Homeગુર્જર નગરીમેઘરાજાની સાર્વત્રિક કૃપાવૃષ્ટી, હજુ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ

મેઘરાજાની સાર્વત્રિક કૃપાવૃષ્ટી, હજુ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ

Team Chabuk-Gujarat Desk: ગઈકાલે હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી મુજબ મેઘરાજા મંડાયા હતા. રાજકોટ, ગોંડલ, પાટણ, અમદાવાદ, દક્ષિણ ગુજરાત સહિતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ રમઝમાટી બોલાવી દીધી હતી. અમદાવાદમાં ગઈકાલે સાંજના વાતાવરણમાં પરિવર્તન આવ્યું હતું. કાળા ડિબાંગ વાદળો છવાય ગયા હતા અને સાંજના સાડા છ આસપાસ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જોકે અગાઉ જે રીતે અમદાવાદમાં કડાકા-ભડાકા ને વીજળી-પવનના ગઠબંધન સાથે વરસાદ પડતો તેના કરતા સાવ વિપરિત દૃશ્ય હતું.

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ચોમાસુ જામ્યું છે. તેમાંય દક્ષિણ ગુજરાતમાં દાટ વાળી દીધો છે. અહીં મેઘરાજા થંભવાનું નામ નથી લઈ રહ્યાં. ગત વીકેન્ડ બાદ આ વીકેન્ડમાં પણ મેઘરાજાએ લોચનપીપાસુઓને મજા કરાવી દીધી હતી અને આ મજા આગામી ત્રણ દિવસ સુધી બરકરાર રહેવાની છે. હવામાન વિભાગે આગળ પણ ત્રણ દિવસ સુધી વરસાદ પડવાની આગાહી કરી છે.

ગઈકાલે રાજકોટમાં મેઘરાજાએ વિસ્ફોટક ઈનિંગ રમી હતી. મોરબી હાઈવે, આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, ઈન્દિરા સર્કલ, રૈયા રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રસ્તેથી પસાર થતા લોકોએ પણ માંડ માંડ બિરાજેલા મેઘરાજાને વધાવી લીધા હતા. કોઈ દુકાન કે ઝાડની નીચે ઊભા રહી મેઘરાજાથી બચવાની જગ્યાએ તેમણે પલળવાનું પસંદ કર્યું હતું. રાજકોટમાં બપોરના બાર વાગ્યા બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. રાજકોટમાં પણ ત્રણ દિવસ સુધી મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવ રે વરસાદ: ખેડૂત

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. વરસાદ આવવાની આશ માંડીને જગતનો તાત બેઠો છે. આ વર્ષે વાવેલ પાક વરસાદ ખેંચાવાના કારણે સુકાવા લાગ્યો છે. જેમાં કપાસ, મગફળી, અડદ સહિતના પાકોનો સમાવેશ થાય છે. વરસાદ વરસે છે અને ધોધમાર વરસે છે તો ખેડૂતો ઉપર મેઘરાજાની કૃપાવૃષ્ટી કહેવાશે. નહીં તો આ વખતે સૌરાષ્ટ્રમાં આવેલ તાઉતે વાવાઝોડાએ જે રીતે ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો જૂટવી લીધો હતો તેવી રીતે વરસાદ જૂટવી લે તો નવાઈ નહીં.

ગોંડલમાં બઘડાટી

રાજકોટની નજીક આવેલા ગોંડલ પંથકમાં પણ વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. માત્ર 4 કલાકમાં અહીં 5 ઈંચ વરસાદ વરસી જતા ગોંડલ પાણી પાણી થઈ ગયું હતું. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો ઘણા વિસ્તારો ગોઠણભેર પાણીમાં આવી ગયા હતા. સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદના કારણે બાળકો પણ ઘરમાં પુરાવાની જગ્યાએ મેઘરાજાની સવારીનો લુત્ફ ઉઠાવવા માટે ઘરની બહાર નીકળી ગયા હતા.

હજુ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

જણાવી દઈએ કે બંગાળના અખાતમાં લો પ્રેશર સર્જાવાના કારણે તારીખ 27 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવારના રોજ હવામાન વિભાગે નવસારી, ડાંગ, વલસાડમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદમાં ગુજરાતનો કોઈ વિસ્તાર સૌથી વધારે ભીંજાયો હોય તો તે દક્ષિણ ગુજરાત છે. જ્યાં મેઘરાજા રોકાવાનું નામ નથી લઈ રહ્યા. દક્ષિણ ગુજરાત સિવાય સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં શનિવારે પડેલા વરસાદમાં સૌથી વધારે ગોંડલમાં ખાબક્યો હતો. જ્યાં ચાર કલાકમાં પાંચ ઈંચ વરસાદે તળાવ જેવી સ્થિતિ ઊભી કરી દીધી હતી. હજુ પણ રાજ્યમાં કુલ સિઝનનો ત્રીસ ટકા વરસાદ જ નોંધાયો છે. આઠથી દસ ટકા વરસાદની ઘટ છે. જેની આજે રવિવારના દિવસે પૂર્તિ થાય છે કે નહીં તે જોવાનું રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments