Homeગુર્જર નગરીમાંડ ઠંડો પડેલો કોરોનાનો જ્વાળામુખી ફરી ફાટવાની તૈયારીમાં ?

માંડ ઠંડો પડેલો કોરોનાનો જ્વાળામુખી ફરી ફાટવાની તૈયારીમાં ?

Team Chabuk-National Desk : ચૂંટણીનો ઉહાપોહ શાંત થયા પછી ફરી એક વખત ગુજરાત અને ભારતની માથે કોરોના કાળ બનીને ઝળુંબી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. મહાનગરોમાં અત્યારથી જ કેસમાં વૃદ્ધિ થઈ રહી છે. આ પહેલા જે વિસ્તારોમાં લગીરે બસ્સોથી ત્રણસો રોજના કેસ આવતા હતા તેમાં પણ અચાનક ઉછાળો આવી જતા સરકાર માથે ચિંતાની લકીરો ખેંચાઈ છે. મીડિયા પણ જે કોરોનાના કેસની વાતો નહોતી કરતી તે એકાએક રોજના આંકડા દર્શાવવા લાગી છે. આ પહેલા ગુજરાતમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી હતી ત્યારે કોરોના ક્યાં ગાયબ થઈ ગયો હતો તે પ્રકારના જનતા સવાલો પૂછી રહી છે.

ગુજરાતમાં બેફામ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કરેલા પ્રચારમાં મબલખ ભીડ એકત્રિત થઈ હતી. આંખ ઉઘાડતી વાત એ હતી કે ખૂદ ગુજરાતના મુખ્યપ્રધાન પણ કોરોનાની અડફેટે આવી ગયા હતા અને ચાલુ સભામાં તેઓ મૂર્છિત થઈ ગયા હતા. જે પછી તેમને તાત્કાલિક સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી બાજુ ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ મહાનગરોમાં હવે કોરોનાના કેસ એકાએક વધવા લાગ્યા છે. જેનાથી ફરી એક વખત ભયનું લખલખુ પસાર થઈ ગયું છે.

આજે પંજાબની સરકારે પણ કોરોનાના કેસને લઈ લોકડાઊનની ચાલી રહેલી વાતને અફવા ગણાવી ખંડન કર્યું હતું. જેથી પંજાબની જનતાના શ્વાસમાં શ્વાસ આવ્યો હતો. તો મહારાષ્ટ્રમાં બેકાબૂ બનેલા કોરોનાસૂરને નાથવા માટે બે જિલ્લાઓમાં તો લોકડાઊન લાદી દેવાની તંત્રને ફરજ પડી છે, કારણ કે અહીં કોરોનાના દર્દીઓ ખાંડ ઉપર માખી બણબણતી હોય તેમ બણબણી રહ્યા છે. ઉપરથી છેલ્લા કેટલાય સમયથી માસ્ક ન પહેરવા પર પૈસાની ઉઘરાણી સ્થગિત રાખવામાં આવી હતી તેમાં પણ ચેતનાનો સંચાર આવ્યો છે.

હવે એકાએક ફાટેલા કોરોના જ્વાળામુખીને ઠંડો કરવા માટે પુન: કવાયત આદરવામાં આવશે. આ માટે જે તે રાજ્યના સ્થાનિક તંત્ર દ્વારા પણ પ્રત્યંચા તાણવામાં આવી રહી છે. એક તરફ દેશમાં કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. જેમાં કોરોના વોરિયરનો તબક્કો પૂર્ણ થઈ જતા હવે સામાન્ય જનતામાં જે 60 વર્ષની ઉપરના હોય તેમને વેક્સિન આપવામાં આવશે. બીજી બાજુ ફરી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે.

કોરોના માંડ કાબૂમાં આવ્યો હતો ત્યાં આજના આંકડાઓને તપાસવામાં આવે તો સતત બીજા દિવસે કોરોનાના કેસ 16,000ને પાર ચાલ્યા ગયા છે. 24 કલાકમાં 16,577 નવા કોરોનાના કેસ આવ્યા છે. 120 લોકોએ જીવ ગુમાવ્યા છે તો 12,179  લોકો સ્વસ્થ થઈ ઘરે પહોંચ્યા છે.

નવા આવેલા 16,000 કેસમાંથી 8,000 કેસ તો એકલા મહારાષ્ટ્રમાંથી જ આવ્યા છે. અહીં કોરોનાનો આંકડો થમવાનું નામ નથી લઈ રહ્યો. એક તરફ મહારાષ્ટ્રની સરકાર પડ્ડુચેરીની જેમ ભાજપ મહારાષ્ટ્રમાં ઓપરેશન લોટસ ચલાવશે તેવા વાજિંત્ર વગાડી રહી છે, તો બીજી બાજુ કોરોના વિસ્ફોટક બન્યો છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કુલ 56 દર્દીઓનાં મોત પણ થઈ ચૂક્યા છે.

સ્પષ્ટ વાત છે કે મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યોમાં કોરોનાદૈત્યના વધી રહેલા પગપેસારામાં દરેકની ભૂલ છે. આ વધારે વસતિ ધરાવતા રાજ્યો છે. જેમાં વ્યક્તિ દ્વારા જ કોઈ ચૂક થાય તો કોરોના લાગી શકે. માસ્ક પહેરવા મુદ્દે હજુ કેટલાક લોકોમાં આળસ પ્રવર્તી રહી છે તો બીજી તરફ લોકલ ટ્રેન અને લોકડાઊન ધીમે ધીમે હળવું થતા અને સાર્વજનિક જગ્યાઓ ખોલતા લોકોનો ધસારો થયો છે.

ખબર પણ નહીં પડે અને લોકોડાઊન લગાવ્યાને દેશમાં એક વર્ષ પૂર્ણ પણ થઈ જશે. છતાં ભારતમાં કેટલાક એવા રાજ્યો છે જેના કેટલાક નિશ્ચિત શહેરોમાં કેટલાક દિવસનું લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે.

ગુજરાતમાં પણ કોઈ વખાણવા લાયક સ્થિતિ નથી. ચૂંટણી મેદાન ધમરોળ્યા પછી હવે કોરોના તકની રાહ જોઈ બેઠો હોય એમ ખૂદ આંકડા કહી રહ્યા છે. 23 ફેબ્રુઆરીના રોજ જે આંકડો 348નો માંડ હતો તે ગઈકાલે જ 424 પહોંચી ગયો છે. કોરોનાની સામે બાથ ભીડી ચૂકેલાઓને તો ખ્યાલ જ છે કે એ આંકડાને પાંનસો અને પછી હજારે પહોંચતા જરા પણ વાર નથી લાગતી.

અત્યારની સ્થિતિ પર નજર કરવામાં આવે તો કોરોનાના એક્ટિવ કેસની સંખ્યાના આધારે દુનિયામાં ભારતનું સ્થાન 14મું છે. કોરોનાના કારણે પ્રભાવિત થનારા રાષ્ટ્રોમાં ભારતનો બીજો ક્રમાંક છે. તો રિકવરીમાં અમેરિકા પછી ભારતનું નામ આવે છે. જ્યારે મોતમાં અમેરિકા, બ્રાઝીલ અને મેક્સિકો બાદ ભારતનો ક્રમાંક આવે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments