Homeગુર્જર નગરીનાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ કોણે ફેંક્યું ?

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ કોણે ફેંક્યું ?

હે ચાબુક શું તારા વિસ્તારમાં ધારાસભ્ય કોંગ્રેસના છે?

હાલ હવે તું તો નહીં બોલીશ એટલે હું કહું. રમણભાઈ પાટકરે એવું નિવેદન આપ્યું છે કે, ધરા ધ્રૂજી ગઈ છે. રમણભાઈનાં આ નિવેદનથી ભાજપમાં દશેરા પછી સીધી દિવાળી આવી ગઈ છે. નેતાઓની જીભ લપસી જાય તેનું આ મોટું ઉદાહરણ છે.

કપરાડામાં હતી ભાજપની સભા. એવામાં વન અને આદિજાતિ મંત્રી રમણભાઈ પાટકર બોલીને બેઠા. કોંગ્રેસને તો આવો જ મુદ્દો જોતો હતો. આજે ચેનલોમાં કોંગ્રેસના એ ધારાસભ્યો પણ આવી રહ્યા છે જેને તે ક્યારેય જોયા નહીં હોય.  

‘તમે એ ક્યોને કે રમણભાઈએ કહ્યું શું ?’

રમણભાઈએ કહ્યું, ‘જીતુભાઈ કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે એમને ઓછા પૈસા આપતા હતા અને એટલા માટે જીતુભાઈ જ્યાં પણ વચન આપીને આવે એમનું કામ થતું ન હતું.’ આ વાતનો ગૂઢ અર્થ તો એ થયો ચાબુક કે જ્યાં પણ કોંગ્રેસના ધારાસભ્યો છે ત્યાં ભાજપ વિકાસ નથી થવા દેતી. એટલે કે કોંગ્રેસના જ્યાં જ્યાં નેતા છે એ વચન તો આપે છે, પણ પછી કંઈ થતું નથી.

હવે આ તો ચાબુક ફટાકડો હાથમાં હતો અને દિવાસળી દીધી એના જેવું થયું. એક તો કોંગ્રેસમાંથી ધારાસભ્યો ખરીદ્યા અને પક્ષપલટુઓને ટિકિટ આપી, એ મુદ્દો કોંગ્રેસ પાસે પહેલાથી જ છે અને બધી જગ્યાએ એ પ્રચાર પણ કરી રહી છે કે, ભાજપ ખરીદ-વેચાણ સંઘ છે. હવે આ ફટાકડાની સાથે સાથે એમણે સામેથી જ દિવાસળી આપી દીધી, કે જો તમે કોંગ્રેસના ધારાસભ્ય હો તો તમારા વિસ્તારનું કામ નહીં થાય. હવે આટલો મોટો ફટાકડો કોંગ્રેસવાળા થોડો ફોડ્યા વિનાનો છોડે. એ તો બધી જગ્યાએ ભડાકા કર્યા કર્ય છે.

જો આ મુદ્દે પરેશભાઈ ધાનાણીએ શું કીધું એ હું તને કઉં, ‘ભારતીય જનતા પાર્ટીની સરકાર કમળના નામે મત લઈ અને ગુજરાતના લોકો સાથે કિન્નાખોરી કરે છે. કમલમની કાર્યાલયે હાજરી નોંધાવનારા લોકો માલામાલ થાય છે અને ક્યાંય સત્તાની સામે અધિકારનો અવાજ ઉઠાવનારા લોકોને ડરાવી, ધમકાવી, લલચાવી, ફોસલાવી કરોડોના કોથળે લોકોના ઈમાનને તોળવાની દુકાન શરૂ થાય છે. આજે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મંત્રીશ્રીએ જાહેરમાં સ્વીકાર કર્યો છે કે જે ભાજપની સાથે નહીં રહે તેના અધિકારો છિનવવામાં આવશે.’

કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશીએ પણ ઝંપલાવ્યું અને કીધું, ‘આ વાતની અમે અગાઉ પણ વિધાનસભામાં અને વિધાનસભા બહાર રજૂઆત કરી હતી.’

હું આવ્યો પછી કોંગ્રેસમાંથી કોઈ નેતા આવ્યા નથી

તને તો ખબર છે ચાબુક કે, ગામ આખામાં વાત થાય છે કે રૂપાણી ભાઈ અને પાટીલ ભાઊને ભળતું નથી. હવે આપણે એમાં ક્યાં પડવું એટલે તને આજનું સી.આર.પાટીલનું નિવેદન કહું. એ હવે એમ કહે છે કે મારા આવ્યા પછી કોંગ્રેસમાંથી કોઈ નેતા આવ્યા નથી.

પાટીલ ભાઈ આઠે આઠ બેઠકો જીતવાની વાતો કરતાં હતા ચાબુક અને ત્યાં કોઈ પત્રકારે વચ્ચે પૂછી લીધું. આ વાંચ જો આખે આખુ, ‘ધમકી આપવાનું જે રાજકારણ છે એ કોંગ્રેસને આવડે છે. ભારતીય જનતા પાર્ટી તો બધા સાથે સંવાદ કરી ચાલનારી પાર્ટી છે. કોઈને ધમકાવવાથી મત નથી મળતા. પ્રેમથી મળે છે.’  પછી પ્રશ્ન પૂછે છે તો જવાબ મળે છે કે, ‘હું આવ્યો પછી આજ દિન સુધી કોંગ્રેસમાંથી ભાજપમાં ધારાસભ્ય આવ્યા નથી.’

ભાઉ-ભાઈને ખતમ કરવા નીકળ્યા છે.

આપણે તો એમનેમ વાત કરેલી કે ગામ આખામાં વાતો થાય છે કે ભાઉ અને ભાઈને ભળતું નથી. ત્યાં અમિત ભાઈ તો નિવેદન આપી બેઠા.

હવે ભાઉ ભાઈને ખતમ કરવા નીકળ્યા છે એવું અમિત ચાવડાએ કહ્યું, આખી વાત જાણી લે પછી આપણે બંને વાતમાં ખાબકિયે,‘‘વિધાનસભાની પેટા ચૂંટણી પછી વિજયભાઈ સત્તા પર હશે એ જ મોટો પ્રશ્ન છે, કારણ કે જે રીતે ભાઉ ભાઈને ખતમ કરવા માટે નીકળ્યા છે. જે રીતે ભાજપમાં ભાઉ અને ભાઈની લડાઈ ચાલુ થઈ છે. એ પછી સ્પષ્ટ છે કે ચૂંટણી પછી ગુજરાત સરકારમાં ક્યાંક નવાજૂની થવાની છે. અને એનો જ ડર વિજયભાઈને લાગી રહ્યો છે આ માટે જ બેજવાબદાર નિવેદનો કરી રહ્યા છે.’’

હવે અમિતભાઈની વાતથી એ નક્કી નથી થતું ચાબુક કે ભાઉ અને ભાઈની લડાઈ છે કે નહીં, કારણ કે ભાજપના નેતાઓમાંથી કોઈ બોલતું નથી અને બીજી બાજુ કોંગ્રેસ એમ કહે છે કે ભાઉ અને ભાઈની લડાઈ છે. તો હવે લડાઈ છે એવું કોંગ્રેસને લાગે છે એટલે બધાને કહે છે કે પછી લડાઈ જેવું હકીકતે છે જ નહીં.

જોકે ઘણી પ્રેસ કોન્ફરન્સોમાં ભાઉ તો ભાઈની વાત આવે ત્યારે એમ કહી રહ્યા છે કે, ‘એમણે કંઈ કહ્યું એવું મારા ધ્યાનમાં નથી.’ આ આજે મોરબીમાં ગયાને ત્યારે પાટીલભાઈ આવું બોલ્યા હો. આજે જ કહી દીધું. તને શું લાગે છે ચાબુક ?

‘હું તો એટલું જ જાણું છું ગોવા બાપા કે, પાટીલભાઉ સેફ ગેમ રમી રહ્યા છે. મીડિયામાં કોઈ પણ જગ્યાએ પાટીલભાઉને પ્રશ્ન પૂછાય કે કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદ્યા એટલે સીધા જૂના જોગી જીતુભાઈ ઉપર વાત આવીને ઊભી રહી જાય કે આ તો એમણે કર્યું. મારા આવ્યા પછી એક પણ નથી ખરીદ્યા.’

નીતિનભાઈ પર ચપ્પલ ફેંકાયું

અને ચાબુક હું ઊભો થાવા જાતો જ તો ત્યાં સમાચાર આવ્યા કે નીતિન ભાઈ પટેલ ઉપર ચપ્પલ ફેંકાયું. તરત મેં TV9માં જોયું એ ફૂટેજ બતાવતા હતા. કરજણની સભા હતી. એમની બાજુમાં અક્ષય પટેલ અને ઉપરની બાજુ યોગેશ પટેલ હતા. અને એમાં ચાબુક કોઈએ ચપ્પલ ફેંક્યું. જે સીધું મીડિયાના બુમમાં લાગ્યું. નીતિનભાઈ ઉપર આ રીતે પ્રહાર ? રાજનીતિનું સ્તર હજુ કેટલું નીચું જાશે ? રાજકારણ હોય પણ સાવ આમ ? પદની ગરિમા તો જાળવો. ચૂંટણીમાં પદની ગરીમાની લાજ પણ નથી સચવાતી. નીતિનભાઈ નાયબ મુખ્યપ્રધાન કહેવાય. એક મોટો હોદ્દો છે તેમની પાસે, તો સુરક્ષામાં ક્યાં છિંડા રહી ગયા?  

હવે નીતિનભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં શું કહ્યું એ કઉં, ‘હું મારી બાઈટ આપવામાં વ્યસ્ત હતો. એક એક વાત જોખી જોખીને બોલવાની હોય છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments