Homeગુર્જર નગરીકોંગ્રેસનો સરકાર પર આરોપ, ભૂતકાળમાં જાહેરાત બાદ યોગ્ય સહાય નથી મળી

કોંગ્રેસનો સરકાર પર આરોપ, ભૂતકાળમાં જાહેરાત બાદ યોગ્ય સહાય નથી મળી

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં આવેલું તૌકતે નામનું વાવાઝોડું રાજ્યને ખેદાન મેદાન કરીને ચાલ્યું ગયું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે વાવાઝોડું દક્ષિણ રાજસ્થાન પહોંચ્યું છે. જો કે હજુ પણ હવામાન વિભાગે અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. વાવાઝોડાની વિદાય બાદ હવે સર્વેની કામગીરી ચાલી રહી છે ત્યારે વિપક્ષ દ્વારા ઝડપથી સહાય ચૂકવવા માગ કરવામાં આવી છે.

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વાવાઝોડાથી થયેલા નુકસાન અંગે નિવેદન આપ્યું છે. અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતમાં કુદરતી આફતના કારણે ગંભીર નુકસાન થયું છે. ખેતી અને લોકોની સંપત્તિને મોટું નુકસાન થયું છે. નાળિયેરી, કેરી, પપૈયા સહિતના બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. તેથી નુકસાનીનો તાત્કાલિક સર્વે કરવામાં આવે. વૃક્ષોનો નાશ પામ્યો છે તેનો પણ સર્વેમાં સમાવેશ કરવામાં આવે.

અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, ઉદ્યોગોને સહાયને બદલે ખેડૂતોને વધારે સહાય કરવામાં આવે. વડાપ્રધાનના હવાઈ સર્વે અંગે ચાવડાએ કહ્યું કે, હવાઈ નિરીક્ષણને બદલે જમીની નિરીક્ષણ કરવું જોઈએ. જમીની સ્તરે લોકોની મદદ થાય એ જરૂરી છે. ભૂતકાળમાં રાહત પેકેજની જાહેરાત થયા બાદ અસરગ્રસ્તોને યોગ્ય સહાય મળી ન હોવાનો પણ સરકાર પર આરોપ અમિત ચાવડાએ લગાવ્યો હતો.

અમિત ચાવડાએ તૌકતે વાવાઝોડાના કારણે થયેલા નુકસાનના સર્વેની કામગીરી ત્રણ દિવસમાં પૂર્ણ કરીને 15 દિવસમાં સહાય ચૂકવવા સરકાર સમક્ષ માગ કરી છે.

મહત્વનું છે કે, વાવાઝોડાના કારણે રાજ્યમાં મોટાપ્રમાણમાં નુકસાન થયું છે. ડિઝાસ્ટર વિભાગના પ્રાથમિક સર્વેના ડેટા પ્રમાણે રાજ્યમાં આશરે 3 હજાર કરોડનું નુકસાન થયાનો અંદાજ છે. કૃષિ, ઉર્જા અને માર્ગ મકાન વિભાગમાં સૌથી વધુ નુકસાન થયું છે. ઉર્જા સેક્ટરમાં અંદાજિત 1400 કરોડનું નુકસાન થયાનું અનુમાન પ્રાથમિક સર્વેના ડેટા પરથી માલુમ પડી રહ્યું છે. કૃષિ વિભાગમાં પણ 1200 કરોડનું નુકસાન થયાનો અંદાજ છે. કેરીના પાકમાં જ અંદાજે 60 કરોડનું નુકસાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં થયું છે. 13800 હેક્ટરમાં આંબા ઝપેટમાં આવી ગયા છે. રોડ અને બિલ્ડીંગ ક્ષેત્રમાં આશરે 50 કરોડના નુકસાનનો અંદાજ છે. જ્યારે અન્ય ક્ષેત્રમાં 350 કરોડનું નુકસાન થયાનો અંદાજ લગાવાઈ રહ્યો છે.

જો કે, નુકસાન અંગે હજુ સત્તાવાર કોઈ જાહેરાત કરાઈ નથી પરંતુ હાલની સ્થિતિને જોતાં હજારો કરોડોનું નુકસાન થયો હોવાનું બહાર આવી રહ્યું છે. ખેડૂતો પણ પાક નિષ્ફળ જતાં સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે. આંબા અને નાળિયેરની ખેતી કરતાં ખેડૂતોની વર્ષોની મહેનત પર પાણી ફરી ગયું છે. વર્ષોની મહેનત બાદ ઉગાડેલા આંબા અને નાળિયેરી મૂળ સમેત ઉખડી ગયા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments