Homeગુર્જર નગરીમુખ્યમંત્રીએ વિવિધ બસ સ્ટેશન અને એસ.ટી. વર્કશોપનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

મુખ્યમંત્રીએ વિવિધ બસ સ્ટેશન અને એસ.ટી. વર્કશોપનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં આજે તાલુકા મથકોએ નવા બનેલા બસ સ્ટેશન અને એસ.ટી. વર્કશોપના લોકાર્પણ અને એસ.ટી વર્કશોપના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિવિધ બસ સ્ટેશન અને એસ.ટી.વર્કશોપનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતે સામાન્ય-મધ્યમવર્ગીય-ગરીબ માનવીઓ માટેના પરિવહન સેવા માધ્યમ એસ.ટી.ના બસ સ્ટેશનોને અદ્યતન એરપોર્ટ જેવા સુવિધાસભર, સુઘડ બસપોર્ટ તરીકે વિકસાવીને એક નવું મોડેલ દેશમાં પ્રસ્થાપિત કર્યુ છે.

આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે અગાઉના જર્જરિત બસ સ્ટેશન, ખખડધજ બસીસની સ્થિતિનો અંત લાવી હવે આપણે સમયાનુકુલ સુવિધાસભર વોલ્વો, સ્લીપર કોચ, જી.પી.એસ સિસ્ટમ સાથેની બસ સેવાઓ અને અદ્યતન બસપોર્ટ પ્રજાની સેવામાં આપી રહ્યા છીએ.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-એસ.ટી. દ્વારા રાજ્યના પ્રજાજનોની સેવામાં 43.72 કરોડ રૂપિયાના વિવિધ લોકાર્પણ-ખાતમૂર્હત ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યા હતા.

મુખ્યમંત્રીએ રાજ્યના વિવિધ વિસ્તારોમાં 8 નવા બસ સ્ટેશન, 1 એસ.ટી. વર્કશોપના મળીને કુલ રૂ. 28.20 કરોડના કામોના લોકાર્પણ કર્યા હતા. આ ઉપરાંત તેમણે પાંચ ડેપો વર્કશોપ જે કુલ રૂ. 15.52 કરોડના ખર્ચે નિર્માણ પામવાના છે તેના પણ ઇ-ખાતમુહૂર્ત કર્યા હતા.

વિજય રૂપાણીએ કહ્યું કે, ખાનગી ટ્રાવેલ્સ સેવાઓ નફાકારક રૂટ પર જ પોતાના રૂટ ચલાવતી હોય છે જ્યારે એસ.ટી નિગમ નફા કે નુકશાનનો વિચાર કર્યા વિના રાજ્યના દરેક ગામને જોડીને ઓછામાં ઓછી રોજની એક ટ્રીપ ગામને મળે અને ગરીબ, સામાન્ય માનવીને કનેકટીવીટીની સહુલિયત મળે તે રીતે કાર્યરત છે.  

મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, રાજ્યના લાખો વિદ્યાર્થીઓને 80 ટકા કન્શેસન પાસ આપીને તેમને અભ્યાસ પ્રવૃત્તિ માટે અવર-જવર અને ભાવિ કારકિર્દી ઘડતરમાં એસ.ટી. નિગમ મહત્વનું પ્રદાન કરે છે. એટલું જ નહિ, ગરીબ પરિવારોને લગ્ન જેવા પ્રસંગોએ અન્ય વાહતુક વાહનો-ટ્રક વગેરેમાં જાન લઇને જતાં-આવતાં અકસ્માતનો ભોગ બનવાવારો ના આવે તે માટે આવા લગ્ન પ્રસંગે રાહત દરે બસ આપવા સહિત દિવ્યાંગ, વૃદ્ધો, સામાન્ય માનવી સૌને સુવિધાસભર યાતાયાતનો શ્રેષ્ઠ વિકલ્પ એસ.ટી બની રહી છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં 99 ટકા ગ્રામીણ વિસ્તારો એસ.ટી. સેવાથી જોડાયેલા છે. 16 ડિવીઝન, 125 બસ ડેપો, 135 બસમથકો અને 1554 પીક અપ સ્ટેન્ડ તેમજ 8500 બસીસ દ્વારા 7500 શેડયુલ ટ્રીપથી રોજના 35 લાખ કિ.મી. બસ સંચાલનથી 25 લાખ લોકોને એસ.ટી. સેવાઓનો લાભ મળી રહ્યો છે. એટલું જ નહિ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિવ-દમણ જેવા પડોશી રાજ્યો-પ્રદેશોમાં પણ ગુજરાત એસ.ટી.ની સેવાઓ ઉપલબ્ધ બનાવી છે.

વિજય રૂપાણીએ કોરોના સંક્રમણ, વાવાઝોડુ, પૂર કે અન્ય કોઈ પણ કુદરતી આફતોમાં લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા કે પહોચાડવામાં એસ.ટી. નિગમ અને તેના કર્મયોગીઓની સેવા પરાયણતાને અભિનંદન આપી બિરદાવ્યા હતા. આ કર્મયોગીઓએ કોરોના કાળમાં પણ એસ.ટી. સેવાઓ કે પ્રવૃત્તિઓ અટકવા દીધી નથી અને ઇનહાઉસ બસ બોડી નિર્માણ કરવાના તેમજ કરકસરયુકત ઇંધણ સંચાલન જેવા એવોર્ડઝ પણ મેળવ્યા છે તેની તેમણે સરાહના કરી હતી.

મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા જે બસ સ્ટેશનના લોકાર્પણ કર્યા તેમાં સંબંધિત કાર્યક્રમ સ્થળે નાયબ મુખ્યમંત્રી સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ પણ જોડાયા હતા.

તદઅનુસાર, દહેગામ બસ સ્ટેશનના લોકાર્પણમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સાણંદ ખાતે મંત્રી પ્રદીપસિંહ જાડેજા, લીમડીમાં બચુ ખાબડ, સંતરામપૂરમાં મંત્રી ઇશ્વરસિંહ પટેલ, પાલનપૂરમાં મંત્રી દિલીપકુમાર ઠાકોર, પીપળાવમાં મંત્રી કૌશિક પટેલ તેમજ વાઘોડીયામાં રાજ્યમંત્રી યોગેશ પટેલ અને અરવલ્લીના ડેમાઇમાં રાજ્ય મંત્રી રમણ પાટકર તથા ભાવનગર ડેપો વર્કશોપ લોકાર્પણમાં મંત્રી જવાહર ચાવડા જોડાયા હતા.

સમગ્રતયા મુખ્યમંત્રીએ રૂ. 28.20 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બસ સ્ટેશનના ઇ-લોકાર્પણ કર્યા હતા. આ ઉપરાંત રૂ. 15.52 કરોડના કુલ ખર્ચે નિર્માણ થનારા પાંચ એસ.ટી. ડેપો વર્કશોપના જે વર્ચ્યુઅલ ખાતમૂર્હત મુખ્યમંત્રીએ કર્યા તેમાં કાર્યક્રમ સ્થળોએ દ્વારકામાં રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મોરબીમાં મંત્રી સૌરભ પટેલ, વાંકાનેરમાં મંત્રી કુંવરજી બાવળિયા, વિરપુરમાં મંત્રી જયેશ રાદડીયા અને સરધારમાં મંત્રી આર. સી. ફળદુ ઉપસ્થિત રહ્યા હતા.  

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments