Team Chabuk-Gujarat Desk: આપણી ગુજરાતી ભાષામાં લગ્ન વિષયક કેવી કેવી વાતો છે. લાડી તો લાખની સાયબો સવા લાખનો, કાગડો દહીંથરુ લઈ ગયું… પણ હવે એક અચરજ પમાડતા લગ્નની વાત કરીએ. અમદાવાદમાં યોજાયેલા એક લગ્ને સમગ્ર ગુજરાતને ચકિત્ત કરી દીધું હતું. તેના ભવ્યાતિભવ્ય ઠાઠમાઠના કારણે નહીં પણ વર અને વધૂની ઉંમરના કારણે. આ લગ્નમાં વરની વય હતી 72 વર્ષ અને વધૂ 66 વર્ષના હતા. લગ્ન પણ ધામધૂમપૂર્વક થયા. પ્રિ-વેડિંગ ફોટોશૂટથી લઈ સગાઈ અને મામેરા સુધીની એક પણ વિધિ બાકી ન રહી.
વાત એવી બની છે કે મહાનગર અમદાવાદમાં વિજયભાઈ ચૌહાણ રહે છે. તેમના માતા પિતાના લગ્નની પચાસમી વર્ષગાઠ હતી. આ વર્ષગાઠને તેમણે કાયમ માટે યાદ રહી જાય તેવી બનાવવાનું નક્કી કર્યું. આજથી બરાબર પચાસ વર્ષ પૂર્વે જ્યારે તેઓના માતા પિતાના લગ્ન થયા હતા તો એ લગ્ન સાદગીપૂર્વક થયા હતા. કોઈ વરઘોડો નહીં, કોઈ બેન્ડવાજા નહીં અને કોઈ નાચગાન નહીં. આવું એટલા માટે થયું કે ઘરમાં એક સાંધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિ હતી. પણ અંતે વિજયભાઈએ માતા પિતાના લગ્ન ફરી એક વખત અને એ પણ કોઈ કસર બાકી ન રહી જાય એવી રીતે કરવાનું નક્કી કર્યું.
અમદાવાદના વિજયભાઈ ચૌહાણે પોતાના માતા પિતાના લગ્નનો આલ્બમ જોયો હતો. આ આલ્બમ જોઈ તેઓ હતાશ થયા હતા, કારણ કે તેમના લગ્ન રંગેચંગે નહોતા થયા. બસ થઈ રહ્યું. નક્કી કર્યું વિજયભાઈએ કે પચાસમી વર્ષગાઠ દરમિયાન જે લગ્ન થાય તેમાં કોઈ કમી ન રહેવી જોઈએ. કોઈ પુત્ર આવું કરવાનું વિચારે એટલે માતા પિતા ખચકાટ તો અનુભવવાના જ છે. વિજયભાઈના પિતા પણ આવું ન કરવાના પક્ષમાં હતા. પણ અંતે થઈને રહ્યું. પિતાને ઘોડી પર ચડાવવા સહિતનું આયોજન કરવામાં આવ્યું અને લગ્ન કર્યાં.
લગ્ન પૂર્વે આજના યુવાનો જે કરે છે એ પણ કરવામાં આવ્યું. અર્થાત્ પ્રિ-વેડિંગ ફોટોશૂટ. સગાઈ કરવામાં આવી. બાદમાં શેરવાનીમાં સજી 72 વર્ષીય વરરાજા તૈયાર થયા. લાલ રંગના પાનેતરમાં દુલ્હને પરિધાન ધારણ કર્યાં અને જાન નીકળી. વિજયભાઈ તો એ વાત પણ કહે છે કે વરરાજાની મોજડી ચોરવા પણ આવ્યા હતા, પણ એવું થાય નહીં એટલે વિજયભાઈએ પોતે જ મોજડી ચોરી લીધી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
