Team Chabuk-Sports Desk: ન્યૂઝીલેન્ડે સુપર-12 રાઉન્ડમાં અફઘાનિસ્તાનને પરાજય આપી ટી ટ્વેન્ટી વિશ્વકપની સેમીફાઈનલમાં આરામથી પોતાની જગ્યા બનાવી લીધી છે. ન્યૂઝીલેન્ડની જીત સાથે ભારત વિશ્વકપની સ્પર્ધામાંથી આઉટ થઈ ચૂક્યું છે. અંતિમ ત્રણ વર્ષથી આ સતત ત્રીજી આઈસીસી ટૂર્નામેન્ટ છે, જેમાં ન્યૂઝીલેન્ડ ભારતની ટીમ માટે પનોતી સાબિત થયું હોય. ભારત 2003 બાદ ન્યૂઝીલેન્ડને આઈસીસી ટૂર્નામેન્ટમાં નથી હરાવી શક્યું. ન્યૂઝીલેન્ડની ટીમે બાદમાં આઈસીસી ટૂર્નામેન્ટની નિર્ણાયક મેચમાં જ ઉત્કૃષ્ટ પ્રદર્શનના સહારે ભારતને 2019ના વિશ્વકપની સેમીફાઈનલમાંથી, વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાંથી અને હવે 2021ની ટી ટ્વેન્ટી વિશ્વકપની સેમીફાઈનલમાંથી આઉટ કરી દીધું છે.
2019ની સેમીફાઈનલ
ન્યૂઝીલેન્ડે ભારતને 18 રનથી પરાજય આપ્યો હતો. 2019ના વિશ્વકપની સેમીફાઈનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે મેચ હતી. ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતી પ્રથમ બેટીંગનો નિર્ણય લીધો હતો. ટીમે 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 238 રન બનાવ્યા હતા. કેપ્ટન કેન વિલિયમસન 67 અને રોસ ટેલરે 74 રનનો ફાળો આપ્યો હતો. જવાબમાં જ્યારે ટીમ ઈન્ડિયા મેદાન પર ઉતરવાની હતી, ત્યારે જ વરસાદનું વિઘ્ન નડ્યું હતું. એ પછી રિઝર્વ ડેના દિવસે મેચની શરુઆત થઈ. ન્યૂઝીલેન્ડની વિરૂદ્ધ ટીમ ઈન્ડિયાની મજબૂત દેખાતી બેટીંગ લાઈન અપ નબળી પડી ગઈ હતી. ભારતે ચાર ઓવરની અંદર જ રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલની વિકેટ ગુમાવી દીધી હતી. ન્યૂઝીલેન્ડના નવા સવા બોલર મેટ હેનરીએ બંને ઓપનિંગ બેટર્સને એક એક રન પર જ પવેલિયન મોકલી દીધા હતા. એક સમયે ભારતનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 92 રન હતો. ધોની અને જાડેજાએ અહીંથી ઈનિંગ સંભાળી હતી અને 116 રનની મજબુત ભાગીદારી નોંધાવી હતી. આમ છતાં મેચનું પરિણામ ભારતના ત્રાજવામાં નહોતું આવ્યું અને ભારત 18 રનથી મેચ હારી ગયું હતું.
વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ
ઈંગ્લેન્ડના સાઉથેપ્ટનમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ હતી. અહીં પણ ન્યૂઝીલેન્ડના બોલર્સે ભારતીય બેટ્સમેનોને પરેશાન કર્યા હતા. ભારતની ટીમ પ્રથમ ઈનિંગમાં 217 રન પર આઉટ થઈ ગઈ હતી. બીજી ઈનિંગમાં ભારતની ટીમ 170 રનમાં આઉટ થઈ. સતત બીજી વખત આઈસીસી ટૂર્નામેન્ટની ફાઈનલમાં ભારતની પરાજય ગાથા એ વાત સ્પષ્ટ કરી રહી હતી કે, કાં તો ટીમ દબાણ નહોતી સહન કરી શકી અથવા તો ન્યૂઝીલેન્ડની ટીમ ભારતને કાબુમાં કરવાની રીત જાણતી હતી. આ મેચમાં બોલ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા કાઈલ જેમિસનને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.
2021 ટી ટ્વેન્ટી વિશ્વકપ
આ ટૂર્નામેન્ટમાં ભારતની ટીમ વિશ્વકપ જીત માટે ફેવરિટ માનવામાં આવી રહી હતી. જોકે તેનાથી તદ્દન વિપરિત થયું અને ટીમ બાંગ્લાદેશ કરતા પણ નબળું પ્રદર્શન કરવા લાગી હતી. ટીમ ઈન્ડિયા સુપર-12 રાઉન્ડમાંથી જ બહાર ફેંકાઈ ગઈ હતી. ભારત તો અફઘાનિસ્તાન જેવી નબળી ટીમના આધાર પર ટકેલું હતું. જોકે ન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાનને હરાવી ભારતને ટૂર્નામેન્ટની બહાર ફેંકી દીધું. આ પહેલા પણ કરો યા મરોના મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને પરાજય આપી દીધો હતો. 2012 બાદ ભારતીય ટીમ પ્રથમ વખત કોઈ આઈસીસી ટૂર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાંથી બહાર ફેંકાઈ ગઈ. 2012 બાદ તે ઓછામાં ઓછી સેમીફાઈનલ સુધી તો પહોંચી જ છે. આ વિરાટ કોહલીનો કેપ્ટન તરીકે પ્રથમ અને અંતિમ ટી ટ્વેન્ટી વિશ્વકપ હતો. હવે આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં ફરી એક વખત ટી ટ્વેન્ટી વિશ્વકપ રમાશે. જેમાં ટીમની પાસે એક નવો કેપ્ટન હશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત