Homeગુર્જર નગરીઅમદાવાદઃલૂંટ વિથ ડબલ મર્ડરનો ગુન્હો ઉકેલાયો

અમદાવાદઃલૂંટ વિથ ડબલ મર્ડરનો ગુન્હો ઉકેલાયો

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના થલતેજમાં વૃદ્ધ દંપતીની હત્યા કરનારા પાંચ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, દંપતીના ઘરમાં સુથારી કામ કરતાં વ્યક્તિએ જ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો છે. પોલીસે મધ્યપ્રદેશથી આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીને જાણ થઈ ગઈ હતી કે દંપતીના ઘરમાં રોકડા રૂપિયા અને ઘણાં સોનાના ઘરેણાં છે જેથી તેણે સમગ્ર લૂંટ અને મર્ડરનો પ્લાન ઘડી નાખ્યો હતો.

જાણભેદુ જ નીકળ્યો હત્યારો

મુખ્ય આરોપી મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે. લૂંટને રહસ્ય બનાવી રાખવા માટે આરોપીએ લૂંટારુંઓને મધ્યપ્રદેશથી જ બોલાવ્યા હતા. અન્ય આરોપીઓ પણ મુખ્ય આરોપીના સંબંધીઓ જ છે. આરોપીએ મધ્યપ્રદેશમાં રહેતા પોતાના પરિવારજનોને દંપતીના ઘરમાં રહેલા સોના અને રૂપિયા વિશે જાણ કરી હતી. ઘટનાના એક દિવસ પહેલાં જ આરોપીઓ અમદાવાદ આવ્યા હતા.દંપતીના ઘર બહાર એકઠાં થઈને આરોપીઓએ એક સાથે જ ઘરમાં જવાનું નક્કી કર્યું હતું. ઘરમાં પહોંચતાની સાથે જ વૃદ્ધ એલર્ટ થઈ ગયા હતા. વૃદ્ધ સાથે આરોપીઓની થોડી ઝપાઝપી પણ થઈ. પરંતુ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી આરોપીએ વૃદ્ધની હત્યા કરી દીધી હતી. ઘરમાં શોરબકોર થતાંની સાથે જ વૃદ્ધા પણ બીજા માળેથી તાત્કાલિક નીચે આવ્યા હતા. ક્રૂર આરોપીઓએ તેમને સીડી પર જ ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. આ દરમિયાન રૂપિયા અને ઘરેણાંની લૂંટ પણ કરી લીધી હતી.

કેવી રીતે પકડાયા હત્યારા ?

આરોપીઓને પકડવા માટે પોલીસે કુલ 200 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. સીસીટીવીમાં આરોપીની ઓળખ થઈ ગઈ હતી. બીજી તરફ જે મિસ્ત્રી પર શંકાની સોય હતી તેની પણ ઉલટ તપાસ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીઓ મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરના ગિઝોરાના છે. જેથી ત્યાંની પોલીસની મદદ લેવામાં આવી. તેમજ ક્રાઈમબ્રાંચની 3થી 4 ટીમ ગિઝોરા પહોંચી હતી. જ્યાં  સોમવારે રાત્રી દરમિયાન આરોપીઓને પકડવાનું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. રવિવારે એક આરોપી ઝડપાયા બાદ તેની આકરી પૂછપરછ કરવામાં આવી હતી. આરોપીએ આપેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને અન્ય ત્રણ આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. ગિઝોરામાંથી પકડાયેલા આરોપીઓને અમદાવાદ લાવવામાં આવશે.

દંપતીને ઝીંક્યા હતા 11 ઘા

પોસ્ટમોર્ટમ રિપોર્ટમા સામે આવ્યું હતું કે, આરોપીઓએ કુલ 11 ઘા ઝીંકીને દંપતીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. તીક્ષ્ણ હથિયાર વડે વૃદ્ધને બે જ્યારે વૃદ્ધાને 9 ઘા ઝીંક્યા હતા. વધુ પડતું લોહી વહી જવાના કારણે દંપતીનું મૃત્યુ થયું હતું.

મુદ્દામાલ કબજે કરાયો

ચારેય લૂંટારુંઓએ દંપતીના ઘરમાંથી કુલ 50 હજાર રૂપિયા રોકડા અને લાખો રૂપિયાના ઘરેણાંની લૂંટ ચલાવી હતી. આરોપી પાસેથી લૂંટની તમામ રકમ તેમજ ઘરેણાં તેમજ હત્યામાં વપરાયેલું હથિયાર કબજે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બે બાઈક પણ જપ્ત કરાયા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments