Homeગુર્જર નગરીહાય રે કોરોના... અમદાવાદમાં ફરી બસના પૈડા થંભ્યા

હાય રે કોરોના… અમદાવાદમાં ફરી બસના પૈડા થંભ્યા

Team Chabhuk-Gujarat Desk: માર્ચ મહિનો 2020ના માર્ચની યાદ અપાવી રહ્યો છે. ધીમે ધીમે ગુજરાતની ગતિ ફરીથી રોકાઈ રહી છે. પહેલાં કર્ફ્યૂ લાદ્યો પછી બાગ બગીચા બંધ થયા હવે અમદાવાદમાં બસના પૈડા પણ ફરીથી રોકાઈ ગયા છે. આવતીકાલથી અમદાવાદમાં AMTS અને BRTS બસ નહીં દોડે. કોરોનાના કેસ વધતાં તંત્રએ આગામી નિર્ણય સુધી બસ બંધ કરી છે. ગુજરાતના મહાનગરોમાં કોરોના વાયરસના કેસ ધીમે ધીમે ગતિ પકડી રહ્યા છે. 200થી 300ની અંદર રહેતા કોરોનાના કેસે હવે 10 ગણી સ્પીડ પકડી લીધી છે. અમદાવાદ બાદ હવે સુરતમાં પણ લોકલ બસ બંધ કરાઈ શકે છે. કારણ કે હાલ અમદાવાદ કરતા સુરતની સ્થિતિ વધુ ખરાબ છે.

ગુજરાતમાં વધ્યા કોરોનાના કેસ

રાજ્યમાં કોરોના વાયરસના કેસે બુલેટની ગતિ પકડી છે.  બુધવારે એક દિવસમાં રાજ્યમાં કોરોનાના કેસે 1 હજારનો આંકડો પાર કરી લીધો હતો. બુધવારે રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના 1 હજાર 122 કેસ નોંધાયા અને કુલ 3 દર્દીઓના મૃત્યું થયા. બીજી તરફ 775 દર્દીઓ સાજા પણ થયા છે. જો કે, કોરોનાનો રિકવરી રેટ ફરી ઘટ્યો છે. હાલ રિકવરી રેટ ઘટીને 96.54 ટકાએ પહોંચી ગયો છે.

ડાંગ, બોટાદમાં પણ કોરોનાની એન્ટ્રી

બીજી તરફ ડાંગ અને બોટાદમા પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. બે દિવસ પહેલાં રાજ્યના પાંચ જિલ્લામાં એક પણ કેસ નોંધાયો ન હતો. મંગળવારે આ પાંચ જિલ્લામાંથી 3 જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ હતી. જેમાં ડાંગ અને બોટાદમાં એક પણ કેસ નોંધાયો ન હતો. જો કે, હવે ડાંગ અને બોટાદમાં પણ 1-1 કોરોનાના કેસ નોંધાઈ ચુક્યા છે. આમ રાજ્યના તમામ જિલ્લાઓમાં હાલ કોરોનાના સક્રીય કેસ છે જેથી લોકોએ સાવચેતી રાખવી પડશે. જો ભૂલમાંથી હજુ નહીં શીખીએ તો આગામી સમયમાં તેનું પરિણામ આપણે જ ભોગવવું પડશે.

સુરત અને અમદાવાદની સ્થિતિ ખરાબ

સુરતમાં કોરોનાના દૈનિક કેસનો આંકડો 300ને પાર પહોંચી ગયો છે. બુધવારે એક દિવસમાં સુરતમાં 315 નવા કેસ નોંધાયા છે. જ્યારે 205 દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતા. આ તરફ અમદાવાદમાં પણ કોરોનાના કેસનો આંકડો 250ને પાર પહોંચી ગયો છે. બુધવારે એક દિવસમાં અમદાવાદમાં 264 નવા કેસ નોંધાયા છે. જ્યારે 205 દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. વડોદરામાં પણ કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસમાં વધારો થયો છે. વડોદરામાં બુધવારે એક દિવસમાં 97 કેસ નોંધાયા હતા જ્યારે 75 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આ તરફ રાજકોટમાં પણ 88 નવા કેસ નોંધાયા હતા જેની સામે 71 દર્દી સાજા થયા હતા.

એક્ટીવ કેસ વધ્યા

જિલ્લાઓમાં કોરોનાના કેસ વધતાં કોરોનાના એક્ટીવ કેસમાં પણ વધારો થયો છે. વધુ 1122 કેસ નોંધાતા રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 5 હજાર 310 પર પહોંચી ગયો છે. જેમાંથી 61 દર્દીઓની હાલત ગંભીર છે.

વેક્સિનેશન અભિયાન

રાજ્યમાં રસીકરણ અભિયાનને પણ વેગ આપવામાં આવ્યો છે. કોરોના સામે લડવામાંં રસી રામબાણ ઈલાજ છે. બુધવારે રાજ્યમાં કુલ 67 હજાર 734 લોકોને કોરોનાની વેકિસનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. રસીકરણની કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે હવેથી તમામ મહાનગરોમાં રાત્રીના સાડા નવ વાગ્યા સુધી કોવિડ રસીકરણની કામગીરી કરવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments