Team Chabuk-Gujarat Desk: અમદાવાદના ઈસ્કોન બ્રિજ (iskcon bridge) પર ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતથી ઈસ્કોન બ્રિજ પર લોહીના ખાબોચીયા ભરાય ગયા હતા અને મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. આ અકસ્માત અમદાવાદ શહેરનો મોટો અકસ્માત માનવામાં આવી રહ્યો છે. આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનું મોત થયું છે. રાજપથ ક્લબ તરફથી આવી રહેલી કારે લોકોને અડફેટે લીધા હતા. આ જેગુઆર કાર લગભગ 160 કી.મીની ઝડપે આવી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. અને લોકો 25-30 ફૂટ દૂર ફંગોળાયા હતા. ઇસ્કોન બ્રિજ ઉપર થયેલા ગંભીર અકસ્માતમાં મૃતકના પરિવારજનો સોલા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે. હોસ્પિટલમાં સ્વજનોના કલ્પાંતથી હોસ્પિટલમાં ગમગીનીનો માહોલ ઉભો થયો છે.
સમગ્ર બનાવની વિગતે વાત કરીએ તો, ગત રાત્રે અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પરથી પસાર થતાં ડમ્પરની પાછળ મહિન્દ્રા થાર કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતને જોવા માટે લોકોના ટોળા બ્રિજ પર એકઠાં થયા હતા. પરંતુ અકસ્માત જોઈ રહેલા આ લોકોને જ કાળ ભરખી જશે તેની કોઈને પણ જાણ નહતી. લોકો અકસ્માત જોઈ રહ્યા હતા તે દરમિયાન રાજપથ ક્લબ તરફથી પૂરપાટ ઝડપે જેગુઆર કાર બ્રિજ પર આવી હતી અને અકસ્માત જોઈ રહેલા લોકોના ટોળા પર ફરી વળી હતી. આ કારની સ્પીડ આશરે 160થી વધુની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ કાર અકસ્માત જોઈ રહેલા લોકોના ટોળા પર ફરી વળતા કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મોત થયા છે. મૃતકો અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગરના રહેવાસી છે. આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

આ બનાવમાં 6 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે જ્યારે અન્ય લોકોને સારવાર અર્થે સોલા સિવિલ લઈ જવામાં આવ્યા છે. અકસ્માત સર્જનાર જેગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવ બાદ સ્થાનિક પોલીસ અને અન્ય લોકો ત્યાં પહોંચ્યા હતા. જ્યારે અકસ્માત કરનાર કારની અંદર ગોતા વિસ્તારમાં કુખ્યાત ઈમેજ ધરાવતા વ્યક્તિનો દીકરો અને બીજા એક યુવક અને યુવતી પણ હતા. જેઓને પણ ઈજા થઈ હતી. આ બનાવ બાદ કાર ચાલકને લોકોએ સબક શીખવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેને કેટલાક લોકોએ બચાવીને સિમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બે ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે અસારવા ખસેડવામાં આવ્યા છે. જેમના નામ મિજાન શેખ,નારણ ગુર્જર છે. જ્યારે કારમાં બેઠેલી યુવતી અચાનક ગાયબ થઈ ગઈ હતી.
મૃતકોના નામ
- નિરવ રામાનુજ – ચાંદલોડિયા (ઉં.વ. 22)
- અક્ષય ચાવડા – બોટાદ (ઉં.વ. 21)
- રોનક રાજેશભાઈ વિહલપરા – બોટાદ (ઉં.વ.23)
- ધર્મેન્દ્રસિંહ (પોલીસ કોન્સ્ટેબલ) (ઉં.વ. 40)
- કૃણાલ કોડિયા – બોટાદ (ઉં.વ. 23)
- અમન કચ્છી -સુરેન્દ્રનગર (ઉં.વ. 25)
- અરમાન અનિલભાઈ વઢવાણિયા – સુરેન્દ્રનગર (ઉં.વ. 21)
- નિલેશ ખટીક-(હોમગાર્ડ જવાન) (ઉં.વ. 38)
આ અકસ્માત અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનોને 4-4 લાખની સહાય અને ઈજાગ્રસ્તોને 50-50 હજારની સહાયની જાહેરાત કરી છે.
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 20, 2023
શહેરના ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં 9 લોકોના જીવ લેનાર નબીરાની ઓળખ તથ્ય પટેલ તરીકે થઈ છે. જે એસ.જી હાઈવે પર મોડી રાત્રે પુરપાટ ઝડપે કાર હંકારી રહ્યો હતો. 9 લોકોના મોતનું કારણ બનેલા નબીરા તથ્ય પટેલના પિતા પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેઓ ગેંગરેપના કેસમાં આરોપી છે. ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર ચલાવીને જીવલેણ અકસ્માત સર્જનારા તથ્ય પટેલની સાથે કારમાં બે યુવતી હોવાનું પણ સામે આવી રહ્યું છે. સાથે જ ગાડીમાંથી પર્સ મળી આવ્યું છે. વિગતો મુજબ તથ્ય પટેલના પિતા પ્રગ્નેશ પટેલ બિલ્ડર છે અને ગોતાના રહેવાસી છે. તેમની સામે 2020માં રાજકોટની યુવતી પર ગેંગરેપનો કેસ નોંધાયો હતો અને આ કેસમાં તે આરોપી છે.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત