Team Chabuk-Gujarat Desk: દેશના 12 જ્યોર્તિલિંગ પૈકીના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શને દરરોજ હજારો ભક્તો આવી રહ્યા છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની એન્ટ્રી થતાં દેશભરના તમામ મંદિરોમાં આવતા દર્શનાર્થીઓમાં ઘટાડો થયો છે. પરંતુ ભક્તો સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શનનો લ્હાવો લેતા હોય છે. ત્યારે સોમનાથ મહાદેવના સોશિયલ મીડિયા ઉપર દર મહિને સાડા છ કરોડ ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો છે. આ વિક્રમી સંખ્યાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળે તે માટેની પ્રક્રિયા મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી સચિવ પ્રવિણ લહેરીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા ઉપર દર મહિને 6.50 કરોડ ભક્તોએ મહાદેવના દર્શન કરી રહ્યા છે. આ વિક્રમી સંખ્યાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળે તે માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. વિશ્વભરના 47થી વધુ દેશમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ભક્તો સોમનાથ દાદાના દર્શનનો લ્હાવો દૈનિક લે છે.
ગત 2 જુલાઈના રોજ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ટ્રસ્ટી અમિત શાહને રૂબરૂ દિલ્હી ખાતે મળીને સમુદ્ર દર્શન માર્ગ અને નવીનીકરણ થયેલા માતૃ શ્રી અહલ્યાદેવી મંદિર અને શિલ્પ સ્થાપત્યને આગવી રીતે રજૂ કરતાં સંગ્રહાલય, મ્યૂઝિયમના લોકાર્પણ માટે સમય ફાળવવા જણાવાયું છે. જો રૂબરૂ આવવાનું શક્ય નહીં બને તો વડાપ્રધાન અને ગૃહમંત્રી વર્ચ્યૂઅલ લોકાર્પણ કરવા માટેની તારીખ જણાવશે તેમ જાણવા મળ્યું છે.
હાલમાં જ ભારત સરકારની પ્રસાદ યોજના હેઠળ આયકોનિક વિકાસ પ્રોજેક્ટના સુચિત કરાયેલા 16 પ્રોજેક્ટનો વિગતવાર અહેવાલ તૈયાર કરવા માટે કેન્દ્રની ટીમ સોમનાથ મંદિરની મુલાકાતે આવી હતી. આ ટીમ અહેવાલ તૈયાર કરીને કેન્દ્ર સરકારને રજૂ કરશે. આ ટીમે ગત 9 જુલાઈના રોજ સોમનાથ ખાતે સ્થળ વિઝિટ કરીને વિકાસ પ્રોજેક્ટોને આગળ વધારવા નિરીક્ષણ કરી હતી. સોમનાથના મંદિરની ગૌશાળામાં શરૂઆતમાં માત્ર 20 ગાય હતી જે 116 સુધી પહોંચી ગઈ છે અને દરરોજનું 250 લીટરથી વધુ ગાયના દૂધનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. સાથે જ દેશી પદ્ધતિથી ઘી પણ બનાવવામાં આવી રહ્યું છે.
હાલ કોરોનાની બીજી લહેર શાંત પડતાં મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ દાદાના પ્રત્યક્ષ દર્શને આવી રહ્યા છે. 17 જુલાઈથી દર્શનનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે. આરતી દર્શન માટે પણ ભક્તોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. તા 1 જુલાઈ થી 21 જુલાઈ સુધીમાં 2,41,935 ભક્તોએ પ્રત્યક્ષ સોમનાથ દાદાના દર્શન કર્યા છે. જુલાઈ માસના અંતે આ આંકડો સાડા ત્રણ લાખને પાર થવાની સંભાવના છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત