2019ની લોકસભા ચૂંટણી ભાજપ જીત્યું, મંત્રીમંડળની જાહેરાત થઈ. જેમાં એક નામ હતું પ્રતાપ ચંદ્ર સારંગી. પ્રતાપ ચંદ્ર સારંગી તે વખતે સાદગી અને ગરીબીના કારણે દેશમાં ચર્ચામાં આવ્યા. દેશમાં અનેક એવા નેતાઓ છે અથવા થઈ ગયા જેઓ પોતાની સાદગીના કારણે દેશના લોકોના મુખે આજે પણ અમર છે. એવું એક નામ એટલે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર. ચાબુકના અગાઉના બિહાર ચૂંટણીના નારા પરનાં લેખમાં કર્પૂરી ઠાકુર વિશે થોડી વાત કરેલી પરંતુ અહીં કર્પૂરી ઠાકુરની સાદગી વિશેની એવી વાતો તમે વાંચશો અને કહેશો વાહ નેતા હોય તો આવા.
બિહારમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. બિહારની રાજનીતિ પર હંમેશાં દેશની નજર મંડાયેલી હોય છે. ભલે કોઈને લાગેવળગે તેમ ન હોય પણ બિહાર ચૂંટણીની ચર્ચા દેશભરમાં થતી હોય છે.
બિહારે અનેક એવા મુખ્યમંત્રીઓ પણ આપ્યા જેની સફર જીરોથી હીરો સુધીની રહી હોય. આવું એક નામ એટલે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર. તમે વિચારો કે કોઈ નેતા જે મુખ્યમંત્રી રહી ચૂક્યો હોય અને ફાટેલા કપડાં પહેરીને આટાંફેરા મારતો હોય તો કેવું લાગે. પરંતુ કર્પૂરી ઠાકુર હતાં જેણે કોઈ દિવસ સત્તાનો નશો પોતાના પર ચડવા ન દીધો. એક સામાન્ય શિક્ષકમાંથી તેઓ બિહારના મુખ્યમંત્રી બની ગયા પરંતુ પોતાની સાદગીને અળગી ન થવા દીધી.
કર્પૂરી ઠાકુરની સાદગી સાથે જોડાયેલા કિસ્સાની વાત કરીએ તો વર્ષ 1974માં બિહારમાં વિદ્યાર્થી આંદોલનની જ્વાળા સળગતી હતી. જેપીના નિવાસ સ્થાને એક બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર પણ હાજરી આપવા પહોંચ્યા. બેઠકમાં તમામ પક્ષના નેતાઓ હાજર હતા.
દિલ્હીથી ચંદ્રેશેખર પણ આવેલા. ચંદ્રેશેખરે કર્પૂરી ઠાકર પર નજર કરી તો તેમણે પહેરોલો કૂર્તો ફાટેલો હતો. તુરંત જ ચંદ્રશેખરે હાજર નેતાઓ પાસેથી ફંડ ઉઘરાવવાનું શરૂ કર્યું. લગભગ સો-દોઢસો રૂપિયા એકઠાં થયા. ચંદ્રશેખરે આ રૂપિયા કર્પૂરી ઠાકુરના હાથમાં મૂકતા કહ્યું કે, પોતાના માટે થોડું વિચારો અને નવા કૂર્તા ખરીદો.જો કે કર્પૂરી ઠાકુર આ રૂપિયા લેવાની ના પાડતાં હતા પરંતુ ચંદ્રશેખરની જીદ સામે જૂકીને રૂપિયાનો સ્વીકાર કર્યો.
બીજી ઘટના કર્પૂરી ઠાકુર જ્યારે 1952માં ધારાસભ્ય હતા ત્યારે બનેલી. 1952માં વિધિ નિર્માતા પ્રતિનિધિ સમિતિનું એક પ્રતિનિધિ મંડળ ઓસ્ટ્રેલિયા અને યુરોપના પ્રવાસ પર ગયું હતું જેમાં કર્પૂરી ઠાકુર પણ સામેલ હતા.
યુરોપમાં ઠંડી કેવી જોરદાર પડે તેની સૌને અગાઉથી જાણ હતી. બધાને સાથે કોટ લેવાનું અગાઉથી કહી દેવામાં આવેલું. પરંતુ કર્પૂરી ઠાકુર પાસે પોતાનો કોટ હતો નહીં તેથી તેમણે મિત્ર પાસેથી જૂગાડ કર્યો. જૂનો કોટ ઉધાર લીધો અને ઉપડ્યા વિદેશ પ્રવાસે. પરંતુ જેવા યૂગોસ્લાવિયા પહોંચ્યા કે તેમની પાસે રહેલો કોટ ત્યાંની ઠંડી સામે નક્કામો બની ગયો. ત્યાંના રાષ્ટ્રપતિ માર્શલ ટીટોએ જ્યારે કર્પૂરી ઠાકુરનો કોટ જોયો તો તેમના માટે એક નવો કોટ મંગાવીને ગિફ્ટ કર્યો.
આ હતી કર્પૂરી ઠાકુરની સાદગી. સાદુ જીવન ઉચ્ચ વિચાર તેમના જીવનનો મંત્ર હતો. વિદ્યાર્થીકાળથી તેઓ આઝાદીની લડાઈમાં સામેલ થયા હતા. આઝાદી મળી તો વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કરી દીધું. તેમનો જન્મ થયો તે ગામનું નામ હતું પિતૌઝિયા, હતું એટલા માટે કહ્યું કે હવે આ ગામનું નામ લોકોએ બદલીને કર્પૂરી ઠાકુરના નામ પરથી કર્પૂરી કરી નાખવામાં આવ્યું છે. જેટલી સાદગીને વરેલા રહ્યા તેટલા જ લોકોમાં પણ કર્પૂરી ઠાકુર લોકપ્રિય રહ્યા.
મુખ્યમંત્રી તરીકે તેમની પહેલી ટર્મ ઘણા ઉતાર ચઢાવ ભરી રહી. બધાને ખુશ રાખવાના ચક્કરમાં સાત અઠવાડિયામાં પાંચ વખત મંત્રીમંડળનું વિસ્તરણ કરવું પડેલું. તેમ છતાં અસંતોષ ઓછો ન થયો અને અવિશ્વાસના પ્રસ્તાવની નોટિસ આપવામાં આવી.
જોકે તે પહેલાં જ કર્પૂરી ઠાકુરે રાજીનામું ધરી દીધું. બીજી વખત તેઓ 1977માં મુખ્યમંત્રી બન્યા. મુખ્યમંત્રી તરીકેની બીજી ટર્મમાં કર્પૂરી ઠાકુરે મુંગેરીલાલ કમિશનની રિપોર્ટ પર બિહારમાં નિમ્ન વર્ગ માટે 20 ટકા અનામત લાગુ કર્યું. પાછળથી આ નિર્ણય જ તેમના વિરોધનું મોટું કારણ બન્યો. સરકારની અંદર જ વિરોધ શરૂ થયો.
11 એપ્રિલ 1979ના રોજ જમશેદપુરમાં ભડકેલી હિંસા પછી તેમની ખુરશી ડામાડોળ થઈ ગઈ. કેન્દ્રીય નેતૃત્વને પણ લાગ્યું કે મોટાભાગના ધારાસભ્યો કર્પૂરી ઠાકુરના વિરોધમાં છે અંતે કર્પૂરી ઠાકુરને રાજીનામું આપવું પડ્યું. ત્યારબાદ કર્પૂરી ઠાકુરની સૌથી લાંબી રાજકીય સફર વિપક્ષ નેતા તરીકે ચાલી પરંતુ અંતે આ પદ પણ તેમની પાસેથી ખેંચી લેવામાં આવ્યું.