Homeગુર્જર નગરીખાતરના ભાવ વધારાનો મામલોઃ ચોટીલાના ધારાસભ્યએ મુખ્યમંત્રીને કહ્યું, પાછલા બારણેથી ભાવ વધારો...

ખાતરના ભાવ વધારાનો મામલોઃ ચોટીલાના ધારાસભ્યએ મુખ્યમંત્રીને કહ્યું, પાછલા બારણેથી ભાવ વધારો થઈ રહ્યો છે

Team Chabuk-Gujarat Desk: રાસાયણિક ખાતરોના ભાવ વધારાનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી સળગી રહ્યો છે. કંપનીઓ ભાવ વધારો કરવાના મૂડમાં છે જ્યારે ખેડૂતો આ તોતિંગ ભાવ વધારાનો વિરોધ કરી રહ્યા છે. સરકાર પણ જાણે આ મામલે પોતાના આંખ આડા કાન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં ફરી એકવાર ખાતરના ભાવમાં વધારા મામલો ચર્ચામાં આવ્યો છે. સુરેન્દ્રનગરના ચોટીલાના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખીને ખાતરનો ભાવ વધારો પરત ખેંચવા ઉગ્ર રજૂઆત કરી છે.

ચોટીલાના કોંગ્રસના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ખાતરના ભાવ વધારા મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. આ પત્રમાં ઋત્વિક મકવાણાએ મુખ્યમંત્રીને રજૂઆત કરતાં લખ્યું છે કે, ‘ગત વિધાનસભાના સત્ર દરમિયાન કૃષિ મંત્રીએ સમગ્ર સન્માનનિય ગૃહ સમક્ષ ખાતરના ભાવોમાં કોઈજ પ્રકારના ભાવ વધારો અમલમાં નહીં આવનાર હોવાની ખાત્રી આપેલ. તે ઉપરાંત કેન્દ્રીય મંત્રી દ્વારા પણ ખાતરમાં કોઈ ભાવ વધારો નહીં આવે તે વાત કરવામાં આવી હતી. ત્યારે હાલમાં ખેડૂતો મહામારી સામે લડી રહ્યા છે. દવા, હોસ્પિટલના ખર્ચાઓ અસહ્ય છે. બજારો અશંતઃ બંધ છે. સરકારી બેંકો સિવાયની બેંકોએ પાક ધિરાણ ભરવા માટેની સમય અવધિમાં પણ કોઈ જ વધારો કર્યો નથી. એક સાથે અનેક સમસ્યાઓ સામે લડી રહેલ ખેડૂત વર્ગનું ધ્યાન આ બધી સમસ્યાઓ સામે હોય ત્યારે તેનો ગેરલાભ ઉઠાવી પાછલાં બારણેથી ભાવ વધારો  કરવાની ફિરાકમાં રહેલી કંપનીઓ તેમની ચાલમાં સફળ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ગુજકોમાસોલ દ્વારા વિતરકોને મોકલવામાં આવેલા પત્રની નકલ આપને આ સાથે સાદર કરી રહ્યો છું. કંપનીઓ દ્વારા આવા કટોકટી જેવા સમયે કરવામાં આવતું છળ અટકવું જોઈએ.તાત્કાલિક આ અંગે યોગ્ય નિર્ણય કરવા માટે સમગ્ર ગુજરાતના ગરીબ અને નાના ખેડૂત વર્ગ વતી આપને નમ્ર વિનંતી છે.’

આમ, ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ કંપનીઓ સામે આરોપ લગાવીને મુખ્યમંત્રી સમક્ષ આ ભાવ વધારો પરત ખેંચવાની માગણી કરી છે. આ અંગે યોગ્ય નિર્ણય નહીં આવે તો ખેડૂતો સાથે આંદોલન કરવા અને કંપનીઓ સામે લડત આપવાની પણ તૈયારી ઋત્વિક મકવાણાએ દર્શાવી છે.

મહત્વનું છે કે રાસાયણિક ખાતરોના ભાવમાં ગત દિવસોમાં કંપનીઓ દ્વારા તોતિંગ 50 થી 58 ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો. 1લી મેથી આ ભાવ વધારો અમલી બનતા રાજ્યના 54 લાખ ખેડૂતોને ફરીથી છેતરાયાનો અહેસાસ થઈ રહ્યો છે. કેમ કે ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પર દબાણ લાવીને ભાવ વધારો પરત ખેંચાવ્યો હતો. હવે પશ્ચિમ બંગાળની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. રાજ્યમાં પણ વિધાનસભાની ચૂંટણીને હજુ દોઢ વર્ષ જેટલો સમય બાકી છે ત્યારે ફરી ભાવ વધારો કરી દેવાયો હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે.

ખેડૂતો કહી રહ્યા છે કે સરકારે ચૂંટણીઓ ટાણે ભાવ વધારો સ્થગિત રાખીને ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે. બીજી તરફ ભાવ વધારા મામલે કંપનીઓ કહી રહી છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા માલમાં ભાવ વધારો આવ્યો હોવાથી ખાતરના ભાવ વધારવામાં આવ્યા છે. જો કે કંપનીએ વધારેલો ભાવ અત્યાર સુધીનો સૌથી મોટો ભાવ વધારો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. આ ભાવ વધારાના કારણે ગુજરાતના ખેડૂતો પર 1400 કરોડનો વધારાનો બોજ પડશે.

1લી મેથી સરકારી, સહકારી અને ખાનગી કંપનીઓએ ખાતરના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. 50 કિલોની થેલી દીઠ 58 ટકા સુધીનો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાતરની 50 કિલોની થેલી દીઠ થયેલો ભાવ વધારો નીચે મુજબ છે.

ખાતરજુનો ભાવનવો ભાવવધારો
DAP12001900700
NPK ગ્રેડ11751800615
APS9251350425
પોટાશ8501000150
ઉપરના ભાવ 50 કિલોની એક થેલીના છે
add

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments