ગત 24 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી બેઠાં બેઠાં ડિજિટલ માધ્યમથી ગિરનાર રોપ-વેનું ઉદ્ઘાટન કર્યું. ગિરનાર રોપ-વે ખુલ્લો મૂકાતા હવે જેને પગથિયાં ચડીને ન જવું હોય એ ટિકિટ લઈને રોપ-વેમાં બેસીને માત્ર 8 મિનિટમાં અંબાજી પહોંચી શકશે. પરંતુ રોપ-વેમાં પ્રવાસીઓ પાસેથી જે ટિકિટ લેવામાં આવી રહી છે તેને લઈને વિવાદ શરૂ થયો છે અને લોકો પાવાગઢ રોપ-વે સર્વિસ સાથે ગિરનાર રોપ-વે સર્વિસની સરખામણી કરીને ભાવ ઘટાડવાની માગ કરી રહ્યા છે.

તો 8 મિનિટના 826 રૂપિયા
ગિરનાર રોપ-વેની ટિકિની વાત કરીએ તો 14 નવેમ્બર પછી 700 રૂપિયા વસૂલવામાં આવનાર છે. 700માં 18 ટકા જીએસટી ઉમેરાતા ટિકિટનો ભાવ થશે 826 રૂપિયા. એટલે કે કોઈ મુસાફરે અંબાજી માથું ટેકવવા 8 મિનિટમાં પહોંચવું હોય તો 826 રૂપિયા ઢીલા કરવા પડશે. મિનિટના હિસાબે રૂપિયા જોઈએ તો પ્લેનની મુસાફરી કરતાં પણ મોંઘી ટિકિટ કહી શકાય. સામાન્ય લોકો માટે કદાચ રોપ-વેમાં બેસવું સ્વપ્ન સમાન કહી શકાય.
ભાવને લઈ પ્રવાસીઓમાં નારાજગી
એશિયાના સૌથી મોટા ગિરનાર ટેમ્પલ રોપ-વેનું ઉદ્ઘાટન થતાં લોકોમાં એક પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. પરંતુ જેમ જેમ લોકો ટિકિટ બારીએ જતાં ગયા તેમ તેમ વિવાદ અને ટિકિટને લઈને ગણગણાટ શરૂ થઈ ગયો છે. ગિરનાર રોપ-વેનો જે ઉષા બ્રેકો કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો છે તેના ટિકિટના ભાવને લઈને પ્રવાસીઓમાં નારાજગી વ્યાપી છે.

મુખ્યમંત્રીને પત્ર લખાયો
આ અંગે જૂનાગઢના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર મંજુલાબેન પણસારાએ મુખ્યમંત્રીને પત્ર લખીને ટિકિટના ભાવમાં લોકોને રાહત મળે તેવી માગ કરતાં લખ્યું છે કે રોપ-વે લૂંટ-વે ન થઈ જાય. જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ પણ વિરોધનો સૂર પૂરાવતા પત્ર લખીને ટિકિટના ભાવ 300 રૂપિયા રાખવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

આટલું ભાડુ સામાન્ય માણસને પોસાય નહીં
લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે જો સરકારે આ રોપ-વેની સુવિધા સામાન્ય જનતા માટે થઈને શરૂ કરી હોય તો સામાન્ય જનતાને પોસાય તેવા ટિકિટના ભાવ પણ નક્કી કરવા પડે. આટલું ભાડું સામાન્ય માણસને પોસાય નહીં. જો આટલું જ ભાડું રહ્યું તો દર વખતની જેમ પગથિયાં ચડીને જ જય ગિરનારી બોલતા બોલતા જવું પડશે અને રોપ-વે તો બસ બહારથી જ જોઈને રાજી રહેવાનું.
ગિરનારની પાવાગઢ સાથે તુલના
લોકો ગિરનાર રોપ-વેની સરખામણી પાવાગઢ રોપ-વે સાથે પણ કરી રહ્યા છે. કેમ કે પાવાગઢ રોપ-વેની ટિકિટ ગિરનાર રોપવે કરતાં ઘણી સસ્તી છે. ગિરનાર રોપ-વેનું સંચાલન કરી રહેલી ઉષા બ્રેકો નામની કંપની જ પાવાગઢ રોપ-વેનું સંચાલન કરે છે. પાવાગઢ રોપ-વેની લંબાઈ 736 મીટર છે અને ભાડું 141 રૂપિયા છે જ્યારે ગિરનાર રોપ-વેની લંબાઈ પાવાગઢ કરતાં ત્રણ ગણી એટલે કે 2320 મીટર છે જ્યારે ગિરનાર રોપ-વેનું ભાડું પાવાગઢ રોપ-વે કરતાં છ ગણું વધું એટલે કે 826 રૂપિયા થાય છે. જો લંબાઈ પ્રમાણે ભાડું વસૂલવામાં આવતું હોય તો પાવગઢના ભાડાની સરખાણીમાં ગિરનાર રોપ-વેનું ભાડું 447 રૂપિયાની આસપાસ હોવું. જોઈએ પરંતુ 826 રૂપિયા વસૂલવામાં આવશે એટલે કે 379 રૂપિયા પાવાગઢ રોપ-વે કરતાં વધારે ઉઘરાવવામાં આવશે તેવો હિસાબ લોકો માંડી રહ્યા છે.

ભાવ સાંભળીને જ જય ગિરનારી
પાવાગઢ રોપ-વે જ્યારે શરૂ થયો ત્યારે તેની શરૂઆતની ટિકિટ માત્ર 9 રૂપિયા હતી જ્યારે ગિરનાર રોપ-વેની ટિકિટ 700 રૂપિયા રાખવામાં આવી છે. નાના બાળકો માટેની ટિકિટ પણ ગિરનાર રોપ-વેમાં 350 છે. આમ જોવા જઈએ તો ગિરનાર રોપ-વેની ટિકિટના ભાવ દરેક સ્તરે લોકોને વધુ લાગી રહ્યા છે અને સરકારને કહી રહ્યા છે કે ભાવ ઘટાડો તો સામાન્ય જનતા પણ રોપ-વેનો લ્હાવો માણી શકે. બાકી ભાવ સાંભળીને જ જય ગિરનારી બોલતા બોલતા અને પગથિયાં ગણતાં ગણતાં દાતાર સુધી જવા માંડશે.