Homeગુર્જર નગરીસતત ચાલતા અગ્નિદાહના કારણે સુરતમાં સ્મશાન ગૃહની ચીમની નીચે પડી

સતત ચાલતા અગ્નિદાહના કારણે સુરતમાં સ્મશાન ગૃહની ચીમની નીચે પડી

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં કોરોના પીક પર છે. કોરોનાના કારણે દરરોજ મોટી સંખ્યમાં મોતને ભેટી રહ્યા છે. મોતનો આંકડો વધતા સ્મશાન ગૃહો અંતિમ સંસ્કાર માટે પણ લાંબી લાઈનો છે. સતત થઈ રહેલા અંતિમ સંસ્કારના કારણે હવે સ્મશાન ગૃહો પણ આરામ માગી રહ્યા છે. ઘણા સ્મશાન ગૃહોમાં ચીમનીઓ પીગળી જવાની ઘટના સામે આવી છે ત્યારે આજે સુરતના એક સ્મશાન ગૃહમાં ચીમની નમી પડી હતી. જો કે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહતી.

સુરતમાં કોરોના દર્દીઓમાં વધારો થવાની સાથે મોતમાં પણ વધારો થઈ રહ્યો છે. સ્મશાનોમાં સતત અંતિમ સંસ્કારની વિધિ ચાલુ હોય છે. જેના કારણે ચીમનીઓ પીગળી રહી છે. સુરતના જહાંગીરપુરા કુરુક્ષેત્ર સ્મશાન ગૃહમાં આજે ચીમની નીચે પડી ગઈ હતી. સતત ચાલી રહેલા અંતિમ સંસ્કારના કારણે ચીમની નરમ પડી ગઈ હતી અને નીચે પડી ગઈ હતી.

બપોરના સમયે જહાંગીરપુરા કુરુક્ષેત્ર સ્મશાન ગૃહમાં આ ઘટના બની હતી. સ્મશાન ગૃહની ચીમની અચાનક નીચે પડી ગઈ હતી. ચીમની નમી જઈને સીધી ડાઘુઓને બેસવા માટેના બાંકડા પર પડી હતી. જો કે ચીમની નીચે પડી તે સમયે બાંકડા પર કે નીચે કોઈ વ્યક્તિ ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. એક તરફ ઉનાળાના કારણે ગરમીનો પારો ઉંચો જઈ રહ્યો છે અને બીજી તરફ સ્મશાન ગૃહમાં સતત ચાલતા અગ્નિદાહના કારણે ગેસ ચેમ્બરની ભઠ્ઠીનું 500 થી 700 ડિગ્રી જેટલું તાપમાન રહે છે. જેના કારણે ચીમનીઓ હવે નરમ પડી રહી છે.

સતત અગ્નિદાહના કારણે ચીમની સહિત અંદરની ધાતુઓની ઇંગલો પણ પીગળી જાય છે. જેના કારણે ઉંચી ચીમનીઓ નરમ પડીને નીચે પડી જાય છે. જહાંગીરપુરા સ્મશાન ગૃહમાં આ પ્રકારે ચીમની નીચે પડી જતાં તુરંત જ સ્મશાન ગૃહના સંચાલકોએ ગેસ ચેમ્બર બંધ કરી દીધી હતી.

જહાંગીરપુરા કુરુક્ષેત્ર સ્મશાન ગૃહ ટ્રસ્ટના પ્રમુખ કમલેશભાઈ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, હાલ ચીમની ખૂબ ગરમ છે તેથી અત્યારે તેનું સમારકામ કરવું શક્ય નથી. આવતીકાલે બપોર બાદ ચીમની ઠંડી પડશે એટલે નમી ગયેલા ચીમનીના ભાગને કાપીને ચીમની ઉભી કરવાની કામગીરી હાથ ધરાશે. આ ઘટના બની હોવા છતાં સ્મશાન ગૃહમાં અગ્નિદાહ આપવાની પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી ઉભી થઈ નથી. મૃતદેહોના અગ્નિ સંસ્કાર સમયસર થઈ જાય તે માટેની અન્ય વ્યવસ્થા સ્મશાન ગૃહ તરફથી અગાઉથી જ કરી રાખવામાં આવી હતી. હાલ છ જેટલી લાકડાની ભઠ્ઠીઓ શરૂ કરી દેવામાં આવી છે. થોડા સમયમાં બંધ કરેલી ગેસની ભઠ્ઠી પણ શરૂ કરી દેવામાં આવશે.

સુરત શહેરમાં આજે 1858 કેસ નોંધાયા

સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 1858 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 1225 લોકો સાજા થતા રજા આપી દેવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 23 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે એક દિવસમાં 10622 લોકોને રસી આપવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments