Homeગુર્જર નગરીલલિત વસોયાનો કલેક્ટરને પત્રઃ ‘હું ડાયાબિટીસનો પેશન્ટ છું, છતાં મારે આ પગલું...

લલિત વસોયાનો કલેક્ટરને પત્રઃ ‘હું ડાયાબિટીસનો પેશન્ટ છું, છતાં મારે આ પગલું ભરવું પડશે’

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા દર્દીના સગાઓ કલાકો લાઈનમાં ઉભા રહે છે. ઘણી જગ્યાએ લાઈનમાં ઉભા રહેવા છતાં હાથમાં ઇન્જેક્શન નથી આવતા. રાજ્યમાં ખુલ્લેઆમ રેમડેસિવિર ઇન્જેક્શનના કાળા બજાર પણ થઈ રહ્યા છે. રેમડેસિવિર ઇન્જેક્શન સમયસર ન મળવાથી અનેક દર્દીઓ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. દર્દીની પરિસ્થિતિ વિકટ બની રહી છે. તેવામાં ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ રેમડેસિવિર ઇન્જેક્શન મામલે કલેક્ટરને પત્ર લખીને ઉપવાસ પર બેસવાની વાત કરી દીધી છે.

ધોરાજી-ઉપલેટા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ પત્ર લખીને તંત્ર પર રેમડેસિવિર ઇન્જેક્શન ન આપવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનને રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો પૂરો પાડવા અંગે પત્ર લખ્યો છે.

લલિત વસોયાએ પત્રમાં લખ્યું છે કે, ધોરાજી-ઉપલેટા વિસ્તારની સરકારી હોસ્પિટલ અને સરકાર માન્ય ખાનગી હોસ્પિટલના ડોક્ટર કોરોનાના ગંભીર પ્રકારના દર્દી માટે રેમડેસિવિર ઇન્જેક્શનની ઓનલાઈન માંગણી કરે છે. છેલ્લા બે દિવસથી આ માંગણીનો 10 ટકા જથ્થો પણ સરકાર દ્વારા આપવામાં આવતો નથી. જેના કારણે દર્દીઓના મરણ થઈ રહ્યા છે. જો આવતીકાલ સુધીમાં માંગણીના 50 ટકા જેટલા રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં નહીં આવે તો હું ધોરાજી ડેપ્યુટી કલેક્ટર ઓફિસ સામે આમરણાંત ઉપવાસ પર બેસીશ.

કલેક્ટરને લખેલા આ પત્રમાં લલિત વસોયાએ આગળ એમ પણ લખ્યું કે, પોલીસ દ્વારા મારી અટકાયત કરવામાં આવશે તો પણ મારા ઉપવાસ ચાલુ રાખીશ. હું ડાયાબિટીસનો પેશન્ટ છું. છતાં મારા વિસ્તારના લોકો માટે મારે આ પગલું લેવું પડશે જેની ગંભીરતાથી નોંધ લેશો.

આમ જો આવતીકાલે ધોરાજી-ઉપલેટા પંથકમાં તંત્ર દ્વારા પૂરતા પ્રમાણમાં રેમડેસિવિર ઇન્જેક્શન પૂરા પાડવામાં નહીં આવે તો લલિત વસોયા ધોરાજી ડેપ્યુટી કલેક્ટર ઓફિસ સામે ઉપવાસ પર બેસી જશે.

મહત્વનું છે કે લલિત વસોયાએ થોડા દિવસ પહેલા ધોરાજી-ઉપલેટાના દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન મળી રહે તે માટે સરકારી હોસ્પિટલને પાંચ-પાંચ લાખ રૂપિયા ફાળવ્યા હતા અને આ રૂપિયા માત્રને માત્ર ધોરાજી-ઉપલેટાના દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન મળી શકે તે માટે જ વાપરવા કહ્યું હતું.

ગુજરાતમાં અનેક જગ્યાએ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત હોવાની ફરિયાદો ઉઠી રહી છે. દર્દીઓને જરૂરિયાતના પ્રમાણમાં તંત્ર દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન પૂરા પાડવામાં નથી આવી રહ્યા. જેના કારણે ક્રિટિકલ દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે. ઘણી જગ્યાએ ઉંચા ભાવે રેમડેસિવિર ઇન્જેક્શન વેચાઈ રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આવા કેટલાક કાળા બજારીયાઓ સામે પગલાં પણ ભરવામાં આવ્યા હોવા છતાં ઘણી જગ્યાએ આ પ્રકારને વધુ ભાવ લઈને ઇન્જેક્શન વેચવામાં આવી રહ્યા છે. દર્દીઓની પરિસ્થિતિનો લાભ ઉઠાવીને ઘણા લોકો રેમડેસિવિર ઇન્જેક્શન ઉંચા ભાવે વેચી રહ્યા છે. અને બીજી તરફ રાજ્યનું સરકારી તંત્ર દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઇન્જેક્શન પૂરા પાડી શકતું નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments