Homeગામનાં ચોરેભાજપના નેતા રેમડેસિવર ઇન્જેક્શન મામલે પોતાની જ સરકારના મંત્રીના બંગલા સામે ધરણા...

ભાજપના નેતા રેમડેસિવર ઇન્જેક્શન મામલે પોતાની જ સરકારના મંત્રીના બંગલા સામે ધરણા પર બેસી ગયા

Team cHabuk-National Desk: દેશભરમાં વધતા કોરોનાના કેસના કારણે હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન અને દવાની માગ પણ વધી રહી છે. અનેક જગ્યાએ હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા. ઓક્સિજનની પણ અછત વર્તાઈ રહી છે. ઘણી જગ્યાએ રેમડેસિવિર ઇન્જેક્શનની પણ ઘટ છે. તેવામાં મધ્યપ્રદેશમાં ભાજપના એક નેતા રેમડેસિવિર ઇન્જેક્શન બાબતે તેમની ભાજપની સરકાર સામે જ મોરચો માંડીને બેસી ગયા હતા.

વાત મધ્યપ્રદેશના ગ્વાલિયરની છે જ્યાં ભાજપના એક નેતાએ રાજ્યની શિવરાજસિંહની સરકાર સામે મોરચો માંડ્યો હતો. ભાજપના પૂર્વ શહેર જિલ્લા અધ્યક્ષ દેવેશ શર્મા શિવરાજ સરકારના કોવિડ-19 પ્રભારી મંત્રી પ્રધુમ્ન સિંહ તોમરના બંગલાની સામે ધરણા પર બેસી ગયા હતા.

ગ્વાલિયરમાં કોરોનાથી હાલત અત્યંત ખરાબ છે. જેથી ભાજપના નેતા દેવેશ શર્મા મોડી રાત્રે ઉર્જા મંત્રી પ્રધુમ્ન સિંહ તોમરના બંગલાની બહાર ધરણા પર બેસી ગયા હતા. દેવેશ શર્માનું કહેવું છે કે, ભાજપના કાર્યકરોને રેમડેસિવિર ઇન્જેક્શન નથી મળી રહ્યા. જેના કારણે સંઘ કાર્યકર્તાની ભાભીનું મોત થઈ ગયું છે. જેથી તેઓ ધરણા પર બેઠા છે. તેમનું કહેવું છે કે આગામી સમયમાં સ્થિતિ વધુ ખરાબ થવાની સંભાવના છે.

રેમડેસિવિર ઇન્જેક્શનને લઈને ભાજપ દેવેશ શર્મા ગત મોડી રાત્રે શિવરાજસિંહની સરકારના મંત્રી પ્રધુમ્ન સિંહ તોમરના બંગલાની બહાર ધરણા પર બેસી ગયા હતા. આ વાતની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો મંત્રીના બંગલા પર પહોંચી ગયો હતો. પોલીસે દેવેશ શર્માને ધરણા પૂરા કરીને પોલીસ સ્ટેશને આવવા કહ્યું હતું. પરંતુ દેવેશ શર્મા પોતાની માગ પર અડગ રહ્યા હતા અને હંગામો મચાવ્યો હતો. પોલીસને દેવેશ શર્માએ કહી દીધું હતું કે, તમે મારી ધરપકડ કરી લો. જનસંઘના સમયથી હું ભાજપનો કાર્યકર છું. જેટલી તોમરજીની ઉંમર નથી તેટલો સમય મને આંદોલન કરતાં થઈ ગયો છે.

ભાજપના કાર્યકર જ રેમડેસિવિર ઇન્જેક્શનની માગને લઈને પોતાની સરકાર સામે ધરણા કરી રહ્યા હોવાની જાણ એક કોંગ્રેસ નેતાને થતાં તેઓ પણ ધરણા સ્થળ પર પહોંચી ગયા હતા. કોંગ્રેસના નેતા સતીશ સિકરવારને જાણ થતાં જ તેઓ રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજનની માગને લઈને દેવેશ શર્માની સાથે ધરણા પર બેસી ગયા હતા.

આ તમામ ઘટના બાદ મધ્યપ્રદેશના ઉર્જા મંત્રી પ્રધુમ્ન સિંહ તોમર દેવેશ શર્માને મનાવવા માટે દોડી આવ્યા હતા. મંત્રીએ દેવેશ શર્માને મનાવતા અંતે ધરણાનો અંત આવ્યો હતો. મહામુશ્કેલીથી દેવેશ શર્મા મંત્રીના બંગલા સામેથી હટ્યા હતા અને પોતાના ધરણા પૂર્ણ કર્યા હતા. મંત્રીએ દેવેશ શર્માને ઇન્જેક્શન અપાવવાનું આશ્વાસન આપ્યું હતું. ઘટનાના અંતે દેવેશ શર્માએ કહ્યું હતું કે, મેં મંત્રીને જગાડવાનું કામ કર્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments