Team Chabuk-Gujarat Desk: ‘દીકરો-દીકરી એક સમાન’. ક્યારેક એવું લાગે છે કે આજના આ આધુનિક યુગમાં જ્યારે દીકરીઓ પણ ફાઈટર પ્લેન ઉડાવી રહી છે તો દીકરાઓ પણ સતત પ્રગતિ કરી રહ્યા છે. પણ આપણા દેશમાં, આપણા રાજ્યમાં કે આપણી આસપાસ જ કેટલાક એવા લોકો છે જેમની માનસિકતાને આપણે બદલાવી નથી શક્યા. કોઈને પુત્ર એટલે પુત્ર જ જોઈએ છે. તો કોઈને પુત્રી એટલે પુત્રી જ.
આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. જ્યાં એક મહિલાએ આવા જ ટોણાના કારણે જીવન ટૂંકાવી લીધુ છે.
સ્થળઃ અમદાવાદ, વસ્ત્રાલ
મૃતકનું નામઃ ભાવના વાઘેલા, 27 વર્ષ
આરોપી નંબર 1 – મણી વાઘેલા, (સાસુ)
આરોપી નંબર-2 – જીતુ વાઘેલા, (પતિ)
શબ્દોના ઘા તલવાર કરતા પણ ઉંડા હોય છે જેથી જ કહેવાયું છે કે, લોકોએ એક-એક શબ્દ તોલી-તોલી, વિચારી-વિચારીને બોલવો જોઈએ. ક્યારેક તમારા મેણા-ટોણા કોઈનો જીવ પણ લઈ શકે છે. અમદાવાદના વસ્ત્રાલમાં આવો જ એક હસતો રમતો પરિવાર વિંખાઈ ગયો. પત્ની અને સાસુ વચ્ચે સામાન્ય તકરારો ચાલતી હોઈ છે પરંતુ આરોપ છે કે, આ વખતે એવું બન્યું જે પુત્રવધુથી સહન ન થયું અને આત્મહત્યા કરી લીધી.
પુત્રી પ્રાપ્તિની ઘેલછાએ લીધો પુત્રવધુનો જીવ
ભાવનાના લગ્ન 27 એપ્રિલ 2018માં જીતુ વાઘેલા સાથે થયા. શરૂઆતનું લગ્નજીવન પતિ સાથે બહુ સારું ચાલ્યું. જો કે, શરૂઆતથી જ સાસુ-વહુના નાના-નાના ઝઘડા થવા લાગ્યા હતા. લગ્નજીવનથી તેમને એક પુત્રનો જન્મ થયો. જો કે, પુત્ર જન્મ બાદ વિવાદ સર્જાયો. આરોપ છે કે દીકરાના જન્મ વખતે સાસુએ પુત્રવધુને મહેણું માર્યું હતું કે, ‘મારે દીકરી જોઈતી હતી, દીકરી જણી ના શકતી હોય તો મરી કેમ નથી જતી.’ આમ, 2018થી શરૂ થયેલા ઝઘડાએ 2021 સુધીમાં એવું સ્વરૂપ ધારણ કર્યું કે પુત્રવધુએ મોતને વ્હાલુ કરી લીધું.
બેનને ફોન કરીને જણાવ્યું હતું, ‘મને મરી જવાનું મન થાય છે’
6 જાન્યુઆરીએ ભાવનાએ તેની બહેન રેખાને ફોન કર્યો હતો. ફોનમાં વાતચીત દરમિયાન તેણે કહ્યું હતું કે, 9 જાન્યુઆરીએ પુત્રનો જન્મદિવસ છે. પુત્રનો જન્મદિવસ હોવાથી નવા કપડાં ખરીદવાનું કહેતા પતિ અને સાસુએ ઝઘડો કર્યો હતો અને ફરી મહેણા માર્યા હતા. આરોપ છે કે, ઝઘડા દરમિયાન પતિ અને સાસુએ કહ્યું હતું કે, તે દીકરો જણ્યો છે, તો તું તારા પિયરથી કપડાં લઈ આવ અને જો ના બનતું હોય તો ઘરમાંથી જતી રહે.
ભાવનાએ બહેનને કહ્યું હતું કે હું તેમના ત્રાસથી કંટાળી ગઈ છું. પુત્રનો જન્મદિવસ હોવાથી તેનું મોં જોઈને બેઠી છું નહીં તો મને મરી જવાનું મન થાય છે. બહેનને ફોન કર્યાના બીજા દિવસે જ સવારે ભાવનાએ ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. પુત્રના જન્મદિવસના બે દિવસ પહેલા જ માતાએ આત્મહત્યા કરી લેતા પુત્ર મા વિનાનો બની ગયો છે. મહિલાએ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં પણ અરેરાટી ફેલાઈ ગઈ છે. પરિવાર વેરવિખેર થઈ ગયો છે. આ અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એસ.દવેએ સમગ્ર મામલે કહ્યું કે, હાલ પતિ અને સાસુની ધરપકડ કરી લેવાઈ છે. બંને વિરુદ્ધ આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા અંગેનો ગુનો નોંધાયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત