Homeવિશેષજીવવું કે જીતવું ? વિકલ્પ આપણે પસંદ કરવાનો છે

જીવવું કે જીતવું ? વિકલ્પ આપણે પસંદ કરવાનો છે

રૂપલ મહેતાઃ જીંદગી અત્યારે શું શીખવી રહી છે? ખબર છે મને જીવી લ્યો, મારી ક્ષણોને પેન્ડીંગ ના રાખો. ક્યારે કોણ કોને છોડીને જતું રહેશે? માટે કોઈપણ સંબંધમાં ગમે તેટલી કડવાશ આવે, તે દુર કરીને તે સંબંધી સાથે મોજથી જીવી લઈએ. કોઈના ગયા બાદ આવું જીવ્યા હોત તો એવી રંજીશ સાથે જીવવું એના કરતા નાની નાની બાબતોને ભૂલી જઈ તેઓની સાથે જીવી લઈએ. સંબંધોમાં પડેલી તિરાડોને સમજણના પ્લાસ્ટર વડે પુરવાની કોશિશ કરતાં રહીએ. કેટલા કેટલા જાણીતા ચહેરા આજ-કાલ આપણને છોડીને જઈ રહ્યા છે, રોજ ઉગતો દિવસ શોકિંગ સમાચારો વચ્ચે પસાર થઇ રહ્યો છે. કાલે જેને જોયા હોય તેવા સ્વજનો આજે આપણને છોડીને જતા રહે છે. હજી પણ સમય છે, નજીકની કોઈ વ્યક્તિ સાથે જો આપણે કોઈ મનદુ:ખને લીધે ના બોલતા હોઈએ, તો બોલી જઈએ. રાગ,દ્વેષ,બધું ભૂલીને તેઓ સાથે મસ્ત મજાનું જીવી લઈએ. આપણે જિંદગીમાં ક્ષણોનું સરવૈયું કાઢવા બેસીએ તો સમજાય કે કેટલી બધી ક્ષણો આપણે કોઈ સાથેના મન-દુ:ખ પાછળ બરબાદ કરી દેતા હોઈએ છીએ. કેટલો બધો બિનજરૂરી કચરો આપણે મનમાં સંગ્રહી રાખતા હોઈએ છીએ. આપણે બધું છોડી શકીએ છીએ, પણ અહમ છોડી શકતા નથી. બદલો લેવો જાણે આપણો જીવનમંત્ર બની રહે છે. વ્યક્તિઓ સાથે જોડાયા બાદ આપણે એવા બંધાઈ જઈએ છીએ કે સંબંધોમાં રહેલી આત્મીયતા જ ભૂલી જતા હોઈએ છીએ.

સંપતિના મોહમાં જીવનની લાગણીઓને અવગણતા રહીએ છીએ, અને પછી સંપતિના ઢગલામાં સંવેદનાઓ શોધતા રહીએ છીએ. હકીકત તો એ છે કે આપણે સંબંધોને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લઈ લેતા હોઈએ છીએ. કાલે જીવીશું, કાલે જીવીશું, એમ કરતા કરતા ક્ષણોને આગળ ધકેલતા જઈએ છીએ, અને પછી એ જ ક્ષણો જીવનમાંથી સરકી જતી હોય છે. ગેરહાજરી હાજરી કરતા વધુ એટલે જ ફીલ થાય છે કે આપણે સાથને માણવાને બદલે કેપ્ચર જ કરતાં રહેતાં હોઈએ છીએ. જિંદગીનો ઇન્ટરનલ સ્ટોરેજ રેડ લાઈન બતાવતો રહે છે, પણ આપણે ભૂલી જવા જેવું હોય છે, તેને ડીલીટ મારતા જ હોતા નથી. સ્ટોરેજ ફૂલનું સિગ્નલ આવે, અને જિંદગી હેંગ થઈ જાય ત્યાં સુધી આપણે સમજતા હોવા છતાં અમુક બાબતોને અમલમાં મૂકતા શીખતા જ હોતા નથી. કેટલાક લોકો તો કોઈએ કરેલા અપમાનનો બદલો લેવા પોતાની આખી જિંદગી તેની પાછળ ખર્ચી નાખતાં હોય છે, કેવું જીવન! આપણે માણસો સાથે જીવીએ છીએ, રહીએ છીએ, અને દરેક માણસમાં કોઈને કોઈ ખામી તો હોય જ છે. ક્યારેક આપણને કોઈથી તો ક્યારેક કોઈને આપણાથી ખોટું લાગી જતું હોય છે, પણ મિત્રો એ બધું ભૂલી જવાનું. આજે એક સુંદર મેસેજ વાંચ્યો

કોઈની ખામી કે ખરાબી

શોધવા વાળા મનુષ્યની

ઓળખાણ માખી જેવી છે.

જે પુરા સુંદર શરીરને છોડીને ફક્ત

જખમ પર જ બેસે છે.

હવે નક્કી આપણે કરવાનું આપણે કોણ છીએ? જીવવું કે જીતવું? વિકલ્પ આપણે પસંદ કરવાનો હોય છે. કોઈ એકાએક છોડીને ચાલ્યું જશે, તો બહુ બધા અફ્સોસ રહી જશે. અને અહેસાસ અફસોસ કરતા હમેંશા સુખ આપતા રહે છે. આપણે કોના પર એકાગ્ર થવું? એ આપણે નક્કી કરવાનું છે. ઈશ્વરે આપણને સૌને સ્વ-તંત્ર જિંદગી આપી છે, હવે આ બધી બાબતોથી એને મુક્ત રાખતાં આપણે શીખવાનું છે.

જિંદગીમાં આ સ્વચ્છતા સૌથી જરૂરી છે. મનની સ્વસ્થતા માટે…….

તો આવજો કોઈની સાથે જોડાઈને રહેજો, બંધાઈને નહિ!

તો આવજો અને જીવજો.

add

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments