Homeગુર્જર નગરી2020 અને 2021 એટલે કઠણાઈઓનું વર્ષ - અશોક સરિયા

2020 અને 2021 એટલે કઠણાઈઓનું વર્ષ – અશોક સરિયા

અશોક સરિયા: ૨૦૨૦ અને ૨૦૨૧ના વર્ષો કોરોનાકાળમાં ખપી ગયા. તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ ઠપ્પ થઇ ગઇ. ઉદ્યોગ ધંધા અને રોજગારને મોટી અસર પહોંચી. બે વર્ષમાં આવેલી બે લહેરોએ દુનિયાભરના માનવ સમુદાયને અસ્તવ્યસ્ત કરી મુક્યા. ત્રીજી લહેરની પણ સંભાવનાઓ હતી, પરંતુ રસિકરણના અભિયાને લોકોના સ્વાસ્થ્યને સુરક્ષા આપવામાં ઘણો જ મોટો ફાળો આપ્યો છે.

ભારતમાં રસિકરણનો આંક 100 કરોડને પાર થયો છે. જેથી હવે ત્રીજી લહેરની આશંકાઓ ઘણા અંશે ટળી છે. છતાં પણ આપણે આપણી સાવચેતીમાં રહેવું હિતાવહ રહેશે. ચાલું વર્ષે પણ ચોમાસાનું એક અલગ રૂપ જોવા મળ્યું છે. શરૂઆતમાં તૌકતે વાવાઝોડું. ત્યાર બાદ થોડો વરસાદ અને લાંબા સમયની ખેંચ બાદ વરસાદ થયો અને એમાં પણ કેટલિક જગ્યાએ અતિવૃષ્ટિની સ્થિતિનું નિર્માણ થયું, તો કેટલાક વિસ્તારોમાં વ્યવસ્થિત પૂર પણ નિકળ્યા નથી. આવી અસમતોલ સ્થિતિ સર્જાઇ છે. ખેતીમાં આ વાતાવરણે ઘણી જ પ્રતિકૂળ અસર પહોંચાડી છે.

પ્રથમ વરસાદની ખેંચમાં કેટલાક પાકો નિષ્ફળ જવાની અણિ ઉપર આવી ગયા હતાં, તો પછી અતિવૃષ્ટિએ તૈયાર થયેલા પાકો ઉપર પણ પાણી ફેરવી દીધું. જો કે પાછતરા સારા વરસાદે મોટાભાગના જળાશયો ભરી દીધા છે એટલે હવે પછીના રવિ અને ઉનાળું પાકો માટે સારી આશા સેવી શકાય એવું ખરું. પરંતુ ખરીફ પાકોમાં ભાગ્યે જ ક્યાંક સારા વાના હશે.

ઉદ્યોગ ધંધાઓમાં પણ વિકટ સ્થિતિનું સર્જન થયું. પેટ્રોલ, ડિઝલ અને રો મટિરિયલના ભાવોના અતિ વધારાના લીધે કેટલાય એકમોને કઠિનાઇઓનો સામનો કરવો પડ્યો. આ બધામાં ભાવ વધારાનો એટલો ઉહાપોહ ઉપડ્યો કે લાગે બધાની હાલત બેવડી વળી ગઇ છે. પરંતુ સૌથી વધુ રો મટિરિયલ પૂરું પાડતું કૃષિ ક્ષેત્ર છે અને આ ક્ષેત્રના રો મટિરિયલમાં એવો કોઇ ભાવવધારો આવ્યો જ નથી. જ્યારે ખેડૂતે ખરીદવાની દરેક વસ્તુમાં રો મટિરિયલના ભાવવધારાની અસરે વધારે ભાવો આપવા પડે છે જ્યારે કે તેની પોતાની વસ્તુમાં એટલો ભાવ વધારો થતો નથી. છતાં પણ જો ક્યારેક અછત કે તંગીના લીધે કે પછી વચેટીયાઓની કોઇ રમતના લીધે કોઇ એકાદ કૃષિ ઉત્પાદમાં પણ જો થોડો અમથો ફૂગાવો સર્જાય જાય તો એ તમામ લોકો માટે અસહ્ય બની જાય છે અને ખેડૂતો જ જાણે કોઇ કિમિયાગર હોય એવી દૃષ્ટિથી તેને મુલવવામાં આવે છે. ખેડૂતોની ઓવરઓલ હાલત ગૌણ બની જાય છે. છતાં પણ ખેડૂતો ક્યારેય સ્વાર્થી નથી થયા અને સૌના પેટ પૂરતું અનાજ, શાકભાજી અને દૂધ ઉત્પાદન કરી પોતાને જે પણ ભાવ મળે એ ભાવમાં ચલાવીને પોતાનું પેટીયું રળે છે.

કપરા કાળનું વર્ષ વીતી ગયું અને હવે ચાલું થયેલું નવું વર્ષ આપણા સૌ માટે સારાવાના લઇને આવે એવી આશા કરીએ. છેલ્લા વર્ષોમાં સર્જાયેલી કપરી સ્થિતિનું નિવારણ થાય અને આગળનું વર્ષ આપણા ભાગ્યમાં રહે એવી અપેક્ષા રાખીએ. અંતે તો ધાર્યુ ધણીનું જ થવાનું છે પરંતુ આપણે આપણા પૂરુષાર્થના પગલાને હંમેશા આગળ ધપાવતા રહીએ અને જેટલું બને એટલું સારી સ્થિતિનું સર્જન થાય એવું વિચારતા અને કરતા રહીએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments