Homeસાહિત્ય‘મારું અનુકરણ કરો’ એમ શક્તિશાળી કલાકારો કદી કહેતા નથી હોતા : સુમન...

‘મારું અનુકરણ કરો’ એમ શક્તિશાળી કલાકારો કદી કહેતા નથી હોતા : સુમન શાહ

સુમન શાહ. આપણા સુમન શાહ. સુરેશ જોષીના વિદ્યાર્થી. સુરેશ જોષી પર ખૂબ કામ કર્યું. આધુનિક સાહિત્ય પર પણ કામ કર્યું. વિવેચન પર વાંચવા ગમે અને તેમનાથી પ્રેરાયને લખવાની ખંજવાળ ઉપડે તેવા પુસ્તકો લખ્યા. ઘણાની ફરિયાદ હોય છે કે વિવેચનમાં તો વિવેચકો કેવા અઘરા અઘરા શબ્દો પ્રયોજતા હોય છે. ચાબુક એમને સલાહ આપે છે. જાઓ અને અમદાવાદમાં આવેલી સાહિત્ય પરિષદમાંથી મળતા સુમન શાહના પુસ્તકો ખરીદો.

એમના પ્રવચનો સાંભળો તો મજા આવી જાય. મજા આવી જાય એટલે કંઈ મોટિવેશન જેવી વાતો ન હોય. સાહિત્યની જ વાતો હોય. પણ જે મધુર અવાજ એમના કંઠમાંથી નીકળે… સુરેશ જોષીના જન્મદિવસથી લઈને અત્યાર સુધી તેઓ સમયાંતરે લાઈવ થાય છે. એ સમયે તેમના ચહેરા પર સ્મિત રેલાતું હોય. એ જ જોવાની મજા આવી જાય. આજે એ 82 વર્ષના થયા. જન્મદિવસ છે એમનો.

ગુજરાતી વિષય સાથે બાર ધોરણ સુધી જ ભણ્યા પછી કેટલાક સાહિત્યકારોને વાંચ્યા, જેઓ પ્રદ્યાપક પણ છે. વાંચ્યા એટલે ગુજરાતી વિષય સાથે વધારે ન ભણ્યાનો વસવસારૂપી ડંખ રહી ગયો. એમની પાસે ન ભણ્યાનો વસવસો રહી ગયો. સુરેશભાઈ પાસે તો ન જ ભણી શકીએ, પણ તેમના વિદ્યાર્થીઓ બાબુ સુથાર, સુમન શાહ, શિરીષ પંચાલ અને પછી નવામાં ભરત મહેતા અને શરીફા વીજળીવાળા પાસે પણ ભણવાની ઈચ્છા ઈચ્છા બનીને રહી ગઈ.

80 પુસ્તકોના લેખક છે સુમન શાહ. સાંઈઠ વર્ષ લખ્યું. હજુ લખે છે. ગુજરાતી સાહિત્ય પરિષદમાં તેમના પુસ્તકો સાથે પ્રથમ વખત મુલાકાત થઈ. મુલાકાત પાછળનું મૂળ કારણ કહું.

મોહન પરમાર અને મણિલાલ પટેલ દ્રારા વિશ્વકક્ષાની ગુજરાતી વાર્તા નામનું પુસ્તક સંપાદિત કરવામાં આવ્યું છે. એમાં સુમન શાહની છોટુ વાર્તા વાંચી. વાર્તા વાંચ્યા પછી આ સર્જકને વધારે વાંચવાનો અને પુસ્તકોનો તલસ્પર્શી અભ્યાસ કરવાનું મન થયું.

પહોંચ્યા સાહિત્ય પરિષદે અને ત્યાંથી ખરીદ્યા બે દળદાર ગ્રંથો. એક નિસબતપૂર્વક અને બીજો ખેવનાપૂર્વક. જેમાં વાર્તા, કવિતા, નિબંધ સહિતનું ભાતભાતના વિષય પર લખેલું.

કાગારોડ અનલિમિટેડ વાર્તાસંગ્રહ પણ ખરીદ્યો અને વાંચ્યો. ફટફટીયું પણ વાંચ્યું. સર્જકે તો આટલું બધું લખ્યું છે. સંશોધન કર્યું છે એટલે કયા પુસ્તક પર આજે ચા અને બુક કરવી તે સમજાતું ન હતું.

ત્યાં યાદ આવ્યું. સુમન શાહ સુરેશ જોષી વિશે ખૂબ વાતો કરે છે. તેમના પર મહાનિબંધ લખ્યો છે. સુરેશ જોષી એટલે આધુનિકતા તો પછી તેમના પુસ્તક સાહિત્યમાં આધુનિકતા પર જ જઈએ. જેથી ખ્યાલ આવે કે સુમન શાહે આધુનિકતા વિશે શું સંશોધન કરી લખ્યું છે ? હવે જે વાતો છે એ સુમન શાહના સાહિત્યમાં આધુનિકતા પુસ્તકમાંથી લેવામાં આવી છે. એક વાત કે આ પુસ્તક 346 પાનાનું છે. અહીં લખીએ એ તો સમુદ્રમાંથી એક બે ટીપાં ઉધાર લીધેલા છે.

કલા વિશેષ

અસ્તિત્વવાદીઓનો વિદ્રોહનો ભાવ ફ્રેન્ચ કવિ માર્કવીસ સદેમાં એના પૂર્ણ રૂપમાં ઘણો વહેલો અને ભારે પ્રભાવથી પ્રગટ્યો હતો. એમના અતિપ્રાકૃતને નેરવલે સારી પેઠે જાણ્યું હતું. એમણે કહેલું કે, બાહ્ય અને આન્તર વિશ્વો વચ્ચેની કડી શોધવી જ જોઈએ. અતિ પ્રકૃતિવાદ, સુપર નેચરાલિઝમ શબ્દનો પહેલો પ્રયોગ નેરવલે કરેલો. એવી જ રીતે સરરીઆલિઝમ જેવો ભાવબોધ એપોલિનેરને ઘણો વહેલો થયેલો. ને એ શબ્દનો પ્રયોગ સૌ પ્રથમ એમણે કરેલો. આધુનિક મનુષ્યની અંધાધૂંધ અવસ્થાને પ્રબળ વાચા આપનારા પહેલા કવિ તો બોદલેર હતા. – અતિવાસ્તવવાદે એ અભિવ્યક્તિના અન્ય કાકુઓને વિકસાવ્યા.

પ્રવાહદર્શનમાં નવલકથા વિશે

જોકે, નવલકથાને સદીઓના બદલવાની સાથે કોઈ સીધી નિસબત નથી. નવલકથા બંધારણીય રીતે જ એક ખુલ્લો સાહિત્યપ્રકાર છે. માલ્કમ બ્રેડબેરી જેવા વિવેચકો એને ધ ઓપન ફોર્મ કહે છે ત્યારે એમને ઈરાદો કોથળો કહેનારાઓના મતનું સમર્થન કરવાનું નથી. પરન્તુ એ મહત્વની હકીકત તરફ આપણું નવેસરથી ધ્યાન દોરવાનું છે.

વેઈટિંગ ફોર ગોદો

આ નાટકનો ગોદો કોણ છે તેનો વિવેચકોમાં ઠીકઠીક વિવાદ સરજાયો હતો. બેકેટે કહેલું કે ગોદો કોણ છે તેની પોતાનેય ખબર નથી. ખબર હોત તો નાટક શું કામે લખત! એમણે ઉમેર્યું છે કે પોતાને ગોદોમાં નહીં, પણ વેઈટિંગમાં ઝંખનામાં રસ છે. નાટ્યવસ્તુ આ કૃતિમાં ઝંખના છે. ગોદો નહીં. જિન્દગી કશા અર્થ વગરની છે. પણ ઝંખનાથી સદા દમિત છે. પ્રત્યેક ક્ષણે માણસ કશાક ને કશાક માટે ઝૂર્યા કરે છે. ઘણીવાર પોતે જેના માટે ઝૂરે છે તેને તે ઓળખતો પણ નથી હોતો. ઝંખનાનું એવું અકળ અને તેથી જ રહસ્યમય ભાસતું રૂપ, કદાચ ગોદો છે. ગોદો માનવીય વાસ્તવિકતાનું એક નામ છે.

નવલિકા વિશે

વાન ગોઘ કોઈ તબક્કે માત્ર પીળા રંગમાં જ પોતાનાં ચિત્રો કરે કે મોરાંદે માત્ર શીશીઓનાં જ ચિત્રો કરવાનો સંકલ્પ કરે, તો તે કોઈપણ સંજોગોમાં અનુકરણીય બાબત નથી. ઘટનાતત્વનો હ્રાસ સૌએ પોતાની વાર્તામાં કરવો જ ઘટે છે એમ શી રીતે કહી શકાય ? હ્રાસ કરવાથી જે પરિણામો આવે તેની ચર્ચા કરી શકાય. ટૂંકીવાર્તામાં ઓછામાં ઓછી, સૂક્ષ્મમાં સૂક્ષ્મ, પણ વાર્તા લખવી એ પહેલી અને છેલ્લી શરત છે. વસ્તુનું તિરોધાન કરવું એ કોઈની આગવી જરૂરિયાત છે. વાર્તા લખનાર માત્ર માટેની શરત નથી. છતાં વાન ગોઘ, મોરાંદે કે ઘટનાતત્વનું તિરોધાન કરનાર સુરેશ જોષી પાસેથી અન્ય કલાકારો પોતાની શક્તિમતિ પ્રમાણેનું શીખી શકે છે એ પણ હકીકત છે. ֹ‘મારું અનુકરણ કરો’ એમ શક્તિશાળી કલાકારો કદી કહેતા નથી હોતા.

આધુનિક ગુજરાતી સાહિત્ય : ગતિવિધિ

લોકપ્રિય થવા માટે આધુનિકતાનો વિરોધ કરવામાં શક્તિવ્યય કરવાની જરૂર નથી, તો ગાલિબની નકલ કરવાથી પણ લોકપ્રિય થવાતું નથી. લોકપ્રિય તો માત્ર જાતને જોરે જ થવાય છે. વાચક સંખ્યા અને પુસ્તકોનું વેચાણ જેવા માનદણ્ડોથી એને સ્થૂળ રીતે માપી શકાય ખરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments