Homeગુર્જર નગરીરાજકોટવાસીઓને ફરવા માટે મળ્યું એક નવલું નજરાણું “રામ વન"

રાજકોટવાસીઓને ફરવા માટે મળ્યું એક નવલું નજરાણું “રામ વન”

Team Chabuk-Gujarat Desk: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ડેમ નજીક ૪૭ એકર જમીનમાં અંદાજિત રૂ. ૧૩.૭૭ કરોડના ખર્ચે નવનિર્મિત “રામ વન” – ધ અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ભગવાનશ્રી રામની પ્રતિમાને વંદન કરીને રામવનનું વિહંગાવલોકન કર્યું હતું. તેમજ ૨૩ ઇલેક્ટ્રિક બસો અને તેના ચાર્જિંગ સ્ટેશનનું લોકાર્પણ કરીને બસોને લીલી ઝંડી આપી હતી.

આ અવસરે મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ રામવનનું નિર્માણ કરીને ગ્રીન રાજકોટ ક્લીન રાજકોટના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કર્યું છે. જન્માષ્ટમીના પાવન અવસરે રામ વનની ભેટ સાથે  વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં રાજકોટવાસીઓનો આનંદ બમણો થયો છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ અમારી ટીમ ગુજરાતે નવા નવા આયામો પર કામ કર્યું છે. પર્યાવરણ સાથે તાદાત્મ્ય રાખીને સર્વગ્રાહી અને સર્વસમાવેશી વિકાસ સાધ્યો છે. સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરીને નવો ચીલો ચીતર્યો છે.

છોડમાં રણછોડ અને પુષ્પમાં પરમેશ્વર જોવાની આપણી સંસ્કૃતિ છે ત્યારે પર્યાવરણનું જતન કરવાની આપણા સૌની નૈતિક જવાબદારી બને છે. ઈલેક્ટ્રિક વેહિકલ પોલીસી હેઠળ રાજ્યમાં ઇલેક્ટ્રોનિક વાહનોના વેચાણમાં વૃદ્ધિ જોવા મળી છે. જાહેર પરિહનમાં વધુને વધુ ઇલેક્ટ્રિક બસો દાખલ કરવાનો અભિગમ સરકારે અપનાવ્યો છે. રાજકોટમાં આજે ૨૩ ઇલેક્ટ્રિક બસો અને તેના ચાર્જિંગ સેન્ટરની ભેટ મળી છે. ત્યારે આ વ્યવસ્થા રાજકોટને પ્રદુષણ મુક્ત અને સ્વચ્છ વાતાવરણ વાળું શહેર બનાવવામાં મદદ કરશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

જયશ્રી રામના નારા સાથે મેયર પ્રદિપ ડવએ જણાવ્યું હતું કે, રંગીલું રાજકોટ આજે રામવનના ઉદ્ઘાટનથી સાંસ્કૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક નગરી બની છે. તમામ ક્ષેત્રે રાજકોટે હરણફાળ વિકાસ કર્યો છે. ટ્રાફિકની સમસ્યાઓ નિવારવા માટે પણ બ્રીજોનું નિર્માણ કર્યું છે જેનું આગામી સમયમાં લોકાર્પણ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રામવનના નિર્માણ અંગેનો મુખ્ય હેતુ ભારતનો સાંસ્કૃતિક પ્રાકૃતિક વારસો જાળવી રાખવાનો છે તથા અત્યારના સમયમાં સિમેન્ટ કોંક્રિટના જંગલો વધી રહ્યા છે ત્યારે પ્રકૃતિના સમતોલન માટે મોટા પાયે વૃક્ષારોપણ ખૂબ જ જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અર્બન ફોરેસ્ટ ખાતે શ્રીરામના જીવન સાથેની થીમ જોડાતા આ જગ્યા લોકો માટે પૌરાણિક કાળનાં જીવંત અનુભવ જેવી બનાવી શકાય એવો ઉદ્દેશ્ય છે. જેનો મુખ્ય દરવાજો ધનુષબાણ આકારનો છે અને ભગવાનશ્રી રામના જીવનકવનને જીવંત કરવાનો પ્રયત્ન કરાયો છે. આ ઉપરાંત રામવનમાં રામ સેતુ બ્રીજ, એડવેન્ચર બ્રિજ, કુદરતી પાણીના સ્રોતનું નવીનીકરણ, ચિલ્ડ્રન પ્લે-ગ્રાઉન્ડ, ૧૫૦ની કેપેસિટીનું એમફીથિયેટર, રાશિવન અન્ય આકર્ષણો વિકસાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત ૮૦,૦૦૦ જેટલી પ્રજાતિના ૨૫ જેટલા બ્લોકમાં જે પૈકી ૨ બ્લોકમાં મીયાવાકી થીમ આધારીત પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. આધુનિક સમયમાં પર્યાવરણ જાળવણી નિભાવણી માટે “ન્યુનતમ જગ્યાના  મહતમ ઉપયોગ” કરી શુષ્ક અને પથરાળ  જગ્યામાં “જન સહયોગ થકી“ જાપાનીઝ ટેકનોલોજી મુજબથી “મિયાવાકી-થીમ” આધારીત ફોરેસ્ટ  ઉભું કરવા જુદી જુદી જાતના વૃક્ષ, શ્રબ ક્ષુપ, લતાઓ વગેરેની જાતના વૃક્ષોનું વાવેતર કરીને કાયમી રૂપમાં જતન કરવામાં આવશે. આ પધ્ધતિનો ઉપયોગ કરીને પશુ-પક્ષી, આયુર્વેદિક તેમજ ભરપુર ઓક્સિજન આપતા વર્ષાવનોના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.  રામવનના સમગ્ર વિસ્તારના વૃક્ષોનું ડ્રીપ ઇરીગેશન પદ્ધતિથી પીયત આપવામાં આવશે. જેથી પાણીનો વપરાશ ન્યૂનતમ થાય અને વિકાસ પામનાર વૃક્ષો માટે સિપેજ રિસાયકલ પાણીનો જ ઉપયોગ કરવામાં આવશે.

રામવનમાં રૂ.૧.૬૧ કરોડના ખર્ચે ભગવાન શ્રી રામના જીવન આધારીત જુદી જુદી ૨૨ પ્રતિકૃતિ મુકવામાં આવેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણની સુરક્ષાના વિચારને કેન્દ્રમાં રાખી સમગ્ર દેશને વનથી ભરપૂર બનાવવાની ઝુંબેશ સાથે અનેકવિધ કાર્યો અને પ્રકલ્પો હાથ ધર્યા છે. ત્યારે રાજકોટમાં નિર્માણ પામેલાં “રામવન અર્બન ફોરેસ્ટ” ભાવિ પેઢીને કુદરતી વાતાવરણ સાથે જોડી રાખવા ઉપરાંત પ્રદૂષણ અટકાવવા અને પર્યાવરણનું જતન કરવામાં ખૂબ મહત્વનું પુરવાર સાબિત થશે.

વધુમાં ૮૦’ ફુટ રોડ ખાતે રૂ. ૧૧.૬૩ કરોડના ખર્ચે ૧૫,૨૦૦ ચો. મી.માં ઇલેક્ટ્રિક બસ માટેનું ચાર્જીંગ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે આ ચાર્જીંગ સ્ટેશનમાં ૩૧૦૦ વોટનું HT વીજ કનેક્શન, ૨૫૦૦ વોટના ૨ ટ્રાન્સફોર્મર, પેનલ રૂમ, કેબલ ડક્ટ, ૨૪૦ કિલો વોટના ૧૪ ચાર્જર સહિતનો તમામ ઇલેક્ટ્રિક બસ માટેનો ચાર્જીંગ શેડ વિગેરે સહીતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments