Team Chabuk-Gujarat Desk: કોરોનાકાળમાં કોરોના વોરિયર એટલે કે કોરોના યોદ્ધા શબ્દ ખૂબ જ પ્રચલિત બન્યો. ડોક્ટર, નર્સ સહિત પેરા મેડિકલ સ્ટાફની અગ્રીમ હરોળના એટલે કે ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર તરીકે ગણના થઈ. અગ્રીમ હરોળના કોરોના વોરિયરે રાત દિવસ પોતાના પરિવારની ચિંતા કર્યા સિવાય પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને કોરોના સંક્રમિતોની સેવા સારવાર કરી અનેક કોરોના દર્દીઓના જીવનની રક્ષા કરી હતી. તો ધાર્મિક, સામાજિક અને સેવાભાવી સંસ્થાઓએ કોરોનાના કપળા કાળમાં જરૂરિયાત મંદોને મદદરૂપ બની કોરોના વોરિયરની ભૂમિકા અદા કરી હતી. પરંતુ આજે આપને એવા અનોખા કોરોના વોરિયરની વાત કરવી છે કે જે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
તેરા તુજ કો અર્પણ
વાત છે, વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારના વ્યંઢળ સમાજના સુકાની અંજુ માસીની. અંજુ માસી બરાનપુરા વ્યંઢળ સમાજના પ્રમુખ, સામાજિક કાર્યકર્તા અને સમાજસેવીની જવાબદારી વહન કરી રહ્યા છે. શહેરના આ વિસ્તારમાં ૨૫૦ ઉપરાંત વ્યંઢળ સમાજના લોકો વસવાટ કરે છે. કોરોના કાળમાં અનેક સેવાભાવી સંસ્થાઓ જરૂરિયાતમંદોની વહારે આવી હતી. તો આ સમાજે પણ વિપદાની ઘડીમાં જરૂરતમંદોની સેવા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે એવી લાગણી વ્યક્ત કરતા અંજુ માસી કહે છે કે તેરા તુજ કો અર્પણની ઉદાત ભાવના સાથે સમાજે અમને ઘણું બધું આપ્યું છે. ત્યારે સંકટની ઘડીમાં વંચિતો, જરૂરિયાતમંદોને મદદરૂપ થવું એ અમારી નૈતિક ફરજ સમજી સમાજનું એ ઋણ ચૂકવવાનો કોરોના સંકટે અમને મોકો આપ્યો છે.
નાયબ મુખ્યમંત્રીએ પણ કામગીરીને બિરદાવી
કોરોનાની પહેલી અને બીજી ઘાતક લહેરમાં વ્યંઢળ સમાજ દ્વારા શહેરમાં જરૂરતમંદોને ૫ હજાર અનાજ કીટ, ભોજન અને શાકભાજીની સેવા પૂરી પાડી સમાજ સેવાનું સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું. અંજુ માસીના સમાજ સેવાના કાર્યની નોંધ લઈ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે પત્ર લખી તેમની અને સાથીઓની કોરોના યોદ્ધા તરીકેની કામગીરીને બિરદાવી છે.
રસી લેવા કર્યો અનુરોધ
બરાનપુરા વ્યંઢળ સમાજના સુકાની અંજુ માસી સરકારના મહા રસીકરણ અભિયાનમાં પણ મહત્તમની ભૂમિકા ભજવી રહ્યાં છે. તેઓ કહે છે કે અમારા સમાજના મોટાભાગના લોકો કોરોના રસી લઈ સુરક્ષિત થયા છે. જે બાકી રહ્યા છે તેઓ કોરોના સંક્રમિત હતા અને ડોકટરની સલાહ મુજબ નિર્ધારિત સમયે તેઓ પણ રસી લઈ લેશે. કોરોનાની બીજી ઘાતક લહેરમાં અંજુ માસી પણ કોરોના સંક્રમિત થયા હતા.
અંજુ માસીએ કોરોના સામે રક્ષણ મેળવવા રસી એકમાત્ર અમોધ શસ્ત્ર છે, ત્યારે સૌએ કોરોના રસી લઈ સુરક્ષિત થવા તેમને નાગરિકોને અનુરોધ કર્યો છે. અંજુ માસી આસપાસના લોકોને પણ કોરોના રસી લેવા માટે પ્રેરિત કરી રહ્યા છે. તેઓ કહે છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલ, વિવિધ ધર્મના ધાર્મિક વડાઓ સહિત અનેક મહાનુભાવોએ કોરોના રસી લીધી છે. એટલે રસી સંપૂર્ણ સુરક્ષિત છે, ત્યારે કોઈપણ જાતના ડર કે ભ્રમ વગર સૌને રસી લેવા તેમણે અપીલ કરી છે.
(સભાર-વડોદરા માહિતી વિભાગ)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત