રૂપલ મહેતા: આ આજકાલ મોટાભાગનાં ઘરોની સવારનો સમય છે, અગર તો કહો કે રૂટીન છે. ઘરની ગૃહિણી દોડાદોડ કરી રહી છે. તેણી પોતાનાં બાળકોને તૈયાર કરી રહી છે. સવારના નાસ્તા માટે દોડી રહી છે. પતિદેવનું ટીફીન કરવા ભાગી રહી છે. વડીલોને ચા-કોફી કે દૂધ આપવા દોડી રહી છે. બપોરના ભોજનની ચિંતા છે. કપડાં કે વાસણ કરવાનાં બાકી છે. અને કામવાળીનો ફોન આવે છે, મેડમ આજે હું નહી આવી શકું. ફોન મુકીને તે બમણી ગતિએ બધું પતાવવા દોડે છે. મનમાં ગોઠવ્યું કે કપડાં આવીને ધોઈશ, વાસણ કરી લઉં. બધાના સવારના નાસ્તાની ગોઠવણી કરી તે વાસણ કરવામાં લાગી ગઈ. એટલામાં નાસ્તાના ટેબલ પરથી અવાજ આવ્યો. મોમ મારે આજે આ નાસ્તો નથી કરવો. તે દોડી એ તરફ! શું છે? આ નાસ્તામાં વાંધો? નાં મોમ મારે ભાખરી નહી, બીજું કઈ જોઈએ છે. તો અંદર જઈને લઇ લે. મારે હજી ઘણાં કામ પતાવવાના બાકી છે. નાં મોમ તું આપ ને.
આ તું આપ, તું આપ વાળો મામલો થોડો લાંબો ચાલે ને એટલામાં વડીલોમાંથી કોઈ બોલી ઉઠે કે, પતિદેવ બોલી ઉઠ્યા, ‘અરે આપી દે ને તેને જે જોઈએ તે!’
તે ગૃહિણીથી બોલી જવાય, ‘મારે પણ ઓફિસે જવાનું છે, કેટલાયે કામ પડ્યાં છે, તમે લોકો કેમ હંમેશાં બાળકોનો જ પક્ષ લ્યો છો? એને પણ સમજાવો કે તમારી મમ્મી બે બે મોરચે લડી રહી છે. થોડી મદદ તમે પણ કરો એને, તો એને પણ સારું રહે.’
‘અમે ક્યા કહીએ છીએ કે તું બે બે મોરચે લડ?’ વડીલોમાંથી કોઈનો આવો જવાબ આવે અને એ ગૃહિણી કે જેને આજકાલ લોકો ‘વર્કિંગ-વૂમન’ તરીકે વધારે ઓળખે છે, એને એક જ સવાલ થાય કે આવા સમયે પતિદેવ કેમ મારા પક્ષમાં કશું ના બોલ્યાં? ને એ સહમીને, સામે પડેલો કામનો ઢગલો જોઇને, વળી કામે લાગી જાય.
બધા પોત-પોતાના રસ્તે જતાં રહે, પછી એ વધેલું કામ પૂરું કરીને પોતાની ઓફિસે કે કામ કરવાના સ્થળે જાય પણ પેલા શબ્દો હજુ કાનમાં ગુંજતા રહે છે. ઓફિસમાં દરેક ‘વર્કિંગ-વુમન’ પોતાની આ જ કથા કરે છે. યાર આટલું આટલું કરીએ, ઘર માટે, પણ કોઈ આપણને સપોર્ટ કરતું નથી. ઓફિસે પણ એટલું કામ છે. વચ્ચે વચ્ચે ફોન કરીને ઘરની સંભાળ તેઓ લેતી રહે છે. સાંજે છુટવાનો સમય થાય છે, ઘરેથી ફોન આવે છે, આજે ત્રણ સંબંધી જમવા આવવાનાં છે, જરૂરી વસ્તુઓ લઈને આવજે. છૂટવાનો આનંદ જાણે કે પળવારમાં વિસરાઈ ગયો. બધી વસ્તુઓ લઇ, ઓફિસેથી ઘરે પહોંચવા સુધીમાં આજ સાંજ કેવી જશે? એની તસ્વીર તેની નજર સામેથી પસાર થઇ ગઈ. ઘરે પહોંચીને જુએ છે, તો સવારે ઘર જેવું છોડીને ગઈ હતી, એ જ હાલતમાં હતું. બેટા, આવી ગઈ, હવે બધા માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરી દે જે, હું કરી દેત પણ, મામાજીને ના ગમત કે વહુ છે, છતાં તારે કામ કરવું પડે છે! તારી મામીજીનો સ્વભાવ તો તને ખબર જ છે ને? આખા કુટુંબમાં આપણને વગોવી નાખે! ત્યાં તો પાછળ પાછળ મામીજી આવે છે, લે બેટા આવી ગઈ, થાકી ગઈ હોઈશ, કાં? મને પણ તારી જેમ ઓફિસે જતી વહુ જ જોઈએ છે. આજકાલ તો ટ્રેન્ડ છે બેટા, બધાને ‘વર્કિંગ-વૂમન’ જ ગમે છે, એ જ તો સ્માર્ટ લાગે! કેમ સાચું ને? બેટા. મેં તો કહ્યું તારી સાસુને ચાલ ચા-નાસ્તો બનાવી લઈએ, એ બિચારી ઓફિસેથી થાકી-પાકી આવે, આપણે તેને થોડી મદદ તો કરવી જોઈએ ને? પણ એને નાં પાડી, બાકી તો અમે…. ચાલો ભાભી બહાર બેસીએ, એ તો હવે એ બધું સંભાળી લેશે. બંને બહાર જાય છે, અને વર્કિંગ,સ્માર્ટ વૂમન વિચારતી રહે છે, આ વર્કિંગ વૂમન શબ્દ તો બહુ છેતરામણો લાગે છે, વર્કિંગ વૂમન આર્થિક કે સામાજિક રોતે વધુ સ્વ-તંત્ર થઇ છે કે વધુ ગુલામ? ગૃહિણી તો એક જ મોરચે લડે છે, પણ વર્કિંગ-વૂમન?
સ્ત્રી-સશક્તિકરણ, જે કેટલાક નવા શબ્દો આપ્યા છે, એમાંનો એક આ શબ્દ છે. આપણી પાસે એક નક્કી કરેલી કુટુંબ-વ્યવસ્થા હતી. સ્ત્રી ઘર સંભાળે અને પુરુષો ઘરની આર્થિક વ્યવસ્થા સંભાળે. આપણે સૌ આ વર્ગીકરણને બહુ જડ રીતે વળગી રહ્યા! સ્ત્રીઓ એ આ બધું સ્વીકારી પણ લીધું હતું, પણ એના સ્વીકારને તેની નબળાઈ માની લેવામાં આવી અને સ્ત્રીઓનું સ્થાન ઘરની ચાર દીવાલો પુરતું સીમિત થઇ ગયું. તેઓના શિક્ષણ પર અને બાકીના તમામ હકો પર જાણે તરાપ મારી દેવામાં આવી.
આપણો માતૃ-પ્રધાન અને સ્ત્રીઓને સ્વતંત્રતા આપવામાં માનતો સમાજ પિતૃ-પ્રધાન અને પુરુષપ્રધાન થઇ ગયો. જે કુટુંબ-વ્યવસ્થામાં સ્ત્રીઓનો ૫૦% શેર હોવો જોઈએ, તે ૦.૫ % જેટલો પણ ના રહ્યો! સમાજ સ્પષ્ટ રીતે દીકરાઓ અને દીકરીઓમાં વહેંચાઇ ગયો. આપણે ત્યારબાદ કયારેય સ્ત્રીઓ માટે સલામત સમાજની રચના કરી શક્યા નથી. ને પરિણામે કેટલાયે લોકોના પ્રયાસો છતાં સ્ત્રીઓની પરિસ્થિતિમાં કોઈ વધુ સુધારો જોવા મળતો નથી.
આઝાદી બાદ અને ખાસ તો છેલ્લા પંદર-વીસ વર્ષોથી સ્ત્રીઓમાં શિક્ષણ વધ્યું છે, અને તેઓ પણ ઘરની ચાર દીવાલોમાંથી બહાર આવી છે. તેઓને પણ પોતાના અસ્તિત્વ વિષે સભાન થવાના મોકાઓ મળવા લાગ્યા છે. સ્ત્રીઓના અધિકારો વિષે ઘણી જાગૃતિ આવી છે. જો કે ભ્રુણ-હત્યાના આંકડાઓ ઘટ્યા નથી, એ એક વાત અલગ અને આશ્ચર્ય-જનક છે.
સ્ત્રીઓ આર્થિક રીતે પગભર હોવી જોઈએ એ ખ્યાલમાંથી ‘વર્કિંગ-વૂમન’ નો કોન્સેપ્ટ આવ્યો છે. સ્ત્રીઓ લગભગ દરેક ક્ષેત્રે કામ કરી રહી છે, ઘણા ઊંચા હોદ્દાઓ પણ એ શોભાવી રહી છે. ટૂંકમાં પુરુષોની આર્થિક મોનોપોલી તેણે તોડી નાખી છે, પણ પ્રશ્ન એ છે કે સામાજિક માળખાનું શું?
સમાજમાં પરિવર્તન આવે, એમ આપણે પણ બદલાવવું પડતું હોય છે. અન્ય દેશોમાં સ્ત્રીઓ અને પુરુષોની કામગીરી બાબતે આવું વર્ગીકરણ જોવા મળતું નથી. આપણો દેશ કદાચ હજી ‘વર્કિંગ-વૂમન’ ને સ્વીકારી શક્યો નથી. જો તેને ઘરની બહાર કામ કરવું છે, તો કરે, પણ ઘર પણ સંભાળવું જ પડશે! અગાઉની તમામ જવાબદારીઓ પણ સંભાળવી પડશે! બીજાની ક્યા વાત કરવી, ખુદ સ્ત્રી પણ સ્ત્રીના આ સ્વરૂપને સ્વીકારી શકી નથી. સાસુઓ હજી માં બની શકી નથી! ઓફિસેથી કે કોઈપણ સ્થળેથી કામ કરીને આવેલી સ્ત્રી માટે ચા કે કોફીનો એક તૈયાર કપ પણ મળતો નથી. દીકરાઓ થાકી જાય છે, પણ વહુઓ કદી થાકતી નથી! તેણે તો આર્થિક સાથે સામાજિક જવાબદારીઓ નીભાવવાની જ! ઉપર તમને જે દૃશ્ય મેં દેખાડ્યું એ બદલાવવું જરૂરી છે. હજી એ દૃશ્યમાં જવાબદારીઓનાં અનેક રંગો ઉમેરવાનાં બાકી છે.
વિચારો તો ખરા, આપણે ક્યા આધાર પર સ્ત્રી-સશક્તિકરણની વાતો કરી રહ્યા છીએ. જે ઘરમાં પુરુષ આર્થિક રીતે સદ્ધર ના હોય અને સ્ત્રીઓને કમાવા બહાર નીકળવું પડતું હોય, એ ઘરમાં પણ આજ પરિસ્થિતિ છે! અમુક જ્ઞાતિઓમાં તો સ્ત્રીઓ આખો દિવસ કામ કરીને પૈસા કમાય અને પુરુષો એ પૈસાથી દારુ પીને સ્ત્રીઓને જ મારે! છતાં સ્ત્રીઓને પતિનું ઘર છોડવાની મનાઈ હોય છે. આપણે ચંદ્ર, મંગળ પર પહોંચીને જોઈશું તો ત્યાંથી પણ આવા દૃશ્યો દેખાશે જરૂર!
સ્ત્રીઓ બદલાઈ રહી છે, આપણું આર્થિક માળખું બદલાઈ રહ્યું છે તો કુટુંબોએ અને સમાજે પણ બદલાવું પડશે. કામ કરતી સ્ત્રીઓ પ્રત્યે આપણે પણ હકારાત્મક થવું પડશે. દીકરાઓને પણ દીકરીઓની જેમ ઘરનાં કામ શીખવવા પડશે. ખાસ કરીને સ્ત્રીઓ એ સ્ત્રીઓના આ બદલાયેલા સ્વરૂપને સ્વીકારવા તરફ વળવું પડશે. અમને ના મળ્યું એ તમને પણ ના મળે એ ‘પૂર્વગ્રહ’ માંથી બહાર આવવું પડશે. ખાસ કરીને જે સ્ત્રીઓ પોતાના શોખ માટે ‘વર્કિંગ-વૂમન’ બની છે, તેઓ તરફનું આપણું વલણ બદલાવવું પડશે. થોડીક જવાબદારીઓ તેઓની ઘરનાં સભ્યોએ વહેંચી લેવી પડશે. વર્કિંગ-વૂમનને હેલ્પિંગ-હેન્ડ આપવો પડશે.
તેઓની શારીરિક અને માનસિક તંદુરસ્તીને મહત્વ આપવું જોઇશે. જે સ્ત્રીઓ ઘર અને ઓફીસ વચ્ચે સમતુલા સાધવાનો પ્રયાસ કરી રહી છે, તેઓને એ સંતુલન સ્થાપવામાં મદદ કરવી પડશે. ઘરને આર્થિક સદ્ધરતા આપવા મથતી એ સ્ત્રીને સદ્ધર કરવી જોઇશે. પુરુષોએ પણ તેને ઘરકામમાં મદદનો હાથ લંબાવવો પડશે. ટૂંકમાં તેઓ પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ બદલવાનો રહેશે.
સ્ત્રીઓ પ્રત્યેની આપણી માનસિકતા બદલવાનો આ શ્રેષ્ઠ સમય છે. તેની ટીકા કરવાનો સમય વીતી ગયો, હવે તેઓને ટેકો આપીએ. તો સમાજનો આધારસ્તંભ વધુ મજબુત બનાવી શકીશું. સ્ત્રી-સ્ત્રી કે સ્ત્રી-પુરુષ એકબીજાના પ્રતિ-સ્પર્ધી નથી, બસ એટલું યાદ રાખીએ..
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા