Team Chabuk-Gujarat Desk: રાજ્યભરમાં કોરોનાની બીજી લહેર તબક્કાવાર કાબુમાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના નવા કેસ સ્થિર થઈ ગયા છે. મોતનો આંકડો પણ શૂન્ય થઈ ગયો છે. પરંતુ બીજી તરફ કોરોનાની ત્રીજી લહેરની સંભવિત આગાહી કરવામાં આવી છે. એક વૈજ્ઞાનિક દ્વારા તો દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ હોવાની પણ વાત કરવામાં આવી છે. આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે બનાસકાંઠાના ડીસામાંથી આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા (Deesa)માં કોરોનાગ્રસ્ત સગર્ભાનું (Pregnant) મોત થયું છે. મૃત્યુ પામનાર મહિલા છેલ્લા પાંચ દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.
બનાસકાંઠાના ડીસામાં સગર્ભાનું કોરોનાના કારણે મોત થઈ જતાં 4 પુત્રીઓએ માતા ગુમાવી છે. અચાનક સગર્ભાનું મૃત્યુ થતાં પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે. છેલ્લા ઘણા દિવસોથી બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યભરમાં કોરોનાના નહીંવત કેસ સામે આવી રહ્યા હતા. તેવામાં અચાનક ડીસામાં સગર્ભા મહિલાનું મોત નિપજતાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે કે કેમ તે અંગે લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
મળતી માહિતી પ્રમાણે ધાનેરામાં રહેતા મંજુબેન માળી (Manjuben mali) નામના સગર્ભાએ થોડા દિવસ પહેલા શંકાસ્પદ લક્ષણો જણાતા કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેઓને કોરોનાની અસર હોવાનું જાણવા મળતાં ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. સારવાર દરમિયાન તેમની તબિયત વધુ લથડી હતી અને આજે સગર્ભાએ અંતિમ શ્વાસ લીધા હતા.
ચાર પુત્રીઓની માતા મંજુબેન માળીનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવાર પર મુશ્કેલીઓને પહાડ તૂટી પડ્યો છે. ચાર પુત્રીઓએ માતાની છત્રછાયા ગુમાવી છે. મહિલાના પેટમાં બાળક હોવાથી પરિવારમાં વધુ શોકની લાગણી જોવા મળી રહી છે. મહત્વનું છે કે 15 દિવસ પહેલા જ મૃતક સગર્ભા મંજુબેન માળીના પિતાનું પણ અવસાન થયું હતું. પરિવાર હજુ એક ઘામાંથી બહાર નહતો આવ્યો ત્યાં જ બીજો કારમો ઘા લાગ્યો છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના નવા કેસની સંખ્યા 30 થી 40ની વચ્ચે રહેવા પામે છે. આજની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 37 કેસ નોંધાયા છે. 110 દર્દીઓ સ્વસ્થ થયા છે અને 1 દર્દીનું મોત નિપજ્યું છે. રાજ્યમાં હવે 532 જ કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત