Homeવિશેષઘેલા સોમનાથ : જો ભાઈ આ કાળમૂખો કોરોના ન આવ્યો હોત તો...

ઘેલા સોમનાથ : જો ભાઈ આ કાળમૂખો કોરોના ન આવ્યો હોત તો…

જસદણથી જસ્મીન સુવાગીયા : ગત લેખમાં આપે વાંચ્યું કે કેવી રીતે કોરોનાના સમયમાં થોડી છૂટછાટ મળતાં અમે મિત્રો ઘેલા સોમનાથના પ્રવાસે જવાનું નક્કી કર્યું. ઘેલા સોમનાથ નામ કેવી રીતે પડ્યું તેની પણ ગાથા સાંભળી અને હવે આગળ વધીએ…

મંદિર પરિસરમાં આહલાદક વાતાવરણમાં અમે મિત્રોએ મંદિર અંગે ઠીકઠાક ચર્ચા કરી. મયૂરે અહીંની સુવિધાથી ચકાચોંધ થતા, પૂછ્યું,‘અહીં તો રહેવાની પણ સારી સુવિધા છે.’

મેં કહ્યું, ‘હા, અહીંનો વહીવટ સરકારી ટ્રસ્ટનો છે. તું જો અહીં ધર્મશાળા, રહેવા માટે પંચતારક હોટલને ટક્કર મારે તેવી સુવિધા ઉભી થઈ છે.’

મંદિર પરિસરમાં કલાક બેઠક જમાવ્યા બાદ જગદીશે કહ્યું, ‘હવે ભૂખ લાગી છે. ચાલો જસદણની ચા ટ્રાય કરીએ અને દેવપૂજા થઈ ગઈ છે, તો હવે પેટપૂજા પણ કરી લઈએ.’

મંદિર પરિસરની બહાર રસ્તાની બાજુમાં આવેલા ઢાબા પર ચારેય પહોંચ્યા. જીતેન્દ્રએ ચા ઓર્ડર કરી અને મયૂરની પસંદગીનો નાસ્તો થેપલા સાથે ચા ઝાપટવાનું શરૂ કર્યું. સવારના 9 વાગ્યા સુધીમાં અમારો નાસ્તાનો કાર્યક્રમ પણ પૂર્ણ થયો. પછી ઘેલો નદીના પટમાં રખડપટ્ટી કરી.

મયૂરે કહ્યું, ‘આ નદી તો જોરદાર છે. કંઈક અંશે હિરણ અને ભાદર યાદ આવી ગઈ.’

મે કહ્યું ‘હા, આ માત્ર ચોમાસામાં જ વહે છે. એક સમય હતો, કે આ નદી બારેમાસ વહેતી રહેતી, પણ હવે ભૂગર્ભ જળ ઊંડા ગયા એટલે સ્થિતિ બદલાઈ ગઈ છે.’

મારુ પ્રકૃતિ જ્ઞાન પુર્ણ કરું એ પહેલા જગદીશે કહ્યું, ‘એ બધું તો ચાલ્યા જ કરશે. હવે આપણે ટેકરી પર જઈએ.’ તેના ચહેરા પરથી કળી શકાતું હતું કે તેને ટેકરી પર જ ચડવું છે.

તેની વાતમાં મેં પણ સમર્થન દર્શાવતા કહ્યું ‘મીનળદેવીની ટેકરી પર ચડ્યા વગર આપણો પ્રવાસ અધુરો કહેવાય.’ ટેકરીની ઊંચાઈ બહુ નથી. ટેકરી ચડતા માંડ ત્રીસ મિનિટ થાય. ચારેય સાથીદારોએ પગથિયાં ચડવાનું શરૂ કર્યું

ટેકરી પરથી મંદિર અને પરિસરનો નજારો અનોખો દેખાય. ચારે બાજુ લહેરાતા ખેતર, વચ્ચે પસાર થતી ઘેલો નદી, ટેકરી પર આવેલા મીનળદેવીના નાનકડાં મંદિરમાં શ્રદ્ધાનું પરિબળ મોટું હતું. તેમની અનન્ય શિવભક્તિએ તેમને ઈતિહાસમાં અમર કરી દીધા. મીનળદેવીના મંદિરે દર્શન કર્યા બાદ અમે ચારેય ટેકરી પર રખડપટ્ટી શરૂ કરી.

મંદિરના પાછળના ભાગમાં જોઉં તો એક પથ્થર પર બીજો પથ્થર મૂકીને બનાવેલ આકૃતિઓ દેખાય. પથ્થર પર પથ્થર મુકે તેને દેરડી કહેવાય. લોકોમાં આવી માન્યતા છે. અહીંનો દરેક પ્રવાસી આ કામ કરીને જાય છે. મારા માટે તે પથ્થર હંમેશાં આકર્ષણનું કેન્દ્ર રહ્યાં છે.

આ પથ્થર કદાચ માણસ અને ઈશ્વર વચ્ચે સેતુ બાંધવાનું કામ કરતા હશે ? ભગવાનને તો રૂબરૂ મળીને કંઈ માંગી નથી શકાતું, પણ ભગવાનને દેરડી બાંધી ઈશારો તો કરી જ શકાય !

માન્યતા એવી છે કે જેટલા પથ્થર બનાવી દેરડી બને તે ભાવિક તેટલી પ્રગતિ કરે. અને જીવનમાં આટલા બધા લોકોને સફળ થવું છે. એ વાતે મને થોડી વાર માટે વિચારતો કરી દીધો. હું ખોવાઈ ગયો અને એ દેરડીઓને તાકતો રહ્યો. આમ તો જ્યારે આવવાનું થાય ત્યારે તેને જોઉં છું. આ વખતની મુલાકાતે તેણે મારા માટે કેટલાક પ્રશ્નનું સર્જન કર્યું હતું.

આ વાતને દેરડી સાથે એકલી મુકી. ટેકરી પર ખૂબ રખડપટ્ટી કરી, થોડું દૂર ચાલ્યા ત્યાં પહાડ પર કોઈ માલધારી પોતાના ઢોર ચરાવતો હતો. અમે ચારેય ત્યાં પહોંચ્યા. મેં માલધારીને કહ્યું, ‘રામ રામ દાદા.’

માથા અને મૂછના સફેદ થયેલા વાળ દર્શાવતા હતા, કે માલધારીની ઉંમર સિત્તેર વર્ષ ઉપર હશે. એણે રામ-રામ કહી પ્રત્યુત્તર આપતા કહ્યું, ‘આવો જવાનીયાઓ બેસો.. સેરથી આવ્યા લાગો ?’ માલધારીએ સફેદ દાઢી પર હાથ પસવારતા પૂછ્યું.

જગદીશે વાતને બીજી દિશામાં ફંટાવતા પૂછ્યું, ‘દાદા કેવુ ચાલે છે ? લૉકડાઉન તો પુરૂ થઈ ગયું હવે કેમ છે ?’

દાદાએ કહ્યું, ‘ભાઈ જો આમ જ મોઢા પર મહોરિયા બાંધીને ફરીએ છીએ. આ કાળમુખો રોગ ન આવ્યો હોત, તો આજે અહી મેળો જામતો હોત…

તમારા જેવા જુવાનિયા મનના માણીગરને શોધતા આ જ મેળામાં આંટા મારતા હોત… પણ હવે તો ટાળુ બદલાયું છે, તમારી પાહે તો ફોન છે, નવા-નવા શાધનો, અમારા વખતે એવું કંઈ ન હતું… પ્રિયતમને મળવાની એક માત્ર જગ્યા મેળો હતી…’

અમારો સંત્સંગ લાંબો સમય ચાલ્યો. માણસની ઉંમર વધે તેમ તેને જૂની વાતો યાદ આવતી રહે છે. વારંવાર આવતી રહે છે. શું મારી સાથે પણ આવું થશે ?

અંતે મેં વિદાય ભરી નજરે કહ્યું, ‘સારું દાદા, હવે અમે જઈએ, હું તો અહીંના બાજુના ભડલી ગામનો જ છું. આ ત્રણેય ભેરૂ બહાર ગામથી આવે છે. હવે આમને ઘરે લઈ જઈશ વાડીએ ફરીશું.’

માલધારીએ કહ્યું, ‘જુવાનિયાઓ ચા તો પીતા જાવ, અમે તેમના આગ્રહને માન આપી ફરી બેઠક જમાવી. માલધારીએ ફાળિયાના છેડે બાંધેલી તપેલી કાઢીને બે પથ્થર પર મૂકી અને બકરીને દોહીને તાજું દૂધ લાવી ચા મૂકી દીધી. આખા દૂધમાં મલાઈદાર ચા તૈયાર થઈ ગઈ.

મેં જોયું માલધારી પાસે ચા પીવા માટે કોઈ વાસણ ન હતું. પણ પ્રકૃતિની ગોદમાં તમામ વ્યવસ્થા હોય છે. માલધારીએ ટેકરી પર પડેલા નાળિયેરની પાંચ કાચલીઓ ધોઈને તૈયાર કરી. પાંચેયે ચા પીધી. નારિયેળની કાચલીમાં ચા પીવાની મઝા જ કંઈક અલગ હતી. અંતે મે કહ્યું, ‘દાદા ચા પીવામાં ટેશળો આવી ગયો. હવે અમે જઈએ, જય મહાકાળ.’

માલધારીએ પ્રત્યુતરમાં કહ્યું, ‘જે સોમનાથ.’ અને અમે ચારેય ટેકરી ઉતરી નીકળી પડ્યા… કુદરતના ખોળેથી દૂર જવા

(પૂર્ણ)

(જો તમારી પાસે પણ હોય પ્રવાસ વર્ણનનો આવો જ લેખ તો મોકલી આપો અમને. અમારું મેઈલ વેબસાઈટ પરથી જ મળી જશે)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments