ હતી. જોકે પ્રભજોતનો કોઈ અતોપત્તો લાગ્યો નહોતો. જાણે તેને આકાશ ખાઈ ગયું હોય કે પાતળમાં સમાઈ ગયો હોય. અહીં મહિલાને એક વાત જાણવા મળી હતી કે પ્રભજોત અગાઉ પણ બે કન્યાને પ્રેમનાં કુંડાળામાં ઉતારીને નાસી છૂટ્યો છે. એટલે કે લેડિસ એન્ડ રિકી બહલ ફિલ્મની જેમ પ્રભજોત પણ મહિલાઓનાં પૈસાનું કરી નાખવા માટે જ લગ્ન બંધને બંધાતો હતો અને બાદમાં પૈસા લઈ આ દુલ્હો નો દો ગ્યારાહ થઈ જતો હતો.

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments