Team Chabuk-Gujarat Desk: કેટલાક લોકો પ્રેમ લગ્ન કરે છે. પોતાના પ્રિય પાત્રની સાથે જીવન વિતાવવા માટે. આવી જ રીતે અમદાવાદ શહેરની એક યુવતીએ પણ લગ્ન કર્યા હતા પણ તેના લગ્નમાં ખુશીઓની જગ્યાએ કાંટાની ચાદર બીછાઈ ગઈ છે. પ્રેમ લગ્ન કરનારી આ યુવતી સાથે તેના માતા પિતાએ તો સંબંધો પર પૂર્ણવિરામ મૂકી જ દીધો પણ સાસરિયામાં પણ તેને નોકરાણી તરીકે રાખવામાં આવતી હતી અને એવા મહેણાં ટોણાં મારવામાં આવતાં હતાં કે ‘તું કાંઈ લાવી નથી.’ આ પરિણીતા પર ચોરીની ફરિયાદ પણ કરાઈ હતી જેથી તે જેલમાં પણ જઈ ચૂકી હતી. તેના મિત્રો અને પરિવારના લોકો તેની સામે અશ્લીલ ઈશારા કરતાં હતાં. અંતે પાણી માથા ઉપરથી ચાલ્યું જતા પરિણીતાએ ફિનાઈલ ગટગટાવ્યું છે.
ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ 22 વર્ષની વયની આ યુવતીએ 2019ની સાલમાં માતા પિતાની મરજી વિરુદ્ધ કોર્ટમાં લગ્ન કર્યા હતા. જે પછી તેનું જીવન નર્ક જેવું બની ગયું હતું. સાસરિયાં પક્ષ તરફથી તેને વારંવાર કટુ વચનો સંભળાવવામાં આવતા હતા જેથી તે માનસિક રીતે પડી ભાંગી હતી.
પ્રેમ લગ્ન કર્યા હોવાથી તે કરિયાવરમાં કશું લાવી નહોતી જેથી એ વાતની કેસેટ સાસરિયાઓ વારંવાર પ્લે કરતા હતા. ઉપરથી ઘરની વહુને નોકરાણીની જેમ રાખતા હોવાનું પણ ફરિયાદમાં નોંધાયું છે. વાત અહીંથી નથી અટકતી તેની નણંદ પણ તેના ભાઈને કહેતી હતી કે, ‘તારી પત્ની એના બાપના ઘરેથી કાંઈ લાવી નથી તો ઘરના બધા કામ કરાવજે, ન કરે તો કાઢી મૂકજે.’ કોઈ પણ વ્યક્તિ માનસિક અને શારીરિક આમ બેઉં રીતે પડી ભાંગે તેવી વાતોનો પરિણીતાએ પોતાની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.
નણંદ બાદ પરિણીતાનો જેઠ વારંવાર કોઈને કોઈ બહાને ઘરમાં આવતો અને બીભત્સ ઈશારા કરતો હતો. લાચાર પત્ની આ વાત પોતાના પતિને કહેતી તો પતિ તેનો જ વાંક કાઢી તેને માર મારતો હતો. 2021માં ચોરીની ફરિયાદ નોંધાવતા પરિણીતાને જેલ જવાનો વારો પણ આવ્યો હતો. પંદર દિવસ સુધી જેલમાં રહ્યા બાદ તે બહેન બનેવીને ત્યાં રહેવા ચાલી ગઈ હતી. ત્યાં પણ તેનો પતિ અને તેના મિત્રો તેની સાથે ગંદા ઈશારા કરતા હતા.
બહેન બનેવી સાથે ઝઘડો કરી અંતે તે ફરી પતિ પાસે જવા ઉપડી હતી. પણ સાસરિયાઓએ ફોન પર જ આવવાની ના પાડી દેતા પરિણીતાએ ફિનાઈલની બોટલ ગટગટાવી હતી. અંતે બાપુનગર પોલીસ મથકે આ સમગ્ર ઘટના નોંધાતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત