Homeગુર્જર નગરીસોમાભાઈ આ બધું શું છે યાર ? આમ હોય કાંઈ ?

સોમાભાઈ આ બધું શું છે યાર ? આમ હોય કાંઈ ?

તે હે ચાબુક. સોમાભાઈએ આખરે ગુજરાત ભાજપને ઉષ્ટ્રાંગાસન કરાવી દીધું. છેલ્લે સુધી સોમાભાઈ ક્યાંય નહોતા અને હવે ચૂંટણી પ્રચારના અંતમાં આવી ગયા તો આખી ભાજપ એક જ બોલમાં આઊટ થઈ ગઈ. સોમાભાઈનો સ્ટીંગરૂપી જે અગનગોળો આજે ઉડ્યો છે એ ઘણાને દઝાડશે. જેમ એક તસવીર એક હજાર શબ્દોની ગરજ સારે તેમ સોમાભાઈનો વીડિયો સંધાય વીડિયોની ગરજ સારશે.

અત્યાર સુધી બધા નેતાઓ કહેતાં હતાં કે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં ગયા એમને 16 મળ્યા, કોઈ કહે 25 મળ્યા કોઈ કહે 15 મળ્યા અને સોમાભાઈએ કહી દીધું, 10 કરતાં વધારે કોઈને નથી મળ્યા. મને તો લાગે ચાબુક હવે પ્રતાપભાઈએ 16 કરોડવાળી નોટની નોટબંધી કરી 10 કરોડની નોટ સોશિયલ મીડિયા પર મૂકી દેવી જોઈએ, કારણ કે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતા જ એમ કહી રહ્યાં છે કે, ‘બધાને દસમાં જ બસ.’

આખી વાત શું થઈ તેને જોઈએ. જેથી તને ખ્યાલ આવે ચાબુક.

વ્યક્તિ :  ભાજપના લોકો શું આપશે હવે?


સોમાભાઇ પટેલ : એ તો બધુ થઇ ગયું…


વ્યક્તિ : આપ્યું તો હશે ત્યાંથી…?


સોમાભાઇ પટેલ : હા તો એમ જ કોઇ થોડી રાજીનામું આપે


વ્યક્તિ : સોમાભાઇએ રાજીનામું આપી અને કેટલાક પૈસા લીધા, ભાજપ પાસેથી પૈસા લીધા…આવું કંઇક તમને બ્રિફ કર્યું હશે…


સોમાભાઇ પટેલ- કોંગ્રેસ જો ન આપે તો હું ગમે ત્યાંથી લડીશ, એનસીપીના લોકો પણ મારા પાછળ પડ્યા છે, હું ચાર વખત સાંસદ બન્યો. તમામ લોકો મને ઓળખે છે. ચાર વખત સાંસદ બનવું એક જ સીટ પરથી નાની વાત થોડી છે. પરંતુ ભાજપ સમગ્ર ખર્ચો કરતી હતી મારી પાછળ, અને કોંગ્રેસમાં ખર્ચો નથી થતો.


વ્યક્તિ : રાજીનામું આપ્યું તો બે-પાંચ કરોડ લીધા હશે?


સોમાભાઇ પટેલ : એ તો જેને આપ્યા તે મને આપ્યા…


વ્યક્તિ : એમ તો વાત થાય છે કે 15 કરોડ આપ્યા 20 કરોડ આપ્યા. પરંતુ 5 કરોડ તો આપ્યા હશે?


સોમાભાઇ પટેલ : તમામને આપ્યા અમિત શાહે, જે આપ્યું તમામને આપ્યું છે. નહીં તો કોઇ કેમ રાજીનામું આપે. કોઇની પાસે ટિકિટની ડીલ કરી તો કોઇને પૈસા આપ્યા.


વ્યક્તિ : આટલા પૈસા લાવે છે ક્યાંથી ભાજપવાળા, ખુબ પૈસા ખર્ચ કરે છે. તમામ જગ્યાએ પૈસા ખર્ચ કરે છે?


સોમાભાઇ પટેલ : કોઇને કહેવાનું નહીં ખાલી…પૈસા લાઓ, રિલાયન્સ, ટાટા તમામ એમની પાસે છે. ખુબ પૈસા છે એમની પાસે…


વ્યક્તિ :  આ લોકો કહી રહ્યા છે કે 20 કરોડ આપ્યા છે સોમાભાઇને, 20 કરોડમાં વાત થઇ?


સોમાભાઇ પટેલ : ના, ખોટી વાત છે. ખોટી વાત છે. કોઇને પણ 10થી વધારે નથી આપ્યા.


વ્યક્તિ : તો 20 કરોડની વાત કરે છે?


સોમાભાઇ પટેલ : એ તો…બોલવું હોય તો કોઇ પણ બોલે…

નવરાત્રીમાં ગરબે નહોતા રમ્યા ને એ બધાને આજે સોમાભાઈની વાત પછી મગજમાં ગરબા રમાઈ ગ્યા. અને આ મીડિયાવાળા શું કરે છે ? અત્યાર સુધી તો મીડિયા ‘‘સ્ટીંગ’’ ઓપરેશન કરતી હતી. હવે આ તો વિચિત્ર! કોંગ્રેસવાળા ‘‘સ્ટીંગ’’ કરી આવ્યા. મીડિયાવાળા તો ખાલી વાતો કરતાં હતાં કે, પરેશભાઈ કહે છે, 15માં ગયા, પ્રતાપભાઈએ 16 કરોડની સોશિયલ મીડિયા પર નોટ શેર કરી, હાર્દિકભાઈ કહે 25માં ગયા.

હું કઉં અમિતભાઈ ચાવડાને કોઈ ચેનલના હેડ બનાવી દો કાં છાપાના તંત્રી બનાવી દો. જે સ્ટીંગ ઓપરેશન પત્રકારો કરતાં હતાં એ તો કોંગ્રેસ કરી આવી, તો પછી મીડિયાનું કામ શું છે ? એક મહત્વના સમાચાર આવી રહ્યા છે એ કહેવાનું ? ખબર તો કોંગ્રેસે આપી. આજે કોંગ્રેસ સ્ટીંગ કરીને ન લાવેત તો ચેનલવાળાવને મટીરીયલ જ ન મળેત.

‘ગોવા બાપા તમારી હવે ઉંમર થઈ. ગુસ્સે કેમ થાવ છો ?’

અરે ભાઈ હું તો ઉંમર લાયક પત્રકાર છું. સ્ટીંગ ન કરી શકું. બાકી પત્રકારો પાસેણ ખાવા પીવા એક જ શબ્દ હતો, એ પણ કોંગ્રેસવાળા લઈ ગયા.

અમિતભાઈ ચાવડાએ શું કહ્યું ?

કોંગ્રેસના અમિતભાઈ ચાવડાનું સાફ કહેવું છે કે, પદ અને પૈસાની લાલચ આપીને ધારાસભ્યોને ખરીદવામાં આવ્યા છે. વધુમાં કહે છે કે, પૈસા આપી ભાજપે રાજીનામા અપાવ્યા. અને હવે વીડિયોમાં જેમના નામ છે તેમની વિરૂદ્ધ તપાસ થવી જોઈએ.

ચાબુક આ વીડિયો સામે આવ્યા બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પોતે સ્પષ્ટતા કરવા આવવી પડી. એટલે કે પહેલાં આક્ષેપ અને પછી તરત જ પ્રતઆક્ષેપનો દોર શરૂ થયો.

સી.આર.પાટીલે શું કહ્યું ?

સી.આર.પાટીલે કોંગ્રેસના આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે. એટલું જ નહીં સી.આર.પાટીલે આક્ષેપ કર્યો છે કે, વીડિયો કાપકૂપ કરીને બનાવ્યો છે. સોમાભાઈ જેવા દેખાતા વ્યક્તિને ઉભો કરવામાં આવ્યો છે. વીડિયોમાં કોઈનું મોં દેખાતું નથી. વીડિયોમાં વ્યક્તિનું મોં દેખાતું હોય તેવો વીડિયો કોંગ્રેસ જાહેર કરે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે લોકોને ભ્રમિત કરી રહી છે. તેમણે ગુજરાતની પ્રજાને અપીલ કરી છે કે, આવા જુઠ્ઠાણાથી ભ્રમિત ન થાય. ચાબુક સી.આર.પાટીલે તો ત્યાં સુધી કહી દીધુ કે જુઠ્ઠાણા ફેલાવવા બદલ કોંગ્રેસ જનતાની માફી માગે.

ગોરધન ઝડફિયાનું 6 મહિના પહેલા

હવે સ્ટીંગ ઓપરેશનનો વીડિયો આવતાની સાથે જ ભાજપના કદાવર નેતા ગોરધન ઝડફિયાએ આ મુદ્દે ભાજપનો બચાવ કર્યો ચાબુક. એમણે કહ્યું કે, આ ઘટના તો છ મહિના પહેલા બની હતી. અને એમણે કહ્યું કે, આવા ગતકડાં કરવાની જગ્યાએ પ્રજાની વચ્ચે જઈ કામ કરો.

‘‘ગોવા બાપા તમે એક વાર નહોતા કહેતા, કે તમે બારમાં ધોરણમાં નાપાસ થયેલા ત્યારે તમારા બાપાએ 6 મહિના સુધી દંડે દંડે મારેલા.’’

હા ચાબુક. ગોરધનભાઈનું નિવેદન એ વખતે આવ્યું હોત તો હુંય મારી ધૂળ કાઢી નાખતા બાપાને કહેત કે, આ બધું તો હવે છ મહિના જૂનું થયું.

જ્યોતિરાદિત્યને પંજો યાદ આવ્યો

તને તો ખબર છે ચાબુક કે જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે. કોંગ્રેસના નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે જ્યોતિ તો 50 કરોડમાં ગયા.

‘એ જાણવા માટે તો ગોવા બાપા સ્ટીંગ કરવું પડે.’

હા ચાબુક. જ્યોતિરાદિત્ય સિંધિયા ઈમરતી દેવીનો પ્રચાર કરવા ગયા હતા. જોશ જોશમાં બોલતા હતા. એમાં છેલ્લી લાઈન આવીને તો એમને એમના જૂના દિવસો સાંભરી ગ્યા. ઓલી કેમ નવી વહુ સાસરે આવે ત્યારે તેને જૂની સખીઓ યાદ આવે, એમ જ્યોતિરાદિત્યને એમની જૂની પાર્ટી યાદ આવી ગઈ.

‘બોલ્યા શું ગોવા બાપા?’

ભાજપને મત આપવાની જગ્યાએ કોંગ્રેસનો પંજો દબાવજો એવું બોલી ગ્યા. હવે જ્યોતિરાદિત્ય સમગ્ર ભારતવર્ષમાં વાઈરલ બન્યા છે. તું નીચે જોઈ લે. મારાથી તો હવે વધારે જોવાતું નથી. જગમાલની દુકાને એટલી વખત વીડિયો જોયો કે હસી હસીને જડબુ દુખી ગ્યું છે. અને હવે તો ટ્વીટર પર કોંગ્રેસે કહે છે કે, આમની વાત માનો!!!

એમણે ભૂલ સુધારવાનો પ્રયત્ન કરેલો ચાબુક પણ શું કઉં ? મસાણે ગયેલા લાકડાં, બોલાયેલા વેણ, ઘરમાંથી ગયેલું પુસ્તક અને પ્રત્યંચામાંથી છૂટેલું બાણ… ઈ પાછા નો વળે ચાબુક. બસ એમ જ જ્યોતિભાઈનું થયું.

‘‘તયે હાલો આજની નોકરી પૂરી. તમે તો ગોવા બાપા આખા ગુજરાતમાં એટલા લોકપ્રિય થયા છોને કે એક દિવસની પણ તંત્રી રજા નથી આપતા.’’

‘‘તયે ચાબુક હું કોણ ? ગોવા બાપા.’’

(ગોવા બાપાની અનુભવી કલમે લખાયેલા રાજકારણનાં હાસ્ય-વ્યંગ અને કટાક્ષ કરતાં સમાચારો વાંચો. રોજ સાંજે.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments