Team Chabuk-Gujarat Desk: વડોદરાના સોખડામાં એક યુવતી પર દુષ્કર્મ ગુજાર્યાનો પૂર્વ કોર્પોરેટર પર આરોપ લાગ્યો છે. વડોદરા પાસે આવેલા સોખડાના એક ફાર્મ હાઉસ પર મિત્રો સાથે દારૂ અને નોનવેજની પાર્ટી કરવા ગયેલી યુવતી સાથે આ ઘટના બની છે. યુવતીએ પૂર્વ કોર્પોરેટર સામે દુષ્કર્મ અને મારામારી સહિતની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
સમગ્ર ઘટનાની વિગતો જોઈએ તો વડોદરાના સોખડામાં આવેલા એક ફાર્મ હાઉસ પર મિત્રો સાથે પાર્ટી કરવા ગયેલી યુવતીને ઘરે પરત મૂકવાના બહાને પાદરાના પૂર્વ કોર્પોરેટરે ચાલુ કારમાં યુવતી પર દુષ્કર્મ ગુજાર્યો હતો. પૂર્વ કોર્પોરેટરે ફરિયાદી યુવતીને કહ્યું હતું કે, તું બધા સાથે શરીર સંબંધ બાંધે છે, તો મારી સાથે કેમ નહીં. આ મામલે યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દુષ્કર્મ અને મારામારીની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે વડોદરા શહેર નજીક પાદરા ગામે રહેતી 25 વર્ષીય યુવતી વડોદરાના એક ખાનગી મોલમાં નોકરી કરે છે. ગત 26 એપ્રિલના રોજ ફરિયાદી યુવતીના મિત્ર શિવમ ગાંધીએ તેને ફોન કરીને રાત્રે સોખડા ગામે આવેલા ભૂમિત અમિતભાઈ પટેલના ફાર્મ હાઉસ દારૂ અને નોનવેજની પાર્ટી રાખી હોવાનું જણાવ્યું હતું. આ શિવમે ફરિયાદી યુવતીને આ પાર્ટીમાં આવવા આમંત્રણ આપ્યું હતું. જેથી ફરિયાદી યુવતી પાર્ટીમાં જવા તૈયાર થઈ હતી અને પોતાની નોકરી પરથી છૂટીને સોખડા ફાર્મ હાઉસ ખાતે પાર્ટીમાં પહોંચી હતી.
ફાર્મ હાઉસ ખાતે પાર્ટીમાં શિવમ હરીશભાઈ ગાંધી, ભૂમિત અમિતભાઈ પટેલ, ભૂમિતના પિતા- અમિતભાઈ પટેલ, ભૂમિતના માતા- નીમાબેન પટેલ, ભૂમિતની પત્ની- ડીકી પટેલ અને ફરિયાદી યુવતીનો અન્ય એક મિત્ર નીલ પટેલ હાજર હતા. જે પૈકી શિવમ, ભૂમિત અને નીલ દારૂનો નશો કરીને ઉંઘી ગયા હતા. આ દરમિયાન રાત્રે 11 વાગ્યાની આસપાસ પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસની ગાડી ફાર્મ હાઉસ પાસે આવીને ઉભી રહી હતી. એક તરફ દારૂની પાર્ટી ચાલતી હતી અને બીજી તરફ પોલીસ આવતા ગભરાયેલી ફરિયાદી યુવતી બચવા માટે નજીકના અન્ય એક ખેતરમાં દોડી ગઈ હતી.
ત્યારબાદ ફરિયાદી યુવતીએ રાત્રે 12 વાગ્યે મદદ માટે તેના મિત્રોને ફોન કરતાં મદદ માટે ફોર્ચ્યુનર કાર લઈને પાદરાના પૂર્વ કોર્પોરેટર ભાવેશ ઉર્ફે લાલુ ચંદ્રકાંત પટેલ આવી પહોંચ્યો હતો. પૂર્વ કોર્પોરેટર સાથે કારમાં આવેલા પૃથ્વી પટેલ અને ગૌરી સોની ફાર્મ હાઉસમાં જ રોકાઈ ગયા હતા અને પૂર્વ કોર્પોરેટરે યુવતીને ઘરે મૂકી જવા માટે કારમાં બેસાડી હતી. ત્યારબાદ કારમાં આ સમગ્ર ઘટના બની હોવાની યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે.
પાદરાના પૂર્વ કોર્પોરેટર ભાવેશ ઉર્ફે લાલુ ચંદ્રકાંત પટેલ સામે યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પાદરામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકીય વર્તુળોમાં આ ઘટનાની ચર્ચાઓ થઈ રહી છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત