Team Chabuk-Gujarat Desk : કોરોના વાઇરસની વચ્ચે ગુજરાત સહિત દેશભરમાં બર્ડ ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે. ગુજરાત, દિલ્હી, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, કેરળ સહિતના રાજ્યોમાં બર્ડ ફ્લૂના કારણે દહેશત ફેલાઈ ગઈ છે. ગુજરાતની વાત કરીએ તો અત્યાર સુધી 130 જેટલા પક્ષીઓના મોત થયાનું સામે આવ્યું છે. જેના કારણે રાજ્યનું તંત્ર પણ દોડતું થયું છે.
એક દિવસમાં 130 પક્ષીના મોત
ગઈકાલે એટલે કે શનિવારે ગુજરાત રાજ્યમાં 130 પક્ષીના મોત થયાનું સામે આવ્યું હતું. જેમાં જૂનાગઢમાં 6 બગલા, માંગરોળ હાઈવે પરથી 70 કાગડા, ડોળાસામાંથી 3 વિદેશી પક્ષી તો રાજપીપળામાંથી 6 કાગડાના શંકાસ્પદ મોત થયાનું જાણવા મળ્યું છે. અંજારના ભીમાસર ગામમાં એક કુવામાંથી 45 જેટલા કાગડા મૃત હાલતમાં મળ્યા હતા. ગામ લોકોનું કહેવું છે કે ઉડતા કાગડા ટપોટપ નીચે પડતાં હતા અને મોત થઈ રહ્યા હતા જેની જાણ વનવિભાગને કરવામાં આવી હતી. નર્મદા જિલ્લાના રાજપીપળામાં પણ 6 કાગડાના શંકાસ્પદ મોત થતા પશુપાલન વિભાગ દોડતું થયું હતું અને સેમ્પલ લઈને તપાસ માટે ભોપાલ મોકલી આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત અલગ અલગ જગ્યાએ પોલ્ટ્રી ફાર્મમાં પણ ચેકિંગ હાથ ધરાયું હતું.
ગુજરાતમાં બર્ડ ફ્લૂના ભયના કારણે વિવિધ પક્ષી અભયારણ્યો મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. તંત્રએ બર્ડ ફ્લૂની દહેશતને પગલે અલગ અલગ જગ્યાએ તપાસ હાથ ધરી દીધી છે અને જ્યાંથી મૃત પક્ષીઓ મળ્યા છે ત્યાંથી પક્ષીઓના મૃતદેહને તપાસ માટે મોકલી અપાયા છે.
દેશભરમાં દહેશત
ગુજરાત ઉપરાંત દેશના કેટલાક અન્ય રાજ્યમાં પણ બર્ડ ફ્લૂએ ફફડાટ ફેલાવ્યો છે. દિલ્હીમાં પણ એક પાર્કમાં 17 કાગડાના મોત થતાં રાજ્ય સરકાર હરકતમાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે સરકારે ગાજીપુર પોલ્ટ્રી ફાર્મ 10 દિવસ માટે બંધ કરી દીધું છે. જ્યારે બહારથી લાવવામાં આવતા પક્ષીઓ પર પણ રોક લગાવી દીધી છે.
હિમાચલમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ
હિમાચલ પ્રદેશના પોંગ વિસ્તારમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થતાં સરકારે તાત્કાલિક પગલાં ભરવાનું શરૂ કર્યું છે. બર્ડ ફ્લૂ હોવાની પુષ્ટિ થતાં પોંગ વિસ્તારમાં 3500 પ્રવાસી પક્ષીઓને મારી નાખવામાં આવ્યા છે. રાજ્યભરમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે. પોંગ ઉપરાંત કાંગડામાં પણ બર્ડ ફ્લૂનો ખતરો વધી રહ્યો છે. પાંચ કાગડાના સેમ્પલ જલંધર મોકલાયા હતા તેમાંથી 3 પોઝિટિવ હોવાનું ખુલ્યું છે. બર્ડ ફ્લૂના કારણે ચિકન અને ઇંડાના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.
રાજસ્થાનમાં બર્ડ ફ્લૂથી હાહાકાર
રાજસ્થાનના 11 જિલ્લામાં બર્ડ ફ્લૂના કારણે હાહાકાર મચી ગયો છે. બર્ડ ફ્લૂના કારણે લોકોમાં ડરનો માહોલ ઉભો થયો છે. રાજસ્થાનના સવાઈ માધોપુર, પાલી, દૌસા અને જેસલમેર સહિતના કેટલાક જિલ્લાઓમાં મૃત કાગડામાં બર્ડ ફ્લૂના એચ 5 સ્ટ્રેન મળ્યા છે. અત્યાર સુધી 70 પક્ષીઓના મોત થઈ ચુક્યા છે. જેમાં કાગડા અને મોરનો પણ સમાવેશ થાય છે. સવાઈ માધોપુરમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થતા રણથંભોર વન વિભાગ સતર્ક થઈ ગયું છે. અભયારણ્ય વિસ્તારમાં સતત અહીં ટીમ ધ્યાન રાખી રહી છે અને મૃત પક્ષીઓના સેમ્પલ એકત્રિત કરીને તપાસ માટે મોકલવામાં આવી રહ્યા છે.
ઉત્તર પ્રદેશમાં પણ બર્ડ ફ્લૂના કેસ સામે આવ્યા છે. યુપીના કાનપુરમાં આવેલા પક્ષીઘરમાંથી બર્ડ ફ્લૂ વાઇરસ મળ્યો છે જેના કારણે કાનપુર પક્ષીઘર સીલ કરી દેવાયું છે. ચાર પક્ષીના મોત બાદ સેમ્પલ લઈને તપાસ માટે મોકલાયા હતા જેમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ કરવામાં આવી હતી. કાનપુર પક્ષીઘરના આસપાસના વિસ્તારને રેડ ઝોન જાહેર કરી દેવાયો છે.
આમ દેશભરમાં ધીમે ધીમે બર્ડ ફ્લૂનો ખતરો વધી રહ્યો છે. કોરોના વાઇરસ સામે લડી રહેલી સરકાર અને પ્રજાના માથે બર્ડ ફ્લૂ રૂપી નવું સંકટ ઉભું થયું છે. બર્ડ ફ્લૂ પક્ષીઓમાં ઝડપથી ફેલાતો વાઇરસ હોવાથી તંત્ર પણ દોડતું થયું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત