Homeગુર્જર નગરીપ્રણય ત્રિકોણઃ પ્રેમિકાના 6 વર્ષ જૂના પ્રેમીને 6 મહિના જૂના પ્રેમીએ અપહરણ...

પ્રણય ત્રિકોણઃ પ્રેમિકાના 6 વર્ષ જૂના પ્રેમીને 6 મહિના જૂના પ્રેમીએ અપહરણ કરી માર માર્યો

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના સોલામાં વિદ્યાર્થીનું અપહરણ કરીને નગ્ન વીડિયો બનાવનારા આરોપીઓને પોલીસે ઝડપી લીધો છે. ઝડપાયેલા શખ્સે જ્યારે પોલીસ સમક્ષ મોઢું ખોલ્યું તો પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી. કારણ કે કિસ્સો ન તો અંગત અદાવતનો હતો ન તો પૈસા બાબતે કોઈ બબાલ હતી. કિસ્સો લવ ટ્રાય એંગલનો હતો. લવ ટ્રાય એંગલમાં જ આરોપીએ વિદ્યાર્થીનું અપહરણ કરી લીધું હતું.

શું છે સમગ્ર મામલો ?

અમદાવાદના ચાણક્યપુરીમાં રહેતા અને સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતાં રિતેષ પટેલનું 24 માર્ચે અપહરણ થયું હતું. કારમાં આવેલા ચાર શખ્સોએ પહેલાં રિતેષ સાથે બબાલ કરી હતી અને ત્યારબાદ તેને ગાડીમાં લઈને જતાં રહ્યા હતા. એટલું જ નહીં આરોપ છે કે, અપહરણકર્તાઓએ વિદ્યાર્થીને ગુપ્ત ભાગે માર મારી, નગ્ન કરી અને વીડિયો પણ બનાવ્યો હતો અને આ વીડિયોના આધારે બ્લેકમેઈલિંગ શરૂ કર્યું હતું.

સમગ્ર ઘટના અંગે વિદ્યાર્થીએ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસમાં સામે આવ્યું કે, સમગ્ર ઘટના પાછળ એક યુવતી છે.

લવ ટ્રાયએંગલ

રિતેષ પટેલ છેલ્લા 6 વર્ષથી એક યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો. યુવતી અને રિતેષ બંને એક જ ગામના હોવાથી બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમનું ફૂલ ખીલ્યું હતું.  જ્યારે બીજી તરફ મિત પટેલ નામનો યુવક યુવતીનો બીજો પ્રેમી છે. જે છેલ્લા 6 મહિનાથી જ યુવતીના સંપર્કમાં આવ્યો હતો. મિત પટેલ ડી.જેનું કામ કરે છે. 6 મહિના પહેલાં એક ડી.જે પાર્ટીમાં યુવતી અને મિત સંપર્કમાં આવ્યા હતા અને યુવતી સાથે પ્રેમાલાપ શરૂ થયો હતો.

મિત પ્રેમિકાના મોબાઈલમાં મેસેજ જોઈ ગયો હતો

એક દિવસે મિત પટેલ પોતાની પ્રેમિકાના મોબાઈલમાં રિતેષ સાથેની વાતચીતના મેસેજ જોઈ ગયો હતો. પહેલાં તો મિતે પોતાની પ્રેમિકા સાથે ઝઘડો કર્યો હતો જો કે, પ્રેમિકાએ મિતને કહ્યું હતું કે રિતેષ તેને મારવાની ધમકી આપી અને બ્લેકમેઈલ કરી રહ્યો છે. તે સંબંધ રાખવાનું પણ જણાવી રહ્યો છે જેથી તે તેની સાથે વાતચીત કરી રહી છે.

પ્રેમિકાની વાત સાંભળી ઉશ્કેરાયો મિત

પ્રેમિકાની વાત સાચી માનીને મિત પટેલ ઉશ્કેરાઈ ગયો હતો અને રિતેષને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ મિત પટેલે પોતાના મિત્રો ચિરાગ યાદવ, દીપક પટેલ અને સૌરીન પટેલને સાથે રાખી રિતેષના અપહરણની યોજના ઘડી હતી. આરોપીઓએ પહેલાં રિતેષની રેકી કરી હતી ત્યારબાદ 24 માર્ચે રિતેષનું અપહરણ કરી તેને માર માર્યો હતો અને પ્રેમિકાથી દૂર રહેવા જણાવ્યું હતું.

આરોપીની ધરપકડ

હાલ પોલીસે આ કેસમાં આરોપી મિત પટેલ, દીપક પટેલ, ચિરાગ યાદવ અને સૌરીન પટેલ નામના યુવકોની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ શરૂ કરી છે. આરોપી પાસેથી પોલીસને ફરિયાદી યુવકનો વીડિયો મળ્યો નથી. આરોપીએ આ વીડિયો ડિલિટ કરી દીધો હવાનું જણાવ્યું છે. જેથી પોલીસે આરોપીનો મોબાઈલ FSLમાં મોકલ્યો છે. FSLના રિપોર્ટમાં વધુ ખુલાસા થશે.

આ ઉપરાંત પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે, આરોપી સાથે અન્ય કોઈની સંડોવણી છે કે નહીં.  તેમજ આરોપીનો કોઈ ગુનાહિત ઈતિહાસ છે કે કેમ. તપાસમાં વધુ વિગતો ચોંકાવનારી વિગતો પણ સામે આવી શકે છે.

તાજેતાજો ઘાણવો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments