Team Chabuk-Gujarat Desk : વડોદરામાં સફાઈકર્મીના અપમૃત્યુ બાદ કોરોના વેક્સિન પર તેમના પરિવારજનોએ સવાલો ઉઠાવ્યા છે. જોકે, પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે કે, સફાઈકર્મીનું મૃત્યુ વેક્સિનની આડઅસરના કારણે નહીં પરંતુ હ્રદય રોગની બીમારીના કારણે થયું છે. સફાઈકર્મીનો પોસ્ટમોર્ટમ બાદ હવે વિસેરા રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. વિસેરા રિપોર્ટ આવ્યા બાદ સફાઈકર્મીના મૃત્યુનું સાચુ કારણ જાણી શકાશે. સફાઈકર્મીના વિસેરા સુરત FSLમાં મોકલી દેવાયા છે.
શું છે વિવાદ ?
વડોદરામાં વોર્ડ નંબર-9માં રહેતા સફાઈકર્મી જીજ્ઞેશ સોલંકીનું વેક્સિન લીધા બાદ થોડાં કલાકોમાં મૃત્યુ થયું હતું. 31 જાન્યુઆરીએ જિજ્ઞેશના અચાનક અવસાનથી પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. બીજી તરફ પરિવારજનોએ સયાજી હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને વેક્સિનની આડઅસરના કારણે જિજ્ઞેશનું મૃત્યુ થયું હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ એવો પણ આરોપ લગાવ્ય હતો કે, કોરોનાની રસી લેવી એ સ્વૈચ્છીક છે તો પછી દબાણ કેમ કરાયું ? પરિવારે દાવો કર્યો હતો કે, જિજ્ઞેશે રસી લેવાની ના પાડી હતી. પરિવારજનોએ દાવો કર્યો હતો કે, જીજ્ઞેશને કોઈ તકલીફ ન હતી. રસી લીધા બાદ તે બેભાન થઈ ગયો હતો ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
જિજ્ઞેશને હતી હ્રદય રોગની બીમારી
જિજ્ઞેશે 2016માં હાર્ટ હોસ્પિટલમાં હ્રદયની સારવાર લીધી હતી. ત્રણ વર્ષ પહેલાં જિજ્ઞેશે એન્જિયોપ્લાસ્ટી પણ કરાવી હતી. સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે દાવો કર્યો હતો કે, જિજ્ઞેશને જે દવા લેવાની હતી તે લેતો ન હતો.
વડોદરામાં રસી લીધા બાદ સામાન્ય આડઅસર
કોરોનાના રસીકરણના બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન વોરિયર્સને વેક્સિન આપવામાં આવી રહી છે. જેમાં સફાઈકર્મીઓ અને પોલીસકર્મી સહિતના ફ્રન્ટલાઈન વોરિયર્સનો સમાવેશ કરાયો છે. વડોદરામાં પોલીસ તાલીમ શાળાના તાલીમાર્થીઓને વેક્સિનનો પહેલો ડોઝ અપાયો હતો. જેમાંથી 15 તાલીમાર્થીઓને સામાન્ય આડઅસર થઈ હતી. તાલીમાર્થીઓએ તાવ આવવો અને ચક્કર આવવા જેવી ફરિયાદો કરી હતી. સામાન્ય આડઅસર બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. હોસ્પિટલમાં તેમને પ્રાથમિક સારવાર અપાઈ હતી.
કોરોના રસિકરણ અભિયાન
હાલ રાજ્યમાં બીજા તબક્કાનું રસિકરણ અભિયાન શરૂ છે. ગૃહવિભાગ, મહેસૂલ વિભાગ, પંચાયત તેમજ શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને રસીનો ડોઝ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પોલીસકર્મી, હોમગાર્ડ, SRP જવાનોને પણ વેક્સિન આપવામાં આવી રહી છે. બીજા તબક્કામાં કુલ 3.3 લાખ કર્મચારીઓનું રસિકરણ કરવામાં આવશે. હાલ કોરોનાના સામે લડવામાં વેક્સિન એ સંજીવની સમાન હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, રસી લીધા બાદ સામાન્ય આડઅસર થઈ શકે છે, જોકે, રસીની કોઈ ગંભીર આડઅસર ન હોવાનો પણ તેઓ દાવો કરી રહ્યા છે. સાથે જ રાજ્યના તમામ નાગરિકોને વેક્સિન લેવાની અપીલ પણ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત