Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના માળોદ ગામમાં આંગણવાડી કેન્દ્ર પર સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો. સ્થાનિકોની ફરિયાદ છે કે, આંગણવાડી ખાતે બાળકોને પૂરતું ભોજન આપવામાં આવતું નથી. ભોજનમાં પણ સડેલી વસ્તુની ખાણી-પીણીની ચીજ વસ્તુ બનાવવામાં આવે છે. આ બાબતે સ્થાનિકોએ આંગણવાડી વર્કરનો ઉધડો લીધો હતો.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, આંગણવાડીમાં બાળકોનું રજિસ્ટ્રેશન વધુ દેખાડવામાં આવે છે. તેટલું જ નહીં અહીં બાળકોને સડેલું અનાજ ખવડાવવા તેમજ પૂરતું જમવાનું પણ આપવામાં આવતું નથી. આ ઉપરાંત સગર્ભા મહિલાઓને આંગણવાડીમાંથી આપવામાં આવતી વસ્તુઓની કીટ પણ બારોબાર વેચી નાખવામાં આવે છે.

આ અંગે માળોદ ગામના મસાણી જયપાલસિંહે વઢવાણ તાલુકા પંચાયતના મહિલા અને બાળ વિભાગના સીડીપીઓને લેખિત રજૂઆત કરીને આ મામલે કાર્યવાહી કરવા માંગ કરી છે. સીડીપીઓને લખેલા પત્રમાં જણાવાયું છે કે, આજે ગામમાં આવેલી આંગણવાડીમાં ગામની ત્રણ-ચાર મહિલાઓને સાથે રાખીને તપાસ કરવા માટે ગયા હતા. જ્યાં હાજર આંગણવાડીના વર્કર કલુબેનને અમોએ કેટલો સ્ટોક છે તેમજ ખોરાક ચોખ્ખા અને પોષણયુક્ત છે કે કેમ તે અંગે પૂછ્યું હતું. જેથી કલુબેને અમોને ધમકી આપી હતી અને ખોટા કેસમાં ફસાવી દેવાની વાત કરી હતી. ત્યારબાદ તેમના પતિ નિલેશભાઈએ પણ અમોને ચોકમાં આવીને ધમકી આપી હતી અને તેઓ રાજકીય વગ ધરાવતા હોય અમોને ફસાવી દેવાની વાત કરી હતી. સાથે જ આંગણવાડીમાં રહેલા સ્ટોક તેમજ ગુણવત્તા ચકાસી અને તેઓ ખોટા નામ લખી મોટો સ્ટોક બારોબાર વેચી દે છે. તો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી.

મહત્વનું છે કે, ગુજરાત રાજ્યમાં બાળકલ્યાણના હેતુથી દરેક ગામમાં નાનાં બાળકો માટે આંગણવાડીની યોજના અમલમાં મુકવામાં આવેલી છે. બાળકો પ્રાથમિક શિક્ષણ લેતા હોય તે પહેલા એના આરોગ્ય અને શિક્ષણનું ધ્યાન રાખવાનો મુખ્ય હેતુ હોય છે. પાંચ વર્ષથી નાની વયના બાળકોને આંગણવાડીમાં દાખલ કરવામાં આવે છે. આ બાળકોને અહીં રમતો રમાડવામાં આવે છે, ગીતો ગવડાવવામાં આવે છે તેમ જ પૌષ્ટિક આહાર પણ આપવામાં આવે છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના માળોદ ગામની આંગણવાડીમાં આનાથી વિપરીત થઈ રહ્યું હોવાની ફરિયાદ સ્થાનિક લોકોએ કરી છે.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત